સુરત

કઠોદરા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને સુરત મનપાના ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્રભાઇ પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

સુરત: સુરત મહાનગર પાલિકા વિસ્તારના નવા પૂર્વ ઝોન સરથાણાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાંક ૩૮૫ના રૂ.૫.૬૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનનું શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત ૫૦ હજાર સ્માર્ટ બોર્ડ સાથેના ક્લાસરૂમમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળી રહ્યું છે. આ શાળામાં ૫ સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યા છે. કામરેજ તાલુકામાં પીએમ આવાસ યોજના અંતર્ગત ૧૬૦૦થી આવાસ બની રહ્યા છે એમ જણાવી રાજય સરકારે નાનામાં નાના વ્યક્તિને કેન્દ્રમાં રાખી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. બાળકોને નાનપણથી જ્ઞાતિવાદથી દૂર રાખવા અને હંમેશા બાળકોને સત્યના સહારે ચાલવા માટે શિક્ષણ આપવા વાલીઓને જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણનીતિના કારણે આવનારા સમયમાં ગુજરાત શિક્ષણક્ષેત્રે અગ્રેસર બનશે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૨ લાખ બાળકોએ પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલોમાં એડમિશન લીધા છે. કામરેજમાં આવનાર સમયમાં ૩૦૦ બેડની સુવિધા સાથે હોસ્પિટલ તથા સાયન્સ કોલેજ પણ બનાવવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, શાળાનું નવું મકાન સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે ત્યારે આ સંકુલમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તારે નામના મેળવે તેવી કામના વ્યકત કરી હતી. પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા યુક્ત મળ્યા બાદ બાળક જીવનમાં ક્યારેય પાછળ રહેશે નહિ તેમ જણાવીને ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જૂની શાળાને તોડીને નિર્મિત થયેલી નવી શાળા ગ્રાઉન્ડ ફ્લોર સાથેના ત્રણ માળના નવા મકાનમાં કુલ ૨૧ ઓરડા બનાવવામાં આવ્યા છે. બાલવાટિકા સાથે ધો.૧ થી ૮ના ૮૪૦ જેટલા બાળકો અભ્યાસ કરી શકે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મિડ ડે મિલ હોલ, મલ્ટી પર્પઝ હોલ, પ્રિન્સિપાલ રૂમ, સ્ટોર રૂમ, સ્ટાફ રૂમ, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને જેવી સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મનપા ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા, દંડક ધર્મેશ વાણિયાવાલા, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, પૂર્વ ડે.મેયર દિનેશ જોધાણી, વિસ્તારના કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ, મનપાના કર્મચારી, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button