બિઝનેસમાં વેલ્યુ એડ કરશો એટલે ગ્રેટ બિઝનેસમેન બની જશો, પરતું માત્ર રૂપિયા માટે નહિ પણ જગતને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે બિઝનેસ કરવો જોઈએ : નિષ્ણાત
ચેમ્બર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયમાં લાંબા ગાળાનું પ્લાનિંગ, મુખ્ય મૂલ્યો અને નેતૃત્વ મૂલ્યાંકન વિષે માર્ગદર્શન અપાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૧૧ ઓકટોબર, ર૦રર ના રોજ સાંજે પ:૦૦ કલાકે ‘What and Why of Business’ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિષ્ણાત વકતા તરીકે ચેતન પટેલ વર્લ્ડના ફાઉન્ડર ચેતન પટેલ દ્વારા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયમાં લાંબા ગાળાનું પ્લાનિંગ, બિઝનેસના મુખ્ય મૂલ્યો અને નેતૃત્વ મૂલ્યાંકન વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેતન પટેલે જણાવ્યું હતું કે, બિઝનેસમાં વેલ્યુ એડ કરશો એટલે ગ્રેટ બિઝનેસમેન બની જશો. જીવનમાં મનીગેમ હોય તો જ બિઝનેસ કરી શકો છો. એના માટે સ્ટ્રક્ચર, માઈન્ડ સેટ અને કામ કરવાની રીત બદલવી પડશે. તમારા બિઝનેસથી આજુબાજુમાં હેપ્પીનેસ થવી જોઈએ.
બિઝનેસથી પર્સનલ ટ્રાન્સફોર્મેશન, પ્રોફેશનલ ટ્રાન્સફોર્મેશન અને સોશિયલ ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ. બિઝનેસમાં પદ્ધતિસર ગ્રો થવો જોઈએ. આપણી પ્રોડક્ટથી ગ્રાહક તથા સમાજ ટ્રાન્સફોર્મ થવા જોઈએ.
બિઝનેસમાં લીડરશિપ લેવી હોય તો હાર્ડવર્ક કરવું જ પડશે. બિઝનેસ કરશો એટલે રૂપિયા આવવાના જ છે, પરતું માત્ર રૂપિયા માટે નહિ પણ જગતને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે બિઝનેસ કરવો જોઈએ. બિઝનેસને ઊંચાઈ સુધી પહોંચાડવા માટે વિઝન, મિશન અને કોર વેલ્યુઝનો સમાવેશ કરવો પડશે. બિઝનેસમાં કોઈપણ પ્રોડક્ટ બનાવીને વેચીએ એનો કોઈ અર્થ થતો નથી પણ એ શા માટે વેચી રહ્યાં છે તે લોકોને સમજાવવું પડશે.
બિઝનેસમાં ફેલ થયા પછી પણ તેમાં મંડ્યા રહો. જે વાતનો ભય લાગે તેનું નિરાકરણ લોકો સવારે ઉઠે તે પહેલા શોધી નાંખો. બિઝનેસમાં નિષ્ફળ થયા તો પોતાને લીધે અને સફળ થયા તો આખી ટીમને કારણે થયા તેવી માનસિકતા અપનાવો. બિઝનેસમાં મળતી સફળતામાં કર્મચારીઓનો પણ સમાવેશ કરો. કંપનીની સફળતામાં તેઓને પણ સરખો હિસ્સો આપો. કંપનીની પ્રગતિ સાથે કર્મચારીઓની પણ પ્રગતિ થાય તે દિશામાં પ્રયાસ કરશો તો બિઝનેસ સફળતાની ઊંચાઈ હાંસલ કરશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતી શેઠવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય રોશની ટેલરે વક્તાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં સવાલ – જવાબ સેશનનું સંચાલન વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઈઝર જ્યોત્સના ગુજરાતીએ કર્યું હતું. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય મનીષા બોડાવાલાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.