ગુજરાતબિઝનેસસુરત

સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોની ચાઇના સ્થિત ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ પ્લાન્ટની સ્ટડી ટુર

ચાઇના ખાતે આવેલા મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાં એક છત નીચે ૧૦૦૦ વોટરજેટ અને ૧૦૦૦ એરજેટ મશીન ચાલે છે

સુરતઃ પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ આશીષ ગુજરાતીની સાથે સુરતના ૪પ જેટલા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કે જેઓ હોમ ટેક્ષ્ટાઇલ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને હાઇ ફેશન ગારમેન્ટનું ફેબ્રિક બનાવે છે તેઓ ચાઇના સ્થિત ટેક્ષ્ટાઇલ મશીનરીનું ઉત્પાદન કરતા પ્લાન્ટના સ્ટડી ટૂર પર ગયા હતા.

આ અંગે માહિતી આપતા આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કયુંડો હાઇજીયા મશીનરી લિમિટેડ (Qingdao Haijia Machinery Ltd)ના સુરતના પ્રતિનિધિ તેમજ જાનકીતારા ગૃપના સંદિપ કેડીયા દ્વારા તેઓને આ મેન્યુફેકચરીંગ પ્લાન્ટની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કંપની દ્વારા મેન્યુફેકચરીંગ પ્લાન્ટની મુલાકાત ગોઠવી આપવામાં આવી હતી.

ચાઇના ખાતે આવેલા મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાં એક છત નીચે ૧૦૦૦ વોટરજેટ અને ૧૦૦૦ એરજેટ મશીન ચાલે છે. અહીં એક ઓપરેટર વોટરજેટના ર૪ અને એરજેટના ર૪ મશીન હેન્ડલ કરે છે. ભારતના દરે જ ત્યાં પણ વીજળી મળે છે પણ ત્યાં વ્યાજ દર ઓછો છે. આ પ્લાન્ટમાં કામ કરતા વર્કરો હાઇલી સ્કીલ્ડ છે અને તેઓને મહિને રૂપિયા ૧.રપ લાખ પગાર મળે છે. સાથે જ ત્યાં પ્રોડકશનની એફિશિયન્સી પણ ૯પ ટકા છે. જ્યારે ભારતમાં પ્રોડકશનની એફિશિયન્સી ૮પ ટકા છે. પ્રોડકશનની દૃષ્ટિએ વર્ક કલ્ચરનો ફરક છે અને એક્ષ્પોર્ટ લાયક ફેબ્રિક બને છે.

રૂપિયા ૬૦૦ કરોડના રોકાણ સાથેનો કયુંડો હાઇજીયા મશીનરી લિમિટેડ કંપની (Qingdao Haijia Machinery Ltd)નો આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટીક રોબોટિક છે. આ રોબોટિક પ્લાન્ટ સિમેન્સ જર્મનીએ ઇન્સ્ટોલ કર્યો છે. આ કંપની જાપાનની ટોરે TORAY અને તેજીન TEIJIN કંપનીને વોટરજેટ મશીનરી સપ્લાય કરે છે. આ ઉપરાંત વિશ્વની અગ્રેસર ટેક્ષ્ટાઇલ કંપની હેન્ગલીને ૬૦૦૦ જેટલા વોટરજેટ સપ્લાય કર્યા છે. સુરતના મોટા ભાગના વિવર્સ પણ હાઇજિયા કંપનીની મશીનરીનો ઉપયોગ કરે છે. હાઇજિયા કંપનીનો વિશ્વમાં માર્કેટ શેર ૪૦ ટકા જેટલો છે. એના પ્લાન્ટમાં માત્ર ર૦ કર્મચારીઓ કામ કરે છે અને વર્ષે ૧૬૦૦૦ મશીન (વોટરજેટ અને એરજેટ)નું પ્રોડકશન છે. ઉલ્લેખનીય છે કે સેમી ઓટોમેટિક ફેકટરીમાં પણ ઓછામાં ઓછા ૩૦૦ કર્મચારીઓની જરૂર હોય છે.

આ ઉપરાંત ઉદ્યોગકારોએ જાયેન્જીન હુફાન્ગ ન્યુ ટેકનોલોજી એન્ડ સાયન્ટીફિક રિસર્ચ કંપની લિમિટેડ (JIANGYIN HUAFANG NEW TECHNOLOGY & SCIENTIFIC RESEARCH CO., LTD.)ની પણ મુલાકાત લીધી હતી. આ કંપનીના પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટિક છે અને ત્યાં ડાયરેકટ વોર્પિંગ મશીનરી બને છે. તદુપરાંત યાનચેન્ગ સિટી જિન્ગ ટાયન ટેક્ષ્ટાઇલ મશીનરી કંપની લિમિટેડ (YANCHENG CITY JING TIAN TEXTILE MACHINERY CO., LTD.)ના ફુલ્લી ઓટોમેટિક સાઇઝીંગ મશીનરી બનાવતા પ્લાન્ટની પણ વિઝીટ કરી હતી. આ પ્લાન્ટમાં વેલ્ડીંગ જેવી પ્રોસેસ પણ રોબોટ કરતો હોવાનું જોવા મળ્યું હતું. આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી મશીનરીઓ વિશ્વની ૧૦ અગ્રેસર ટેક્ષ્ટાઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત સહિત દેશના તમામ ટેક્ષ્ટાઇલ એસોસીએશનોએ ભેગા મળીને ટેક્ષ્ટાઇલ એક્ષ્પર્ટને સાથે રાખીને ગેપ એનાલિસિસનો રિપોર્ટ તૈયાર કરવો જોઇએ. જેથી કરીને ટેક્ષ્ટાઇલના પ્રોડકશનમાં ૯પ ટકાની એફિશિયન્સી સુરતમાં પણ મેળવી શકાય અને એક્ષ્પોર્ટ લાયક ફેબ્રિકનું ઉત્પાદન થઇ શકે. તદુપરાંત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ હાઇજિયા કંપનીને અનુરોધ કર્યો છે કે તેઓ મશીન મેન્યુફેકચરીંગનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરે, જેથી કરીને તેઓ એશિયાના માર્કેટને મશીન સપ્લાય કરી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button