સુરતઃબુધવારઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ અને ઈન્ક્યુબેશન એન્ડ ઈનોવેશન સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ(IICE) નું ઉદ્દઘાટન કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં કૃષિ, વિજ્ઞાન, ટેક્નોલોજીને લગતી સમસ્યાઓનું સમાધાન ભગવાન મહાવીર જેવી વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કરતા યુવાધન આપશે. દેશમાં કાનૂની શાસન, સમાનતા અને ન્યાયનો અધિકાર જાળવવામાં કાયદાના વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા બિરલાએ દેશની યુવાશક્તિ જ રાષ્ટ્રનું પ્રાણતત્વ હોવાનું જણાવી દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં નવયુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષની યાત્રા દરમિયાન દેશમાં સાક્ષરતામાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથોસાથ વૈજ્ઞાનિક ઢબે ખેતીથી ગ્રામીણ ક્ષેત્રે આર્થિક વિકાસ થયો છે. ભારતની યુવાશક્તિ દુનિયાના દેશોને નવા વિચારો અને પ્રેરણા આપવા સક્ષમ છે.
બિરલાએ જણાવ્યું કે, ખેતીક્ષેત્રના સર્વાંગી વિકાસ યુવાનોની સહભાગિતા જરૂરી છે. ગ્રામીણ ક્ષેત્રમાં જઈને ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી અપનાવવાની પ્રેરણા આપવા અને તેના થકી ખેત ઉત્પાદન વધારીને આર્થિક અને મજબુત ભારતના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. દેશને વિશ્વમાં અગ્રેસર બનાવવા ગતિશીલ રાજનીતિનો ભાગ બની યુવાનોએ સક્રિય રાજનીતિમાં આવે તે પણ સમયની માંગ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સુપ્રિમકોર્ટના સિનિયર એડવોકેટ પરવેશ ખન્ના, મહાવીર યુનિવર્સિટીના સ્થાપક અને મેને.ટ્રસ્ટી અનિલ જૈન, મેનેજિંગ ડિરેક્ટર પ્રાચી જૈન, પ્રમુખ ડો.સંજય જૈન, પ્રોવોટ્સ ડો.નિર્મલ શર્મા, ટ્રસ્ટીઓ, વિવિધ શાખાના વડાઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.