વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન ઋષિ માત્ર ૫ વર્ષની ઉંમરમાં સરકારની A To Z યોજનાઓ-પ્રોજેક્ટોના કડકડાટ બોલે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વેશભૂષા ધારણ કરીને રોડ શોમાં આવેલો જુનિયર મોદી ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના ખર્ચના વિકાસકાર્યોની ભેટ સુરતને આપી હતી. આ અવસરે લાખોની જનમેદની નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક નિહાળવા આવી પહોંચી હતી. સભાસ્થળે વડાપ્રધાનશ્રીની વેશભૂષા ધારણ કરીને આવેલો પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધો.૧માં અભ્યાસ કરતો ઋષિ તેમની મમ્મી દિપિકાબહેન સાથે વડાપ્રધાનશ્રીની એક ઝલક નિહાળવા આવ્યો હતો.
ખાસ વાત તો એ છે કે, ઋષિએ જે રીતે શાળામાં બાળકોને A ફોર એપલ શીખવવામાં આવે છે તે રીતે તે ABCD ના તમામ મૂળાક્ષરોને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં અમલી બનેલી તમામ યોજના, પ્રોજેક્ટ્સ, નવતર આયામોને A થી Z સાથે જોડીને કડકડાટ બોલી શકે છે. દા.ત. A ફોર અટલ પેન્શન યોજના, B ફોર બેટી બચાઓ, બેટી પઢાઓ, C ફોર કરપ્શન ફ્રી ઈન્ડિયા, D ફોર ડિજીટલ ઈન્ડિયા, S ફોર સ્વચ્છ ભારત અભિયાન, U ફોર ઉજ્જવલા યોજના, J ફોર જનધન યોજના N ફોર NPS-નેશનલ પેન્શન યોજના, M ફોર મેક ઈન ઈન્ડિયા એમ અંગ્રેજીના તમામ મૂળાક્ષરો સાથે જોડીને કંઠસ્થ કરી લીધા છે.
તે આટલી નાની ઉંમરે ઋષિ ગજબની યાદશક્તિ ધરાવે છે. એટલું જ નહીં, તે વડાપ્રધાનશ્રીની ઘણા ભાષણો પણ યાદ કર્યા છે, અને મોદીજીની આગવી અદામાં પણ બોલી શકે છે.
મુળ રાજસ્થાનના વતની ઋષિનો પરિવાર સુરત શહેરના પર્વત પાટીયા ખાતે રહે છે. ઋષિના પિતા મહેન્દ્રભાઈ પુરોહિત ઈલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરણા મેળવીને તે મોટો થઈ પ્રધાનમંત્રી બનવા માંગે છે.