લાઈફસ્ટાઇલસુરતહેલ્થ

રનીંગથી વ્યકિતનો આત્મવિશ્વાસ વધે છે અને ડાયાબિટીસ જેવી બિમારીથી પણ બચાવે છે : મેરેથોન રનર અનિલ માંડવીવાલા

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ‘Leap to a Healthy Lifestyle’ વિષે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

સુરત. ર૧મી સદીમાં લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. ઝડપી જીવનને પગલે લોકોને વિવિધ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે. સાથે જ લોકોનું શરીર વિવિધ બિમારીઓનું ઘર બનતું જઇ રહયું છે ત્યારે લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે દિશામાં માર્ગદર્શન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘Leap to a Healthy Lifestyle’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વકતા તરીકે જાણીતા મેરેથોન રનર અનિલ માંડવીવાલા તથા કન્સલ્ટન્ટ ડાયટિશન એન્ડ સર્ટિફાઇડ સ્પોર્ટ્‌સ ન્યુટ્રીશનિસ્ટ ડો. કેતા શાહે ઉદ્યોગ સાહસિકોને સ્વસ્થ જીવનશૈલી વિષે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે બહાર કોઇ જીમ નહોતું. એમના માટે ઘર અને રસોડું જ જીમ હતું. રસોડાના કામકાજથી મહિલાઓ સ્વસ્થ રહેતી હતી પણ આજના યુગમાં સ્વસ્થ રહેવા માટે વસ્તુઓ વસાવવી પડી રહી છે. કોઇપણ વ્યકિત ફીટ હોય ત્યારે એનામાં દોડવાની ઇચ્છાશકિત નિર્માણ થાય છે. વ્યકિતની ફીટનેસ જ એની પર્સનાલિટી છે.

તેમણે કહયું કે, ફીટનેસનો અર્થ એટલે માત્ર શારીરિક સ્વસ્થતા નથી થતો. વ્યકિતનું માઇન્ડ કેટલું સ્ટેબલ છે અને તે કોઇપણ બાબતે રિએકટ કેવી રીતે કરે છે, આ બાબતો તેની ફીટનેસને દર્શાવે છે.

અનિલ માંડવીવાલાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવનશૈલી માટે શારીરિક અને માનસિક કસરત ખૂબ જ જરૂરી છે. આથી તેમણે દસ જેટલી એકટીવિટી કરવાની સલાહ આપી હતી. તેમણે કહયું હતું કે, દરરોજ હલકી કસરત કરવી જોઇએ અને સાતથી આઠ કલાકની ઊંંઘ લેવી જોઇએ. ૩પ વર્ષ બાદ એક વખત આખા બોડીનું મેડીકલ ચેકઅપ કરવું જોઇએ. મહિલાઓએ ડેઇલી રૂટીનમાંથી બહાર આવીને પોતાને પણ સમય આપવો જોઇએ અને ઘરે મેડીટેશન અને હલકી કસરત કરવી જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રનીંગ કરવાથી સૌથી વધારે કેલરી બર્ન થાય છે અને કેન્સર જેવી બિમારીથી લડવા માટે પણ મદદ કરે છે. રનીંગથી પરસેવો વધારે નીકળે છે. રનીંગને કારણે વ્યકિતનો આત્મવિશ્વાસ વધે છે અને ડાયાબિટીસ જેવી બિમારીથી પણ બચાવે છે, પરંતુ રનીંગ કરતી વખતે ઘણી બધી બાબતોને ધ્યાને લેવાની જરૂર હોય છે. એના માટે તેમણે સ્ટેપ બાય સ્ટેપ રનીંગ તરફ જવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં વોકીંગ, ત્યારબાદ જોગીંગ અને પછી રનીંગ કરવાની સલાહ આપી હતી.

ડો. કેતા શાહે જણાવ્યું હતું કે અત્યારે ઝડપી જીવનમાં લોકો હાર્ટ ડિસીસ, બ્રેસ્ટ કેન્સર, ગાયનેકોલોજિસ્ટ સંબંધિત સમસ્યાઓ, ડિપ્રેશન અને એન્ઝાઇટી, રિપ્રોડકટીવ પ્રોબ્લેમ્સ અને મેનોપોઝ જેવી જુદી–જુદી બિમારીઓથી પીડાઇ રહયા છે. આથી તેમણે શારીરિક સ્વાસ્થ્યતા માટે આહારમાં આયર્ન, કેલ્શીયમ અને પ્રોટીન લેવાની સલાહ આપી હતી. એના માટે તેમણે લીલા શાકભાજી અને ફળો લેવા જણાવ્યું હતું. દિવસ દરમિયાન ચારથી પાંચ લીટર પાણી પીવું જોઇએ. હેલ્ધી રહેવા માટે હલકી કસરત કરવાનું કહી હેવી કસરત ટાળવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. કસરત માટેનું ડિસીપ્લીન જાળવી રાખવાની સલાહ તેમણે આપી હતી.

આ સેશનમાં લેડીઝ વીંગે ચેમ્બરના ઓફિસ બેરર્સનું સન્માન કર્યું હતું. સેશનમાં ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી હાજર રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને આગામી કાર્યક્રમોની પણ માહિતી આપી હતી.

લેડીઝ વીંગના સેક્રેટરી શીખા મહેરાએ વકતાઓનો પરિચય આપ્યો હતો. જ્યારે લેડીઝ વીંગના સભ્ય માનસી વિરાનીએ સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. લેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button