પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મહિલાઓને પોતાના સ્વપ્નના ઘરો મળ્યા
આવાસ ફાળવણીમાં અમારી પસંદગી થઈ ત્યારે વિશ્વાસ નહોતો બેસતો કે આટલી ઝડપે અમે માલિકીની મકાનમાં રહેવાનું સૌભાગ્ય મેળવી શકીશું: લાભાર્થી મહિલાઓ
સુરત:સોમવાર: આવાસ એ માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરિક માટે પોતાની માલિકીનુ ઘર હોવું એ આર્થિક અને સામાજિક સલામતીનો અનુભવ કરાવે છે, સાથે સાથે તેનો મોભો પણ વધે છે. માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવનમાં ઘર એક મોટું સામાજિક પરિવર્તન લાવે છે અને તે આસપાસના સમાજનો અભિન્ન હિસ્સો બની જાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ આ વાતને ચરિતાર્થ કરી છે. સુરતના ભીમરાડના PM આવાસમાં મહિલાઓએ એક સૂરે કહ્યું કે, ‘PM આવાસ યોજનાએ અમને સ્વપ્નના ઘરો આપ્યા છે.’
પોતાનું પણ એક ઘર હોય એવા સપના સાથે લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું અને ડ્રોમાં નામ ખૂલતા તેમનું આ સપનું પૂર્ણ થયું. હવે આ મહિલા લાભાર્થીઓ; રેખાબેન, જશીબેન,સોનલબેન અને હસુમતીબેન હાલ ભાડાનું મકાન છોડીને હવે પરિવાર સાથે પોતાને મળેલા આવાસમાં સુખશાંતિથી રહે છે.
મહિલા લાભાર્થીઓના જણાવ્યા અનુસાર મધ્યમ વર્ગની પડખે ઉભા રહીને સરકારે તેમની સંવેદનશીલતાનો અહેસાસ કરાવ્યો છે. મોંઘવારીના સમયમાં એકલા હાથે ઘરનું ઘર નિર્માણ કરવું એ ખૂબ કઠિન છે. સુરતમાં જ્યારે નિયત તારીખે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો અને આવાસ ફાળવણીમાં અમારી પસંદગી થઈ ત્યારે વિશ્વાસ નહોતો બેસતો કે આટલી ઝડપે અમે માલિકીની મકાનમાં રહેવાનું સૌભાગ્ય મેળવી શકીશું.
ભીમરાડના PM આવાસમાં રહેતા લાભાર્થી સોનલબેને જણાવ્યું કે, અમે પહેલા ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. હવે અમારી પાસે પોતાનું મકાન છે, જેમાં અમે પરિવારના ૪ સભ્યો સુખશાંતિથી રહીએ છીએ, અહીં પ્રાથમિક સુવિધાઓમાં કોઈ ઉણપ નથી.