ગુજરાતધર્મ દર્શનસુરત

સુરતઃ મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન

31 મેથી 6 જુન સુધી સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી કથાનું રસપાન કરાવશે

સુરત શહેરના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી 31 મેથી 6 જુન સુધી આ કથા યોજાશે. જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી હજાર લોકોને કથાનું રસપાન કરાવશે.

આ કથામાં લોકો માટે શું-શું ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે અને કથામાં કયા-કયા આકર્ષણો હશે 

આ કથા લોકોને સાળંગપુર ધામમાં વિરાજિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી અહીં સાક્ષાત હોય તેવો અહેસાસ થશે. આ કથા આગામી 31મેથી 6 જુન સુધી રાતે 8.30થી 11.30 વાગ્યા સુધી યોજાશે. જેમાં સાળંગપુર ધામના શાસત્રી હરીપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે. મહત્ત્વનું છે કે, આ કથામાં સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે, તમામ સમાજને સાથે રાખી એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય, યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિ તેમજ આધ્યાત્મિક ભક્તિ ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વળે એવા ઉદ્દેશથી

ખાસ યુવાનો માટે આ કથાનું આયોજન કરાયું છે

આયોજકોના જણાવ્યા મુજબ આજના યુગમાં યુવાનો હનુમાન દાદાને પોતાના આદર્શ માને છે ત્યારે વધુમાં વધુ યુવાનો આ કથામાં જોડાય તે માટે આ કથાનું નામ જ યુવા કથા રાખવામાં આવ્યું છે. કથા દ્વારા શ્રી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોથી યુવા વર્ગને સંસ્કારથી સુશોભિત કરવાનો ઉમેદ હેતુ છે. કથામાં યુવાનોને વ્યસન મુક્તિ તેમજ રાષ્ટ્રભક્તિ અને ભક્તિનો સમન્વય થાય તે હેતુ છે. દરરોજ કથા પૂર્વે રાષ્ટ્રગાન પણ કરવામાં આવશે. કથા સ્થળે 25 હજારથી વધુ લોકો બેસીને દાદાની કથા સાંભળી શકે તે માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત ત્યાં લોકોના વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

કથા સ્થળે બે મોટા ધાર્મિક સ્ટોલ પણ હશે

આયોજકોના જણાવ્યા અનુસાર કથા સ્થળે બે ધાર્મિક સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જ્યાંથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને લગતા તમામ ધાર્મિક સાહિત્યનું વેચાણ કરાશે. આ સ્ટોલ સાળંગપુર સંસ્થા દ્વારા જ ઉભા કરવામાં આવશે. જ્યાંથી લોકો દાદાની ફોટો ફ્રેમ સહિતના તમામ સાહિત્ય ખરીદી કરી શકશે.

કથાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કરાશે

7 દિવસ ચાલનારી આ કથા દરમિયાન દરરોજ રક્તદાન શિબિર તેમજ વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. સર્વરોગ નિદાન કેમ્પમાં હદયરોગ, ડાયાબીટીસ, મગજ અને કરોડરજ્જુ, બાળરોગો, સાંધા અને હાડકા, પેટના રોગો, આંખના રોગો, સ્ત્રીરોગો, કેન્સર નિષ્ણાંત, ફીજીયોથેરાપી, દાંતના રોગો, વેગેરેના અનુભવી અને જાણીતા ડોકટરો દ્વારા તપાસ થશે.

કથાના કાર્યક્રમ

આગામી તારીખ 28 મેના રોજ મારુતિ યજ્ઞ, 31 મેના રોજ ભવ્ય અને વિશાળ પોથીયાત્રા, 3 જૂનના રોજ હનુમાન જન્મોત્સવ, 4 જૂનના રોજ દાદાને ભવ્ય અન્નકૂટ, 6 જૂનના રોજ કથા પુર્ણાહુતી. આ ઉપરાંત તારીખ 1થી 5 જૂન સુધી મેડીકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.

લોક ડાયરો અને ધૂન-કીર્તન

શ્રીહનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત લોક ડાયરો અને ધૂન કીર્તનનું 30મી મેના રોજ રાતે 8.30 વાગ્યે આયોજન કરાયું છે. જેમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા તેમજ ગાયક કલાકાર વિવેક સાંચલા પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રીમારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા દાદાના સુમધુર કીર્તનોની રમઝટ પણ થશે.

28 મેના રોજ ભવ્ય મારુતિ યજ્ઞ

સુરત શહેરને આંગણે આયોજીત શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં 28 મેના રોજ ભવ્ય મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞનો પ્રારંભ સવારે 7 કલાકે થશે અને પુર્ણાહુતી સાંજે 5 કલાકે થશે. તેમજ આ ભવ્ય મારુતિ યજ્ઞમાં 150 યુગલો ભાગ લેશે.

પોથીયાત્રાની ભવ્યતા

31 મે બુધવારના રોજ બપોરે 3.30 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. આ પોથીયાત્રા અંબિકા પિનાક્લ, લજામણી ચોકથી નીકળી કથા સ્થળે જશે.

શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યતા

3 જુન ના રોજ રાતે 8.30 થી 11.30 સુધી શ્રીહનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં 51 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે. સમગ્ર સભા મંડપને ફૂલો અને ફુગ્ગાથી શણગારવામાં આવશે. 51 કિલો ચોકલેટ અને કેડબરી દાદાને ધરાવવામાં આવશે. તેમજ 108 કિલો પુષ્પ વર્ષાથી દાદા અને સંતો ભક્તોને વધાવવામાં આવશે.

વિશેષ અન્નકૂટ ધરાવાશે

4 જુનના રોજ ‘મારા દાદાને મારો અન્નકૂટ’ કાર્યક્રમ હેઠળ દાદાને વિશેષ રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરેથી દાદા માટે અલગ-અલગ વાનગીઓનો અન્નકૂટ લઈને આવશે જે વિશેષ રીતે ગોઠવણી કરીને દાદાને ધરાવવામાં આવશે.

શહેરના અનેક અગ્રણીઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહેશે

સુરતમાં અતિ ભવ્ય અને પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પાવન કથાનો લાભ લેવા શહેરની તમામ જનતાને તો ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું જ છે.કથામાં એકત્ર તમામ દાન ભેટ સાળંગપુરમાં દાદાના ચરણોમાં અર્પણ કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button