સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં પ્રયાગરાજ મિલમાં ભીષણ આગ
સુરત.પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી પ્રયાગરાજ મિલમાં આજે રાત્રિએ અચાનક આગ ફાટી નિકળતા ભાગદોડ મચી જવા પામી હતી. મિલમાં કાપડનો મોટો જથ્થો હોવાના કારણે આગે થોડી જ ક્ષણોમાં વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે આ અંગે ફાયર બ્રિગેડને અવગત કરાતા ૨૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી.
આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી ૩ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરની કામગીરી દરમિયાન એક ફાયરકર્મીને માથામાં ઈજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ કુલીંગની કામગીરી ચાલુ હોવાનું ફાયરવિભાગ પાસેથી જાણવા મળ્યું છે.
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુમાં પ્રયાગરાજ મિલ આવેલી છે. આજે રાત્રિએ અચાનક પ્રયાગરાજ મિલમાં આગ લાગી હતી. જેથી મિલમાં કામ કરતા કારીગરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે જોતજોતામાં આગ વિકરાળ બની હતી. જ્યારે આગ ત્રાજા માળ સુધી પ્રસરી ગઈ હતી. દૂર દૂર સુધી આગના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.
તાત્કાલિક આ અંગે ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ બની હતી કે ફાયરને મેજલ કોલ જાહેર કરવો પડ્યાે હતો. માનદરવાજા, ડુંભાલ, મજૂરા,કતારગામ, અડાજણ, મોરાભાગળ, પાલનપોર અને નવસારી બજારના ફાયર સ્ટેશનોથી કુલ ૨૦ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરની ટીમ દ્વારા સતત ૩ કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. હાલ લખાઈ રહ્યું છે ત્યારે કુલીંગની કામગીરી ચાલી રહી છે.
મોટી જાનહાની ટળી
વધુમાં કારીગરોએ સમયસૂચકતા વાપરી મિલમાંથી બહાર આવી જતા મોટી જાનહાની ટળી હતી. જ્યારે ફાયરની કામગીરી દરમિયાન એક ફાયર માર્સલ મહાવીર સોલંકીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધી મોટી જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. જોકે, ઘટનામાં મિલમાં રહેલો કાપડનો તમામ જથ્થો બળીને ખાક થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.