વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત ગોડાદરા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત

સુરત : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૨૯ અને ૩૦મી સપ્ટે.ની બે દિવસીય મુલાકાતનો પ્રારંભ સુરતથી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૯મી સપ્ટે.એ સુરતની મુલાકાત દરમિયાન તેઓ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
જ્યાં ઉપસ્થિત ધારાસભ્ય સંગીતાબેન પાટિલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભાજપ સંદીપભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર હેમાલીબેન બોઘાવાલા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, ડો. નરેન્દ્ર પાટીલ,
સુધાકર ચૌધરી, અલકા પાટીલ, વિજય ચૌમલ, દિનેશ રાજપુરોહિત, કોર્પોરેટરોએ વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર ઉપસ્થિત હતા.
ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનશ્રીનો મેગા રોડ શો યોજાયો
વડાપ્રધાનની સુરત મુલાકાત દરમિયાન ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના ૨.૭૦ કિલોમીટરના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં સુરતવાસીઓ તેમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદન કર્યું હતું. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ-સમાજબંધુઓ અને નાગરિકોએ પુષ્પવર્ષાથી વડાપ્રધાનને વધાવ્યા હતા. રોડ શોમાં રોડની બંન્ને તરફ વિશાળ સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. ‘ભારત માતાની જય’ના જયઘોષ સાથે રોડ શોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાવીને લોકોએ વડાપ્રધાનશ્રીના વધામણા કર્યા હતા.
રોડ શોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. લોકોનો અનેરો ઉત્સાહ અને ઉમંગ, રોડની બંન્ને તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના બેનરો અને રંગબેરંગી સુશોભનો દ્વારા લિંબાયત વિસ્તારમાં દિવાળી પહેલાં જ દિવાળીના આગમનનું તાદ્રશ્ય ચિત્ર નિર્માણ થવા પામ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ પોતાના વાહન અંદરથી બે હાથ જોડી માન-સન્માનપૂર્વક લોકોના આવકાર અને લાગણીભીના અભિવાદનને ઝીલ્યું હતું.