
અમદાવાદ, ૮ ઓગષ્ટ ૨૦૨૩: સલામત અને પ્રેરક વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવું તે પ્રગતિનું ઉદાહરણ છે. કેલોરેક્સ ફાઉન્ડેશન સંચાલિત વિસામો કીડ્ઝ ફાઉન્ડેશન છેલ્લા 21 વર્ષથી શૈક્ષણિક તકો મારફતે સશક્તિકરણ કરીને નાના બાળકોના જીવનનું પરિવર્તન કરી રહ્યું છે.
વર્ષ 2023 વિસામો કીડઝ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભૂતપૂર્વ બની રહ્યું છે. આ ફાઉન્ડેશનના ત્રણ વિદ્યાર્થીઓએ 12 વર્ષની સફર સાથે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને શિક્ષણની ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
આમાંના પ્રથમ વિદ્યાર્થી તરીકે પ્રાચી રોહિતનો સમાવેશ થાય છે. તે વડોદરામાં એનડીસી ઈન્સ્ટીટ્યુટ ઓફ એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી રહી છે. પ્રાચીએ અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલના સેટેલાઈટ સંકુલમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
દ્રષ્ટિ મકવાણા પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવનાર વધુ એક વિદ્યાર્થી છે. તેણે જોધપુરની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)માં પ્રવેશ મેળવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી દ્રષ્ટિએ વિસામો કીડ્ઝ ફાઉન્ડેશનના સહયોગથી ઝેબર સ્કૂલમાં 87 ટકા ગુણ મેળવ્યા છે. દ્રષ્ટિ તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે પોતાનું સપનું સાકાર કરી શકતી ન હતી. તેના પિતાનો વ્યવસાય પ્લમ્બરનો છે અને તેનો પરિવાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહે છે.
આશિષ સોનાગ્રા નામના વધુ એક વિદ્યાર્થીએ વિસામો કીડ્ઝ ફાઉન્ડેશનના સહયોગથી સિલ્વર ઓક કોલેજ, અમદાવાદમાં કોમ્પ્યુટર એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવ્યો છે. આશિષે નારણપુરાની સંત કબીર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આશિષ સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામનો વતની છે. તેના પિતા ગામમાં દરજી કામ કરે છે.
વિસામો કીડ્ઝ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સુપરવાઈઝર સુદેશના ભોજીયા જણાવે છે કે “વિસામો કીડઝ ફાઉન્ડેશનમાં અમે શિક્ષણના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓના જીવન પરિવર્તન માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ ત્રણ બાળકોએ સખત પરિશ્રમ અને સમર્પણ ભાવના મારફતે ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમે વધુને વધુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂં પાડીને તેમના સશક્તિકરણ માટે તત્પર છીએ.”
વિસામો કીડ્ઝ ફાઉન્ડેશન વંચિત બાળકો માટે છત્રછાયાની કામગીરી કરે છે અને પર્યાવરણના વિકાસની સાથે સાથે 100થી વધુ બાળકોને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડી રહ્યું છે.