બિઝનેસસુરત

ટેક્ષ્ટાઇલ પર્વના ત્રીજા દિવસે ટેક્ષ્ટાઇલ અગ્રણીઓએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું

ટેકનોલોજીથી માત્ર કાર્ય તેમજ ઉત્પાદન ઝડપી થઈ શકે છે પણ ક્રિએટીવિટી થકી બિઝનેસને નવી ઊંચાઈ સુધી લઇ જઇ શકાય છે : સંજય ગંગવાની

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા  સુરત ખાતે ટેક્ષ્ટાઇલ પર્વના ત્રીજા દિવસે ટેક્ષ્ટાઇલ અગ્રણી ગંગા ફેશન્સ પ્રા.લિ.ના ડાયરેકટર સંજય ગંગવાની, નિમ્બાર્ક ફેશન્સ લિમિટેડના એકઝીકયુટીવ ડિરેકટર મહેશ મહેશ્વરી અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેમજ પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડના પ્રમુખ આશીષ ગુજરાતીએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સુરત એ ભારતમાં સૌથી મોટું ટેક્ષ્ટાઇલ હબ છે અને સુરતમાં બનતાં કાપડમાંથી ૯૦ ટકા કાપડ એમએમએફનું હોય છે. હાલમાં સમગ્ર ભારતમાં વાર્ષિક ૭૬ર૯ કરોડ સ્કવેર મીટર કાપડ બને છે. જેમાંથી વાર્ષિક ૧૮૦૦ કરોડ સ્કવેર મીટર કાપડ સુરત બનાવે છે, જે સુરતીઓ માટે ગર્વની વાત છે. સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ટૂંક સમયમાં જ સુરતમાં પીએમ મિત્રાનો પ્રારંભ થવાનો છે ત્યારે પીએમ મિત્રા પાર્ક થકી આપણે સ્થાયી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવીશું અને વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવીશું.

ભારતમાં ગત એક દશકમાં વસ્તી વૃદ્ધિની સાથે કાપડના કન્ઝપ્શનમાં પણ વધારો થયો છે. ભારત સરકારના ઈકોનોમિક સર્વેના ડેટા મુજબ, ભારતમાં હાલ ૪૮.૧ સ્કવેર મીટર માથાદીઠ કુલ કાપડનું કન્ઝપ્શન છે. જેમાં કોટનનો હિસ્સો રપ.૮ સ્કવેર મીટર તથા એમએમએફ ફાઇબરમાંથી બનતા કાપડનો હિસ્સો રર.૩ સ્કવેર મીટર છે. વર્ષ ર૦૧ર–૧૩માં ભારતની વસ્તી આશરે ૧રર કરોડ હતી, ત્યારે ભારતમાં માથાદીઠ ૩૮. સ્કવેર મીટર કાપડનું કન્ઝપ્શન હતું. જેમાં ૧૪૪ કરોડની વસ્તીએ આશરે ૧૦ ટકાનો વધારો થઈને હાલ ૪૮.૧ સ્કવેર મીટર કાપડનું કન્ઝપ્શન થયું છે. તે જોતાં ભારત વિકસિત દેશ બનવાની દિશામાં હરણફાળ રીતે આગળ વધી રહયો છે, ત્યારે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રની સાઈઝમાં બેથી ત્રણ ગણા વધારો થવાની સંભાવના છે.

સંજય ગંગવાનીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ મજબૂત બનવાની જરૂર છે. ટેકનોલોજી તો ખરીદી શકાય છે પણ ક્રિએટીવિટી પોતાનામાં લાવવી પડશે. ટેકનોલોજીથી માત્ર કાર્ય તેમજ ઉત્પાદન ઝડપી થઈ શકે છે પણ ક્રિએટીવિટી થકી બિઝનેસને નવી ઊંચાઈ સુધી લઇ જઇ શકાય છે. દેશમાં કાપડની રહેલી માંગને પૂર્ણ કરવા માટે ઉદ્યોગકારોને ઘણી તકો છે. માત્ર એમએમએફ કાપડ જ નહીં નવું કાપડ બનાવવાની જરૂર છે. ગ્રાહકની માંગ મુજબ કાપડ બનાવીશું તો વહેલી તકે સફળતા મળશે. પ્રોડકટમાં ગુણવત્તા જ બિઝનેસ માટે મહત્વનું હોય છે.

મહેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કાપડમાં સ્પન યાર્નનો ઉપયોગ વધ્યો છે. હાલમાં સુરતમાં ર૦થી રપ ટકા સ્પન યાર્ન, કોટન, નેચરલ ફેબ્રિક યાર્નનો ઉપયોગ વર્ષ ર૦ર૭ સુધીમાં ૪૦ ટકા થઈ જશે. માર્કેટનો ટ્રેન્ડ હવે દેખાવ કરતા ગુડ ફીલિંગની સુવિધા તરફ વધુ જઈ રહયો છે. લોકો ફેબ્રિકમાં પણ બોડી કેર પ્રત્યે વધુ ધ્યાન આપી રહયા છે. જેના લીધે નેચરલ ફેબ્રિકસનું ચલણ વધતું જાય છે. વિસ્કોસ, મોડાલ, ટેનસિલ, બેનબર્ક આ પ્રકારના યાર્નની માંગ છે.

તેમણે જણાવ્યું હતું કે, ઈચ્છલકરંજીના કોટનની માંગ સતત વધી રહી છે. તમે ગ્રાહકને શું આપી રહયા છે અને શું આપવું જોઈએ તે અંગે વિચારવાની જરૂર છે. હાલમાં ગ્રાહકોના વિચારોમાં બદલાવ આવી રહયા છે ત્યારે આપણે ઉત્પાદનમાં પણ ફેરફાર લાવવો પડશે. સુરતનું માર્કેટ ફેશન પર આધારિત છે. લોકો સારા કપડા માટે વધુ પૈસા ખર્ચ કરવા તૈયાર થઈ રહયા છે ત્યારે ઉદ્યોગકારોએ સારું અને નવું કાપડ બનાવવું જોઈએ.

આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલનું ડોમેસ્ટિક અને એક્ષ્પોર્ટનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૯ લાખ કરોડ છે અને તેમાં માત્ર સુરતનું જ રૂપિયા ૮૦ હજાર કરોડ છે. આગામી પાંચ વર્ષમાં સરકારે અંદાજો લગાવ્યો છે કે, રૂપિયા ૯ લાખ કરોડનું ટર્નઓવર રૂપિયા ૧૮ લાખ કરોડમાં ફેરવાઈ શકે છે ત્યારે સુરતનું ટર્નઓવર રૂપિયા ૧ લાખ રપ હજાર કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. સુરતમાં ગારમેન્ટ બનાવવાના પ્રયાસો થકી ટૂંક સમયમાં જ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો આ લક્ષ્યાંક પૂર્ણ કરી શકશે. હાલમાં પોલિએસ્ટર યાર્નના કોર્સમાં હોમ ટેક્ષ્ટાઇલ અને હાઈ એન્ડ ટાફેટા ફેબ્રિક કોર્સની ડિમાન્ડ વધુ છે. સુરતીઓ ટેકનિકલ વસ્તુઓને વહેલી તકે સ્વીકારી લે છે.

ચેમ્બર ઓફ કોમર્સના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જીએફઆરઆરસીના સભ્ય પરિમલ વખારિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલા તથા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. ત્રણેય વકતાઓએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button