સુરત

 હજીરા-મગદલ્લા નેશનલ હાઈવે નં.53 ઉપર ટોલ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા પ્રયાસો કરાયાં

સુરતઃ હજીરા-મગદલ્લા નેશનલ હાઈવે નં.53 ઉપર પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ રહી છે. ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ નેશનલ હાઈવે નં.53 ભાટિયા ટોલ પ્લાઝાના સુપરવિઝનમાં આવતો હોવાથી ગતરોજ મોડી સાંજે ટોલના અધિકારીઓ પૈકી અભિષેકસિંહ રાજપૂત અને મનિષકુમારને સાથે રાખી એક કિલોમીટર જેટલો લાંબો પગપાળા પ્રવાસ કરી અધિકારીઓને ટ્રાફિકનો ચિતાર બતાવ્યો હતો.

સચિન જીઆઈડીસી ગેટ નં.1 ઉપર હાલ એન્ટ્રી-એક્ઝિટ એક માત્ર વિકલ્પ હોવાથી અહીં વાહનોની લાંબી કતારો લાગી જતાં ચક્કાજામ જેવી સ્થિતી ઉદભવે છે. સચિન જીઆઈડીસી ગેટ નં.2માં એન્ટ્રી મળે તે માટે ડિવાઈડરને કામચલાઉ ધોરણે ખોલવામાં આવે તથા ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી આવતા વાહનોની ગતિ ધીમી કરાવવા માટે ઝીગ-ઝેગ બેરીકેટીંગ કરવામાં આવે તો નેશનલ હાઈવે નં.53 ઉપર થતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી 50 ટકા છુટકારો મળી શકે તેમ છે.

ટોલના અધિકારીઓ પૈકી ટોલ મેનેજર અભિષેકસિંહ રાજપૂત અને સીનીયર મેનેજર મનીષકુમારે લગભગ બે કલાક જેટલું ગોળવાલા સાથે રહીને હાઈવેનું નિરીક્ષણ કર્યું અને બાંયધરી આપી હતી કે ટ્રાફિક જામની સમસ્યાને શક્ય તેટલું ઝડપથી નિવારણ આવે તેવાં પ્રયાસો અમારા તરફથી કરવામાં આવશે.

હજીરા-મગદલ્લા નેશનલ હાઈવે નં.53 ઉપર છેલ્લાં ઘણાં સમયથી ટ્રાફિકની સમસ્યા તો હતી જ પરંતુ હાલમાં હાઈવે ઉપર વિકાસના કામો શરૂ થઈ જતાં સર્વિસ રોડના અભાવે કિલોમીટરો સુધી ચક્કાજામ થઈ જાય છે. સચિન જીઆઈડીસીમાં પ્રવેશ માટે એન્ટ્રી-એક્ઝિટ તરીકે એક જ રસ્તો હોવાથી વાહનોની કતાર લાગી જાય છે. ટ્રાફિક મુદ્દે સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના સેક્રેટરી મયૂર ગોળવાલાએ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆતો કરી પરંતુ નેશનલ હાઈવે નં.53 ભાટિયા ટોલ પ્લાઝાના સુપરવિઝનમાં આવતો હોવાથી ગોળવાલાએ ટોલ અધિકારીઓ સાથે મોડી સાંજે પગપાળા વિઝીટ કરી ટ્રાફિકનું નિરીક્ષણ કર્યુ હતું.

સચિન જીઆઈડીસી રાજ્યમાં બીજા ક્રમાંકે આવનારી જીઆઈડીસી છે, કરોડો રૂપિયાની રેવેન્યુ સરકારને વેરારૂપે સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારો આપે છે. હાલમાં ઘણાં લાંબા સમયથી હજીરા-મગદલ્લા નેશનલ હાઈવે નં.53 ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે. અને હાલમાં નેશનલ હાઈવે નં.53 ઉપર વિકાસના કામો શરૂ કરી દેવામાં આવ્યાં છે ત્યારે સર્વિસ રોડના અભાવે વાહનોની લાંબી કતાર લાગી જાય છે. સચિન જીઆઈડીસી ગેટ નં.1 હાલમાં એન્ટ્રી-એક્ઝિટનો એકમાત્ર વિકલ્પ છે ત્યારે કલાકો સુધી ચક્કાજામની સ્થિતીમાં ધીમે-ધીમે ખસતાં વાહનો સમય-ઈંધણનો બગાડ કરી રહ્યાં છે.

સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના સેક્રેટરી મયૂર ગોળવાલાએ ઉદ્યોગોના હિતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈ સહિત ઉચ્ચાધિકારીઓને ટ્રાફિકનું નિવારણ લાવવા માટે લેખિત રજૂઆતો કરી દીધી છે. ગતરોજ મોડી સાંજે સેક્રેટરી મયૂર ગોળવાલાએ ભાટિયા ટોલ પ્લાઝાના અધિકારીઓ પૈકી ટોલ મેનેજર અભિષેકસિંહ રાજપૂત અને સીનીયર મેનેજર મનિષકુમારને સાથે રાખી એક કિલોમીટર પગપાળા પ્રવાસ ખેડી ટ્રાફિક જામનો ચિતાર રૂબરૂ વર્ણવ્યો હતો. અધિકારીઓ પણ ટ્રાફિકની સ્થિતીને જોઈને અવાક બની ગયાં હતાં.

સેક્રેટરી મયૂર ગોળવાલાએ સચિન જીઆઈડીસી ગેટ નં.1 પર સવાર-સાંજ થતાં ટ્રાફિક જામનું નિવારણ આપતાં અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી કે સચિન જીઆઈડીસી ગેટ નં.2 હાલમાં એક્ઝિટ ગેટ તરીકે કાર્યરત છે. ગેટ નં.2ની સામેના ડિવાઈડરને કામચલાઉ ધોરણે ખુલ્લો કરવામાં આવે તો ટ્રાફિકનું ભારણ 50 ટકા જેટલું ઘટી શકે છે. બીજી તરફ ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી આવતાં વાહનોની ગતિને ઓછી કરવા માટે ઝીગ-ઝેગ બેરીકેટીંગ કરવા અનુરોધ કર્યો હતો. ટ્રાફિકનું નિવારણ લાવવા માટે સ્થળ વિઝીટ કરનારા બન્ને ટોલ અધિકારીઓએ ગોળવાલાને સહકાર આપવા બાંયધરી આપી અતિશીઘ્ર ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button