સુરતહેલ્થ

૨૧ જૂન- ‘વિશ્વ યોગ દિવસ’: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો પર્યાય એટલે ‘યોગ’

હવામાં ઝૂલીને કરવામાં આવતા એરિયલ યોગ અને મેડિટેશન બન્યા લોકપ્રિય

સુરત : ભારતીય સંસ્કૃતિની વિશ્વને અણમોલ ભેટ એવી યોગવિદ્યાના સન્માનમાં સમગ્ર વિશ્વમાં તા.૨૧ જૂનને-વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીનથી અર્વાચીન કાળમાં વિશ્વને સ્વાસ્થ્યના સામર્થ્યનો પરચો કરાવનાર યોગાસનોમાં સમયાંતરે નવા નવા પ્રકારો જોડાતા ગયા અને વધુને વધુ લોકો યોગ સાથે સંકળાતા ગયા. નિયમિત ફિટનેસ રૂટિનથી કઈંક અલગ અને નવુ કરવાની ઈચ્છાને કારણે ‘મેટ યોગા’ સિવાય યોગના નવીન પ્રકારો લોકપ્રિય બની રહ્યા છે, ત્યારે ફિટનેસ પ્રેમી સુરતીઓમાં આજકાલ ‘એરિયલ’ અને ‘ગરબા યોગ’ જેવા આધુનિક યોગ ફોર્મ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વર્ષ ૨૦૦૬માં વિદેશમાં શોધાયેલા એન્ટિ-ગ્રેવિટી યોગ અથવા એરિયલ યોગ પરંપરાગત યોગાસન કરતા અલગ અને રૂચિપ્રદ છે. તેમાં એક નિશ્ચિત ઉંચાઈ પર લઈ જઈ અલગ-અલગ મુદ્રાઓ સાથે યોગ કરાવવામાં આવે છે. જેનાથી સમગ્ર શરીરનું સ્ટ્રેચિંગ થાય છે. હવામાં ઝૂલવા માટે વપરાતા સાધનને ‘એરિયલ હેમોક’ કહેવાય છે. જે સિલ્કના નાઈલોન ટ્રાઈકોટ કપડમાંથી તૈયાર થાય છે. તેના પર લટકીને આસન અને મેડિટેશન કરવામાં આવે છે.

૧૦થી વધારે વર્ષોનો અનુભવ ધરાવતા સર્ટિફાઈડ યોગ ટ્રેનર દિશાબેન ઝવેરી એરિયલ યોગથી સુરતવાસીઓને સ્વસ્થ રાખવા પ્રયત્નશીલ છે. તેઓ વિસ્તારથી માહિતી આપતા જણાવે છે કે, સુરતવાસીઓ હર હંમેશ કઈંક નવું કરવા ઉત્સાહિત રહે છે. એટલે મેં મારા ક્લાસીસમાં એરિયલ યોગયોગ શરૂ કરવા વિચાર્યું અને તે માટે મુંબઈમાં રહેતા યુરોપિયન ટ્રેનર પાસે સંપૂર્ણ તાલીમ મેળવી, ત્યારબાદ મેં મારા સેન્ટર પર એરિયલ યોગના ક્લાસ પણ શરૂ કર્યા જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

૭ થી ૫૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ યોગ શીખવા આવે છે એમ જણાવતા દિશાબેને ઉમેર્યું કે,દરેક ઉંમરના અને યોગમાં સાવ નવા લોકો કોઈ પણ મર્યાદા વગર આ યોગ શીખી શકે છે. તેમણે જણાવ્યું કે એરિયલ યોગમાં અગણિત નવા પોઝિસ આવે છે. તેમજ હેમોકમાં મેડિટેશન પણ કરી શકાય છે. ઇંચ લોસ સરળતાથી અને ઝડપથી થતું હોવાથી તેમજ સારી ફ્લેક્સિબિલિટીને કારણે અને કમરના દુખાવમાંથી મળતી રાહતને કારણે હેલ્થ કોન્શ્યસ મહિલાઓ આ યોગ તરફ આકર્ષાઈ છે. અને તેના ચાર્જિસ દર એક સેશન પ્રમાણે આશરે રૂ.૫૦૦થી શરૂ થાય છે.

