સુરત: જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બીજી વખત ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. સુરતના ઉધનાના પાટિલ પરિવારની જન્મથી મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) ૩ વર્ષની બાળકી વૈષ્ણવી અને બોળીયા પરિવારના ૪ વર્ષીય બાળક રૂદ્રને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી બન્ને બાળકોમાં સફળતાપૂર્વક સર્જરી કરી છે.
રૂદ્ર અને વૈષ્ણવીના પરિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. જે આ મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. પરંતુ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ અને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
વૈષ્ણવી પાટિલના પિતા હરીશભાઈ પાટિલ ખાનગી કંપનીમાં નોકરી કરી ૬ જણના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરતમાં ઘરઆંગણે જ આ યોજનાનો નિઃશુલ્ક લાભ મળી રહેતા આ બંને પરિવારે આનંદિત થઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે મૂળ સુરેન્દ્રનગરના વતની બોળીયા પરિવારના ભવાનભાઈ બોળીયાના ૪ વર્ષીય દીકરા રુદ્રને વાણી અને શ્રવણશક્તિ પાછી મળતા તેમના પિતા ભવાનભાઈએ ભાવુક થઈ જણાવ્યું કે, ગરીબ લોકો માટે સરકાર દેવદૂત બનીને મદદ કરે છે. જેના કારણે આજે મારા દીકરા અને સમગ્ર પરિવારને સુખની એક નવી દુનિયા મળી ગઈ છે.
‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે.
નવી સિવિલમાં સફળ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’માં તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, અમદાવાદ ENT વિભાગના વડા ડૉ.નીના ભાલોડિયા, સહ પ્રાધ્યાપક ડૉ. દેવાંગ ગુપ્તા, પ્રિન્સિપલ ઓડિયોલોજીસ્ટ ડૉ.ગુંજન મહેતા, સિનિ. રેસિડન્ટ ડૉ. ખુશાલી પટેલ, સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટર, સહ પ્રાધ્યાપક ડૉ. રાહુલ પટેલ, ટી. બી. વિભાગના વડા અને નર્મદ યુનિ. સિન્ડિકેટ સભ્ય ડો. પારૂલ વડગામા, આર.એમ.ઓ.ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર સહિત નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.