
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ધી જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના સંયુકત ઉપક્રમે સોમવાર, તા. ર૮ એપ્રિલ, ર૦રપના રોજ સેમિનાર હોલ– એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ‘અનલોક ધ ફયૂચર ઓફ ઇ–કોમર્સ’ના થીમ પર ‘ઇ–કોમર્સ કોન્કલેવ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં તેજ દેસાઇ (Business Development Manager – DHL) અને નેહા કેજરીવાલ (Category Leader – Luxury & Jewelry – SEA, MENA, India – eBay) દ્વારા સુરતના ઇ–કોમર્સ ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ઇલેકટ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, એક અહેવાલ મુજબ ઇન્ડિયન ઇ–કોમર્સ માર્કેટ વર્ષ ર૦ર૪ સુધીમાં એ રૂપિયા ૧૦ લાખ ૮ર હજાર ૮૭પ કરોડ એટલે કે ૧રપ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયું હતું અને વર્ષ ર૦૩૦ સુધીમાં આ માર્કેટ રૂપિયા ર૯ લાખ ૮૮ હજાર ૭૩પ કરોડ એટલે કે ૩૪પ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. ડિજિટલ પેમેન્ટ મેથડને કારણે, જેમાં પણ ખાસ કરીને યુપીઆઇ થકી થનારા પેમેન્ટમાં વધારાને કારણે ઇ–કોમર્સ વ્યવહારોને વધુ વેગ મળી રહયો છે. જે રીતે ઇન્ટરનેટનો વપરાશ વધી રહયો છે તેને ધ્યાને લઇએ તો ભારતમાં વર્ષ ર૦૩૦ સુધીમાં લગભગ પ૦૦ મિલિયન ઓનલાઇન ખરીદદારો રહેવાની અપેક્ષા છે. ઇ–કોમર્સ માટે એવી ઇકો સિસ્ટમ ઉભી કરીએ કે નાના વેપારીઓથી માંડીને મોટા બ્રાન્ડ્સ સુધી સૌ કોઇને ડિજિટલ વેપાર માટે અવકાશ મળી રહે.
ધી જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના રિજીયોનલ ચેરમેન જયંતિ સાવલીયાએ કોન્કલેવ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જીજેઇપીસીના સભ્યોને મળતી સુવિધા વિષે પણ માહિતી આપી હતી.
તેજ દેસાઇએ ઇ–કોમર્સ પ્લેટફોર્મ પર જેમ એન્ડ જ્વેલરી તેમજ અન્ય પ્રોડકટને એક્ષ્પોર્ટ કરનારા ઉદ્યોગ સાહસિકોને DHL ની સુવિધાઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની સાથે જોડાનાર ઉદ્યોગ સાહસિકોને તેઓ કાર્ગો અને કુરિયર બંને પ્રકારના એક્ષ્પોર્ટમાં ડોર ટુ ડોર અને વન સ્ટોપ સોલ્યુશનની સુવિધા પૂરી પાડે છે. ઉદ્યોગ સાહસિકોને તેઓ લોજિસ્ટીકની તમામ સેવા પૂરી પાડે છે, આથી તેમની સાથે જોડાનાર ઉદ્યોગ સાહસિકે ભારત અથવા વિદેશોમાં જ્યાં તેઓ પ્રોડકટ એક્ષ્પોર્ટ કરે છે ત્યાં એજન્ટ રાખવાની જરૂર હોતી નથી.
તેમણે જણાવ્યું હતું કે, તેમની સાથે જોડાનાર ઇ–કોમર્સ ઉદ્યોગ સાહસિકો પાસેથી તેઓ કસ્ટમ કલીયરન્સનો ચાર્જ લેતા નથી. જેમ એન્ડ જ્વેલરી માટે તેઓ હાલ ભારતથી વિવિધ ૪૦ દેશોમાં કાર્ગો અને કુરિયરની સર્વિસ આપી રહયા છે. સુરત ઉપરાંત મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને જયપુરથી તેઓ કુરિયરની સેવા પૂરી પાડી રહયા છે. તેઓ છ પ્રકારની ડિલીવરી સંબંધિત વેલ્યુ એડેડ સર્વિસ ઇ–કોમર્સના ઉદ્યોગ સાહસિકોને આપે છે.
નેહા કેજરીવાલે ઇ–કોમર્સના ઉદ્યોગ સાહસિકોને eBay દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની સાથે જોડાનાર ઇ–કોમર્સ ઉદ્યોગ સાહસિકોની પ્રોડકટ તેમના પ્લેટફોર્મ થકી ૧૯૦ માર્કેટમાં દેખાય છે. તેમના eBay પ્લેટફોર્મની સાથે ૧૩ર મિલિયન એકટીવ બાયર્સ છે. તેમના આ પ્લેટફોર્મ પરથી યુ.એસ., યુ.કે., જર્મની, ઓસ્ટ્રેલિયા વિગેરે દેશોમાં પ૦ ટકા વેચાણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થાય છે. તેઓ ઉદ્યોગ સાહસિકોને રજિસ્ટ્રેશનથી લઇને માર્કેટીંગ સુધીની સુવિધા પૂરી પાડે છે અને પ્રોડકટ સંબંધિત ફોટોગ્રાફી અને ડિસ્ક્રીપ્શન વિશે માર્ગદર્શન આપે છે.
તેમણે જણાવ્યું હતું કે, વિદેશોમાં જેમ એન્ડ જ્વેલરીની ઓનલાઇન ડિમાન્ડ વધી રહી છે. જ્વેલરી ઇમોશનલ પરચેઝ છે અને એના માટે ઓથેન્ટીસિટી ગેરંટી ખૂબ જરૂરી છે, આથી તેમના પ્લેટફોર્મ પર મુકાતી પ૦૦થી રપ૦૦ ડોલર સુધીની જ્વેલરી ચેક થાય છે અને ત્યારબાદ જીઆઇએસ સર્ટિફિકેટની સાથે જ્વેલરી બાયર્સને મોકલાય છે. જ્વેલરી શિપીંગ માટે ભારતમાં ઘણી પ્રગતિ થઇ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ અશોક જીરાવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ અને ઇ–કોમર્સ ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ કોન્કલેવમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની ઇ–કોમર્સ કમિટીના એડવાઇઝર સંદિપ કથિરીયાએ કોન્કલેવનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની ઇ–કોમર્સ કમિટીના ચેરમેન હિરેન લાઠીયા અને જીજેઇપીસીના આસિસ્ટન્ટ ડિરેકટર રજત વાનીએ વકતાઓનો પરિચય આપ્યો હતો. ઉપસ્થિતોના વિવિધ સવાલોના વકતાઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.