સુરત

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન ઉપર PM-MITRA પાર્ક સ્થાપવાની જાહેરાત

પીએમ–મિત્રા પાર્કને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા રપ૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની સંભાવના : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી

સુરત. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે વર્ષ ર૦રર–ર૩ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન ઉપર પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્ક સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવામાં આવી છે અને તેની જાહેરાત પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશના અન્ય શહેરો કે રાજ્યો કરતા વધારે થયું હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના સાત જેટલા પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્કમાંથી એક પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી.

ખાસ કરીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત બાદ સી.આર. પાટીલે આ દિશામાં ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે દક્ષિણ ગુજરાતમાં પીએમ–મિત્રા પાર્ક માટે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત સ્થળની પસંદગી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીએમ–મિત્રા પાર્ક માટે નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન યોગ્ય હોઇ તે અંગે ગુજરાત સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ઉપર અંતે ગુજરાત સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં પીએમ–મિત્રા પાર્ક માટે નવસારી પાસે વાસી–બોરડી ખાતેની જમીનની પસંદગી કરી તેની જાહેરાત આજે રજૂ કરાયેલા અંદાજપત્રમાં કરવામાં આવી છે.

પીએમ–મિત્રા પાર્કને પગલે ભવિષ્યમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા રપ૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની સંભાવના છે. એના માટે ચેમ્બર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માનો આભાર માનવામાં આવે છે.

ચેમ્બર દ્વારા ઘણા લાંબા સમયથી કારીગરોના પગારમાંથી કપાતા પ્રોફેશનલ ટેકસને હટાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧ર હજાર કે તેથી ઓછો પગાર ધરાવનાર નોકરીયાત વર્ગને પ્રોફેશનલ ટેકસમાંથી છુટકારો આપવામાં આવ્યો છે. જેથી નોકરિયાત વર્ગને રાહત થઇ છે.

રાજ્ય સરકારે અંદાજપત્રમાં ટેકસટાઇલ ક્ષેત્રે આસિસ્ટન્ટ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફીક સેકટર્સ ઓફ ટેકસટાઇલ વેલ્યુ ચેઇન– ર૦૧૯ સ્કીમમાં આ વર્ષ માટે રૂપિયા ૧૪પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની એમએસએમઇ ઇન્સેન્ટીવ સ્કીમમાં રૂપિયા ૧૩૬૦ કરોડની ફાળવણી કરાઇ છે. સૌથી વધુ ટેકસટાઇલ એકમો દક્ષિણ ગુજરાતમાં છે. તદુપરાંત ગુજરાતની કુલ એમએસએમઇમાંથી ૪૮ ટકા જેટલા એમએસએમઇ એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા છે. આથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને આ બજેટથી સૌથી વધુ લાભ થવાની શકયતા છે.

રાજ્યમાં પાંચ સી–ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઝીંગાના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ઝીંગા ઉછેરતા ઉદ્યોગકારોને સી–ફૂડ પાર્ક માટેની સ્કીમનો લાભ થશે.

રાજ્ય સરકાર દ્વારા આજના અંદાજપત્રમાં સ્ટાર્ટ–અપ માટે રૂપિયા ર૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી રાજ્યમાં ઇનોવેશનની પ્રવૃત્તિને વેગ મળશે.

દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ ખાતે નવસારી અને સુરતને જોડતા બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે રૂપિયા ૩૦૦ કરોડ ફાળવવાની જોગવાઇ કરી છે. જેથી હવે સુરત અને નવસારી ટ્‌વીન સિટી બનવાની ગતિવિધીઓ તેજ બનશે. વધુમાં ભરૂચ ખાતે નેશનલ હાઇવે ઉપર ભરૂચ બાયપાસ રોડ બનાવવા માટે રૂપિયા ૩૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી ભરૂચ પાસે કલાકો ટ્રાફિક જામમાં અટવાઇ જવાની ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિવારણ આવી જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button