સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા શુક્રવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦રર ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’ યોજાયું છે. જેને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતુ કે, સ્પાર્કલ એકઝીબિશનને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને બિન નિવાસી ભારતીયો (NRI) પણ સ્પાર્કલમાં આવીને આગામી લગ્ન પ્રસંગ માટે ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત ચેમ્બર દ્વારા ૫૦૦ જેટલા પરિવારને સ્પાર્કલમાં આમંત્રિત કર્યા હતાં કે જેમના ત્યાં આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ છે એવા ૧૬૨ જેટલા પરિવારોએ સ્પાર્કલની મુલાકાત લઈને જ્વેલરી ખરીદી હતી.
તદુપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે હૈદરાબાદ, મુંબઈ, ન્યૂ દિલ્હી, વલસાડ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ, પુણે, જયપુર, વડોદરા અને બેંગલોરથી બે દિવસ દરમિયાન કુલ ૩૭૮૦ મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત યુએસએથી પણ મુલાકાતીઓએ સ્પાર્કલની મુલાકાત લઈ જવેલરી ખરીદી કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજા મહારાજાના સમય દરમિયાન જે અસલ રજવાડી જ્વેલરી બનતી હતી એવી જ રજવાડી જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
જ્વેલર્સના જણાવ્યા મુજબ, એક એવું ફેમિલી છે જે સુરતના જવેલર્સ દ્વારા અપાતી ડિઝાઇન મુજબ અસલ રજવાડી જ્વેલરી બનાવે છે. આ જ્વેલરીમાં બર્મા રૂબી અને રીયલ ઝામ્બીયન એમરલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ઇન્ડિયન ઓરીજીન અસલ રજવાડી જ્વેલરી ભાગ્યે જ જોવા મળે છે, જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
સ્પાર્કલ પ્રદર્શનમાં કેટલાક જ્વેલર્સના ત્યાં રૂપિયા એક કરોડથી લઈને દોઢ કરોડ સુધીની અલૌકિક બ્રાઇડલ જ્વેલરી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને નેકલેસ તથા અન્ય જ્વેલરીનો સમાવેશ થાય છે. જેણે પ્રદર્શનમાં આકર્ષણ જમાવ્યું છે અને મુલાકાતીઓનું ધ્યાન ખેચ્યું છે.