વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે ગ્રીનલેબ ડાયમંડ્સ અને ડાયમંડ હોસ્પિટલ દ્વારા ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ યોજનાનો શુભારંભ
સાસંદ સી. આર. પાટીલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા
સુરતઃરવિવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે ગ્રીનલેબ ડાયમંડ્સ અને ડાયમંડ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દાંતનુ ચોકઠું બેસાડી આપવા માટે ‘ચહેરો ઉજવે આનંદ ઉત્સવ’ – ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ યોજનાનો કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ તથા ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો હતો. આ વેળાએ સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
ગ્રીનલેબ ડાયમંડના ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલના સહયોગ અને પ્રેરણાથી સપ્ટે.-૨૦૨૨ થી સપ્ટે.૨૦૨૩ સુધી એક વર્ષ સુધી માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ(૧૦૩, સ્વાતિ સોસાયટી, નાના વરાછા)ખાતે ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ યોજના કાર્યરત કરવામાં આવી છે. જરૂરતમંદ વડીલોના ચહેરા પર સ્મિત રેલાવવાની અનોખી ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ યોજનામાં એક વર્ષ સુધી જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દાંતનુ ચોકઠું બેસાડી આપવામાં આવશે. આ અવસરે ડાયમંડ હોસ્પિટલ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દીકરીઓને રૂ.એક-એક લાખના બોન્ડ અર્પણ કરાયા હતા.
આ અવસરે વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત સમારોહને સંબોધિત કરતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સમાજના દાતાઓએ હંમેશા જરૂરિયાતમંદો માટે દાનની સરવાણી વહાવી છે. વડાપ્રધાનશ્રીના જન્મદિવસને સમગ્ર દેશમાં રકતદાન, મેડિકલ કેમ્પ જેવા અનેક સેવાકીય કાર્યોથી મનાવ્યો છે ત્યારે મુકેશભાઈ પટેલ એક વર્ષ સુધી વિનામૂલ્યે ચોકઠું બેસાડીને હજારો જરૂરિયાતમંદ દર્દીઓના ચહેરા પર ખુશી લાવવાનુ કાર્ય કરી રહ્યા છે જે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગૃહરાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડાયમંડ હોસ્પિટલ અને મુકેશભાઈનુ આ સેવા કાર્ય હજારો વૃદ્ધજનો- વડીલોના ચહેરા પરની ખુશી એ ‘ન ભુતો ન ભવિષ્યતિ’ સમાન સેવાકાર્ય છે. તેમણે કહ્યું કે, સેવાકીય કાર્ય કરનારાઓની સાથે હંમેશા રાજય સરકાર રહી છે તેથી જ સુરત મહાનગરપાલિકા દ્વારા નવી હોસ્પિટલના નિર્માણ માટે મોટા વરાછા ખાતે ૧૩૦૦૦ વાર જમીન વિનામૂલ્યે આપવામાં આવી છે. આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા સુરત શહેર સહિત રાજ્યના મહાનગરોમાં ન ઉદ્દભવે તે પ્રકારની યોજના તૈયાર કરવામાં આવી રહી હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.
આ અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિનની દેશભરમાં અનેકવિધ સેવાકાર્યોથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડીલોને પડતી તકલીફોને ધ્યાને લઈ મુકેશભાઈએ જે સેવાકાર્ય એક દિવસ પૂરતું સિમિત ન રાખતા એક વર્ષ સુધી દરિદ્રનારાયણની સેવા માટે યોજના શરૂ કરીને વડાપ્રધાનના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગ્રીનલેબના ચેરમેન અને યોજના દાતાશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસને સેવાકાર્ય સાથે જોડીને જે વડીલોને મોટી ઉમરે દાંત પડી જવાના કારણે જમવાની ધણી સમસ્યા અનુભવવી પડતી હોય છે, જેથી આવા જરૂરિયાતમંદ વયોવૃદ્ધજનો માટે એક વર્ષ સુધી વિના મૂલ્યે દાંતનુ ચોકઠું બેસાડી આપવામાં આવશે. હાલ સુધીમાં ૧૩૦૦ થી વધુ અરજીઓ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શ્રી કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, વિ.ડી.ઝલાવાડિયા, ડે.મેયરશ્રી દિનેશ જોધાણી, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, અગ્રણી કનુભાઈ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી કાનજીભાઈ ભાલાળા, ડાયમંડ હોસ્પિટલના પ્રમુખશ્રી સી. પી. વાનાણી, જયેશભાઈ, કાળુભાઈ, પ્રવિણભાઈ ખેની, દિનેશભાઈ નાવડિયા તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.