ગુજરાતના ઉદ્યોગ મંત્રીનો જેમ પોર્ટલ ઉપર એમએસએમઇ ઉદ્યમીઓના રજિસ્ટ્રેશન માટે રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને પ્રયાસ કરવા અનુરોધ
સુરત. ગુજરાત રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સાથે ગુજરાતના રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની બુધવાર, તા. ૬ જુલાઇ, ર૦રર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે વર્ચ્યુઅલ મિટીંગ યોજાઇ હતી. જેમાં ઉદ્યોગ મંત્રીની સાથે અધિકારીગણમાં એમએસએમઇ કમિશનર તેમજ જીઆઇડીસીના વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર એમ. થેન્નારાસન, ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા, સંયુકત ઉદ્યોગ કમિશનર જી. આઇ. દેસાઇ અને ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટના એડીશનલ ચીફ સેક્રેટરી રાજ કુમાર ઉપસ્થિત રહયા હતા.
ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા જેમ પોર્ટલ ઉપર હાલ ૪૬.૭૪ લાખ જેટલા એમએસએમઇ ઉદ્યમીઓ નોંધાયેલા છે અને આ સંખ્યા એક કરોડ સુધી લઇ જવાની છે. એના માટે વધુમાં વધુ એમએસએમઇ ઉદ્યમીઓ જેમ પોર્ટલ ઉપર જોડાય તે માટે રાજ્યની દરેક ચેમ્બર ઓફ કોમર્સને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો સાથે મળીને અવેરનેસ કાર્યક્રમો કરવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેમ સુરતમાં ટેકસટાઇલ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તથા મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે તેમ રાજ્યમાં વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરવાનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સાથે જ સ્ટાર્ટ–અપ માટે એન્જલ ઇન્વેસ્ટ તરીકે પ્રયાસ કરવા અને ઉદ્યોગોના નીતિ વિષયક પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ કાર્યક્રમ કરવાનું સૂચન કર્યું હતું. જેથી કરીને સ્થળ પર જ ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. તેમણે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ બધા એસોસીએશનોને એકત્રિત કરવાનું પણ સૂચન કર્યું હતું.
સંયુકત ઉદ્યોગ કમિશનર જી. આઇ. દેસાઇએ જણાવ્યું હતું કે જેમ પોર્ટલ ઉપર ૬૧,૦ર૧ બાયર ઓર્ગેનાઇઝેશન્સ, ૧૦,૦૩૪ પ્રોડકટ કેટેગરીઝ, ર૮૮ સર્વિસ કેટેગરીઝ, ૪ર,પ૯,૮૯૯ પ્રોડકટ અને ૭,૮૮,૧ર૬ એમએસઇ સેલર્સ એન્ડ સર્વિસ પ્રોવાઇડર્સ નોંધાયેલા છે. જેમ પોર્ટલ ઉપર કુલ ઓર્ડરોમાંથી પપ.રપ ટકા ઓર્ડર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝને મળ્યો છે તથા અત્યાર સુધી રૂપિયા ર,૮૩,૩૦પ કરોડનું ટ્રાન્ઝેકશન થયું છે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉદ્યોગ મંત્રીને જણાવ્યું હતું કે, જેમ પોર્ટલ ઉપર એમએસએમઇ ઉદ્યમીઓનું રજિસ્ટ્રેશન કરવાના હેતુથી ચેમ્બરમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં બેથી અઢી લાખ એમએસએમઇ ઉદ્યમીઓ છે અને સરકારી વિભાગ તરફથી તે અંગેનો ડેટા તથા જેમ પોર્ટલની પીપીટી મળશે તો એમએસએમઇ ઉદ્યમીઓને જેમ પોર્ટલ વિશે જાગૃત કરવા હેતુ ચેમ્બર દ્વારા અવેરનેસ કાર્યક્રમો કરી શકાશે.
વધુમાં તેમણે ચેમ્બર દ્વારા આગામી દિવસોમાં યોજાનારા એકઝીબીશનોમાં જેમ પોર્ટલની અવેરનેસ માટે કોમ્પ્લીમેન્ટરી એક સ્ટોલ ફાળવી એમએસએમઇ ઉદ્યમીઓના રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું. સાથે જ ઉદ્યોગ મંત્રીને જેમ પોર્ટલ અંગેના અવેરનેસ કાર્યક્રમની શરૂઆત સુરતથી ચેમ્બર દ્વારા આગામી તા. ૧૬ જુલાઇ, ર૦રર ના રોજ આયોજિત ચેમ્બરના વરાયેલા પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાના પદગ્રહણવિધિ કાર્યક્રમની સાથે કરવા માટે અનુરોધ કર્યો હતો.
તદુપરાંત તા. ર૩ થી રપ જુલાઇ, ર૦રર દરમ્યાન યોજાનારા ‘વિવનીટ એકઝીબીશન’માં ઉદ્યોગ મંત્રીને મુખ્ય મહેમાન તથા ઉદ્ઘાટક તરીકે પધારવા માટે તથા પ્રદર્શનના ઉદ્ઘાટનના દિવસે પણ જેમ પોર્ટલ ઉપર એમએસએમઇ ઉદ્યમીઓના રજિસ્ટ્રેશન હેતુ અવેરનેસ કાર્યક્રમ રાખવા માટે વિનંતી કરી હતી.
ઉપરોકત મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને માનદ્ ખજાનચી પરેશ લાઠીયા ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારી, ગાંધીધામ, વડોદરા, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, રાજકોટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો હાજર રહયા હતા અને તેઓએ પણ ઉદ્યોગ મંત્રી તથા અધિકારીઓ સમક્ષ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.