સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના હરમીત દેસાઇનું ચેમ્બર દ્વારા ભવ્ય સન્માન કરાયું

દેશ માટે સૌથી વધુ મેડલ લાવવાનું સપનું છે, કોમનવેલ્થ પછી હવે ઓલમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવવો છે : હરમીત દેસાઇ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૧૬ ઓગષ્ટ, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના સ્પોર્ટ્‌સ, યુથ કલ્ચરલ એકટીવિટીઝ, વોટર રિસોર્સિસ એન્ડ એજ્યુકેશન વિભાગના ભૂતપૂર્વ રાજ્ય મંત્રી નાનુભાઇ વાનાણી ઉપસ્થિત રહયા હતા. આ સમારોહમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જયવદન બોડાવાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય મંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રમતને મિશનના સ્વરૂપે લઇ ખેલ મહાકુંભનું આયોજન કર્યું હતું. ગામડાઓમાં છેવાડાના યુવાઓની પ્રતિભાને બહાર લાવવા હેતુ સ્પોર્ટ્‌સની આખી ઇકો સિસ્ટમ મજબૂત કરી હતી. તેમણે હરમીત દેસાઇ તથા તેમના પરિવારજનોને શુભેચ્છા આપી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સમારોહમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૮ માં બનાવેલો પોતાનો રેકોર્ડ ચાર વર્ષ પછી હરમીત જ તોડે એ જ્વલ્લે જ બનતી ઘટનાઓમાંની એક છે. હરમીતની જીવનશૈલી પરથી બીજા યુવાન મિત્રો પણ પ્રોત્સાહન લે અને હરમીતના માતા–પિતાની જેમ પોતાના દિકરા – દિકરીઓને પ્રોત્સાહન આપવા માટે બધા જ વડીલોએ સજ્જ થવું જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે સરદાર ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હતો ત્યારે હું પણ ટેબલ ટેનિસમાં ચેમ્પિયન હતો. અને તેથી આ રમત માટે મને વિશેષ પ્રેમ છે. હરમીત અને તેમના જેવા મિત્રો રમત ગમતના ક્ષેત્રે આગળ વધતા રહે તેવી શુભેચ્છા તેમણે પાઠવી હતી.

તેમણે હરમીત જેવા બાહોશ અને તેજસ્વી રમતવીરોને કયાં તો દત્તક લેવા અથવા તો પોતાના પરિવારમાં સામેલ કરવા ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો. જેથી કરીને આવા રમતવીરો દેશનું નામ હજી ઊંચાઇ સુધી પહોંચાડી શકે. તેમણે હરમીતને હવે પછીના ઓલમ્પિકસમાં પણ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરીને સુરતનું શહેરનું જ નહીં પણ આખા ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી.

હરમીત દેસાઇએ જણાવ્યું હતું કે, કોઇપણ સિદ્ધી હાંસલ કરવા માટે નસીબ જરૂરી છે. નસીબથી જ એવા માતા–પિતા અને ભાઇ મળ્યો કે જેઓએ મને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડવા સતત પ્રોત્સાહન આપ્યું. ટેબલ ટેનિસમાં આગળ આવવું ખૂબ જ અઘરું હતું. પરિવારજનોએ કયારેય આર્થિક મુશ્કેલીઓની ખબર પડવા દીધી નહીં. ટેબલ ટેનિસની મેચ રમાતી હતી ત્યાં જઇને મારા પિતા હેન્ડી કેમેરામાં રેકોર્ડીંગ કરીને આપતા હતા અને તેને જોઇને હું પ્રેકટીસ કરતો હતો. છ વર્ષનો હતો ત્યારથી ટેબલ ટેનિસ રમતો હતો. હવે દિવસ દરમ્યાન આઠ કલાક પ્રેકટીસ કરું છું. દેશ માટે સૌથી વધુ મેડલ લાવવાનું સપનું છે. કોમનવેલ્થ પછી હવે ઓલમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવવાનું મારું લક્ષ્ય છે.

જીવનમાં પેશન હોવું જરૂરી છે. ટેબલ ટેનિસ મને ખૂબ જ ગમતું હતું. ત્યારબાદ આગળ વધવા માટે હાર્ડવર્ક પણ એટલું જ જરૂરી છે. ર૦ વર્ષ બાદ ડિસીપ્લીન અને ડેડીકેશનથી ગોલ્ડ મેડલ સુધી પહોંચ્યો છું. જીવનમાં ગમે તેટલો મોટો થઇ જઇશ પણ હું કાયમ વિનમ્ર રહીશ. ડિપ્રેશનથી બચવા માટે સવારે મેડીટેશન કરુ છું અને ગોલ સેટીંગ પર કેવી રીતે કામ કરવું તેના પર ફોકસ કરું છું. હજી સાત આઠ વર્ષ ટેબલ ટેનિસ રમીશ. ભવિષ્યમાં કોચ બનવાની ઇચ્છા ધરાવું છું.

ગુજરાતીઓ આગળ વધવાનું વિચારે એટલે તેઓ આગળ વધી જ જાય છે. એટલે વિશ્વભરમાં તેઓ બિઝનેસમાં ઘણા આગળ છે. આથી હવે સ્પોર્ટ્‌સની અવેરનેસ વધારવી પડશે. વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહન મળે તે પણ જરૂરી છે. સ્પોર્ટ્‌સને ભણતરમાં સમાવવો જોઇએ. આવું થશે તો જ રિવોલ્યુશન આવશે અને નાના છોકરાઓ રમતા થશે. ટાઇમ મેનેજમેન્ટથી સ્પોર્ટ્‌સ અને અભ્યાસ બંને વ્યવસ્થિત રીતે કરી શકાય છે. વ્યસનના રવાડે
ચડનાર યુવાઓને તેમણે સંદેશો પાઠવ્યો હતો કે, નશો કરવો હોય તો સ્પોર્ટ્‌સ અને બિઝનેસનો કરવો જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમણે જણાવ્યું હતું કે, મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શકિતદુત યોજના શરૂ થઇ હતી. જે અંતર્ગત શરૂઆતમાં તેમણે દર વર્ષે રૂપિયા ૧ લાખ મળતા હતા અને હવે દર વર્ષે રૂપિયા રપ લાખ મળે છે. આથી તેઓ માત્ર રમત ઉપર ફોકસ કરી શકે છે. ગત વખતે ખેલ મહાકુંભમાં હજારો ખેલાડીઓ આવ્યા હતા. જેથી ગુજરાત સ્પોર્ટ્‌સમાં પાવરહાઉસ બની રહેશે એવું દેખાઇ રહયું છે.

યુવાઓને રમત ગમતના ક્ષેત્રે પ્રદાન આપવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ સમારોહમાં હરમીત દેસાઇની જીવનશૈલી પર આધારિત દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે હરમીતે કરેલી તનતોડ મહેનત તથા તેમના માતા–પિતાના સંઘર્ષથી બધાને વાકેફ કરવામાં આવ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હરમીત દેસાઇને સન્માન પત્ર આપી તેમનું ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું. સન્માન પત્રનું વાંચન ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે કર્યું હતું. સમગ્ર સમારોહનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button