બિઝનેસસુરત

સંસ્થાઓ – કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળી શકે તે હેતુથી પાન કાર્ડથી દરેક સંસ્થાઓને લેબર સહિતના તમામ કાયદાઓથી સાંકળી લેવાશે : લેબર લો નિષ્ણાંતો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘લેબર લો’વિષે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ૧૯ ડિસેમ્બર, ર૦રર ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘લેબર લો’વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સવાણી ઇન્સ્ટીટયુટ ઓફ લેબર લોઝના ફાઉન્ડર એડવોકેટ સોહેલ સવાણીએ નવા મજુર કોડ લાગુ થાય તે પહેલાં હયાત મજુર કાયદાઓ જેવા કે પીએફ, ઇએસઆઇ, પીટી, કોન્ટ્રાકટ લેબર, બોનસ, ગ્રેજ્યુઇટી વિગેરેમાં છેલ્લાં એક વર્ષમાં થયેલા ફેરફારો અને કોર્ટના આદેશો સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જે. મહેતા એન્ડ કંપનીના પાર્ટનર એડવોકેટ આનંદ મહેતાએ નવા લેબર કોડ અંતર્ગત વિવિધ જોગવાઇઓ અને કાયદાની ગૂંચવણો વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

એડવોકેટ સોહેલ સવાણીએ જણાવ્યુ હતું કે, ગત મહિને સુપ્રિમ કોર્ટ દ્વારા હાયર પેન્શન યોજનાનો વિકલ્પ રૂપિયા ૧પ હજારથી વધુ પગારદાર કર્મચારીઓ માટે ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યો છે, પરંતુ આ વિકલ્પ હવે પછી સુપ્રિમ કોર્ટ દ્વારા ઇપીએફ વિભાગની રિવ્યુ પિટિશનને ધ્યાને લઇ નકકી કરવામાં આવશે. જેથી કર્મચારીઓએ આ સંદર્ભે હજી રાહ જોવી પડશે. વધુમાં આવતા વર્ષથી ભારત સરકારના લક્ષ્યાંક પ્રમાણે પાન કાર્ડથી દરેક સંસ્થાઓને લેબર તથા અન્ય તમામ કાયદાઓથી સાંકળી લેવામાં આવશે. જેથી વધુને વધુ સંસ્થાઓ અને કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળી શકે.

ભારત સરકારે ઇ–શ્રમ કાર્ડ થકી આજદિન સુધીમાં ર૮ કરોડ અસંગઠિત કર્મચારીઓને જોડયા છે અને તેઓને આગામી દિવસોમાં પીએફના યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવશે. આવી રીતે ભવિષ્યમાં ૪૦ કરોડ ભારતીયોને તેઓની સામાજિક સુરક્ષા માટે આવરી લેવાનો ભારત સરકારનો લક્ષ્યાંક છે અને તેના માટેની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.

એડવોકેટ આનંદ મહેતાએ લેબર કોડ અંતર્ગત વિવિધ વ્યાખ્યાઓ રજૂ કરી માલિક અને કર્મચારીઓના ખિસ્સા ઉપર વધતા ભારણો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ભારતના મોટા ભાગના રાજ્યોમાં લેબર લો અંગેના નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને બાકી રહેલા રાજ્યો જ્યારે આ નિયમોને ફાઇનલ કરી પોતાના રાજ્યોમાં નિયમો બહાર પાડશે ત્યારબાદ ચારેય લેબર કોડની અમલવારી શકય થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને પગારની વ્યાખ્યાને લઇ ભારતના વિવિધ માલિકોના એસોસીએશનો દ્વારા જરૂરી સુધારો કરવા રજૂઆતો કરવામાં આવી હતી અને તેને ધ્યાને લઇ સરકાર દ્વારા કુલ પગારના પ૦ ટકાવાળા સંશોધનને ત્રણ વર્ષમાં ધીમે ધીમે તબકકાવાર અમલી કરવામાં આવશે.

આ સેશન દરમ્યાન શ્રોતાઓના ઉત્સાહને ધ્યાને લઇને ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ લેબર લો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફરી વખત ટ્રેઇનીંગ કલાસિસ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરની લેબર લો કમિટીના કો–ચેરમેન નાવેદ શેખે બંને વકતાઓનો પરિચય આપ્યો હતો. સેશનના અંતે વકતાઓએ શ્રોતાઓના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button