ગુજરાતસુરત

સુરતના સરસાણા ખાતે બે દિવસીય મિલેટ્સ ફેર અને પ્રદર્શનનો પ્રારંભ

રંગલા-રંગલીના અભિનય સાથેની મિલેટસ જાગૃત્તિની નાટિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણના કેન્દ્ર બન્યા

સુરત: ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા(એસોચેમ)ના સહયોગથી સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે તા.૬ અને ૭ જૂન સુધી આયોજિત મિલેટ્સ ફેર અને પ્રદર્શનને જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી એન.પી.સાવલિયાના હસ્તે ખૂલ્લું મૂકાયું હતું. લોકોના આરોગ્ય માટે શ્રેષ્ઠ એવા પૌષ્ટિક મિલેટ્સને પ્રોત્સાહન આપવા અને સાથે જાડા ધાન્ય અને તેના મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન સાથે તેના ગુણધર્મો વિશે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ મેળો યોજાઈ રહ્યો છે.

પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એન. પી. સાવલિયાએ જણાવ્યું કે,  સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો)એ ૨૦૨૩ના વર્ષને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું  છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મિલેટસને ‘શ્રી અન્ન’ નામ આપી બિરદાવ્યું છે. મિલેટ્સ એટલે મુખ્ય જાડાધાન જેમાં જુવાર,બાજરી, નાગલી (રાગી) અને કોદરા જેવા ધાન્યનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક વિસ્તાર ન હોય અને ખેતી સાથે સંકળાયેલા કૃષિપ્રધાન વિસ્તારોમાં મિલેટ્સનું ઉત્પાદન થાય છે. મિલેટ્સ પ્રત્યે જાગૃત્તિ વધતા મિલેટ્સ પકવતા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થઈ રહ્યો છે. સરકારની સબસિડીયુક્ત યોજનાઓનો લાભ લઈને ખેડૂતો બમણું ઉત્પાદન કરીને વધુ આવક મેળવી પગભર થઈ રહ્યા છે.

 વધુમાં શ્રી સાવલિયાએ જણાવ્યું કે, કુપોષિત બાળકોને મિલેટ્સથી ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ પ્રાપ્ત થાય છે, બાળકોના સુપોષણ અને વૃદ્ધિ માટે લાભકારક નીવડતા મિલેટસ મોટેરાઓ માટે પણ અતિ ગુણકારી છે.

આસિ.સેક્રેટરી જનરલ (એસોચેમ) ડી.એસ.રજોરા, નવસારી કૃષિ યુનિ.ના એસોસિયેટ ડાયરેક્ટર લલિત મહાત્મા, આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના ધન્નાલાલ જાટ અને જિલ્લા ખેતીવાડી અધિકારી સતિશ ગામીત દ્વારા મિલેટ્સ વિષે જ્ઞાનવર્ધક જાણકારી આપી હતી. ગુજરાતની સમૃદ્ધ નાટ્ય સંસ્કૃતિને દર્શાવતા રંગલા-રંગલીના અભિનય સાથેની મિલેટસ જાગૃત્તિની નાટિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણના કેન્દ્ર બન્યા હતા.

આ ઉપરાંત, અન્ય તજજ્ઞ વક્તાઓએ મિલેટ્સના આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામ્ય જીવન પર થતાં ફાયદાઓ વિષે આંગણવાડી બહેનો અને ખેડૂતોને સમજ આપી હતી. જેમાં ટેકનિકલ શાખાના રિતિકા ખટ્ટર, નર્મદ યુનિ.ના પ્રો.ડૉ.વિપુલ જે. સોમાણી, રિદ્ધિસિદ્ધિ ગ્રૂપના પ્રમુખ કલ્પનાબેન, ડાંગી આદિવાસી મહિલા ખેડૂત પ્રોડ્યુસર, હસમુખભાઈ પટેલ, ટેકનિકલ ઑફિસર (FSSAI-અમદાવાદ) મોહમ્મદ સલમાન અને ડાયેઈટિશિયન અને ન્યૂટ્રિશિયન નીલમ ધનગરે તલસ્પર્શી જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં નાયબ નિયામકશ્રી(પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા) એન.જી.ગામીત, ગુજરાત એસોચેમના હેડ વિપુલ ગજિંગવર, એસોચેમના અધિકારીઓ, આંગણવાડી બહેનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button