ફન સાથે વર્કઆઉટની આ પ્રેક્ટિસ ફ્લેક્સિબિલિટી વધારવા, શરીરમાં સૌથી ઝડપી ઇંચ લોસ કરવા તેમજ લાંબા સમયના કમરના દુ:ખાવાથી રાહત મેળવવા સૌથી ફાયદાકારક છે. આ સિવાય એરિયલ યોગથી નર્વસ સિસ્ટમ શાંત થાય, બ્લડ-સર્ક્યુલેશન સુધરે, હૉમોર્નલ સંતુલન આવે જેને કારણે ઈમ્યુનિટીમાં પણ વધારો થાય છે. જ્યારે હવામાં અમુક ઊંચાઈએ થતા આ યોગને વર્ટિગો, ડિહાઈડ્રેશન કે બેલેન્સિન્ગની તકલીફ ધરાવતા, ડોક્ટરે ના ફરમાવી હોય તેવા લોકોએ કે નિષ્ણાંતની મદદ વિના ગર્ભવતી મહિલાઓએ કરવાનુ ટાળવુ જોઈએ.

એરિયલ યોગની સાથે ‘યોગ ગરબા’ પણ શહેરીજનોમાં ખૂબ પ્રચલિત બન્યા છે. યોગની સાથે ગરબાનું સંયોજન કરી શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જાળવતો યોગનો નવીન પ્રયાસ એટલે ‘યોગ ગરબા’. ૨૪ વર્ષોથી ગરબા સાથે સંકળાયેલા સુરતના શ્રી અનિષ રંગરેજે લગભગ ૧૦ વર્ષના સંશોધન પછી ગરબાના આ યુનિક ફોર્મની શરૂઆત કરી, અને ૨૦૧૯માં સુરતમાં ઈન્ડિયન એકેડમી ઓફ ગરબા અને દોઢિયા(IAGD)ની સ્થાપના કરી હતી. જેમાં સરકારના ઈન્ટરનેશનલ યોગા ઓર્ગેનાઈઝેશન સંલગ્ન ૩૦ કલાકનો સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે.

ભારતીય બે પ્રાચીન સંસ્કૃતિઓ જેવી યોગ અને ગરબાને વૈજ્ઞાનિક અભિગમથી સાંકળી વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવા નવી શોધ સમાન ‘યોગગરબા’ વિષે જણાવતા અનિષભાઈએ કહ્યુ કે, ગરબામાં સંગીત સાથે હાથ તાળીઓ અને પગનું તાલબદ્ધ હલનચલન થાય છે. જેના કારણે હથેળી અને પગ વાટે ચોક્કસ એક્યુપ્રેશર પોઈન્ટ મળવાથી શારીરિક લાભો મળે છે. આ તાલબદ્ધ ક્રિયામાં યોગમાંથી આસન, પ્રાણાયામ અને ધ્યાન સાથે જોડી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સુખાકારી પ્રાપ્ત થાય તેને ‘યોગગરબા’ કહેવાય છે.

વધુમાં તેમણે કહ્યું કે, સતત સંગીતમય વાતાવરણને કારણે મગજમાં હેપ્પી હોર્મોન્સ પેદા થાય છે જે કોઈ પણ વ્યક્તિને માનસિક શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે. જે કારણે યોગગરબામાં લોકો ઉત્સાહભેર જોડાઈ સુખ અને શાંતિનો અનુભવ કરે છે.

અનિષભાઈએ યોગ ગરબાના માધ્યમથી વિવિધ હોસ્પિટલો અને મેડિકલ સંસ્થાઓમાં સેવા આપી કોરોનાકાળ દરમિયાન દર્દીઓને તાણમુક્ત અને સ્વસ્થ કર્યા હતા. ઉપરાંત તેમણે  બી.એસ.એફ જવાનોને ભુજ ખાતે યોગ ગરબાનો લાભ આપ્યો હતો. તો વૃધ્ધાશ્રમ, કોલેજ, સ્કુલ, યુનિવર્સિટી અને વિવિધ સરકારી પ્રોગ્રામોમાં પણ યોગ ગરબા દ્વારા લોકોને યોગ સાથે સાંકળવાની વિશેષ પહેલ કરી હતી.

આરોગ્ય માટે લોકોની વધતી જતી જાગૃતતાને પરિણામે પ્રાચીન યૉગાસનોમાં આવતા નીતનવા પ્રકારોમાં ડાન્સ યોગ, એક્રો યોગ, એક્વા યોગ અને લાફ્ટર યોગ જેવા અન્ય યોગનો સમાવેશ પણ થાય છે. જે થકી મહત્તમ લોકો પોતાની મનપસંદ પધ્ધતિ વડે સ્વજાગૃત થઈ અન્યોને પણ સુખી સ્વાસ્થ્ય માટે પ્રેરણા આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button