ટીમલીઝ યુનિવર્સિટીના ૭માં દીક્ષાંત સમારોહમાં ૬૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ
વાસ્તવિક દુનિયાના પડકારોને ઝીલી શકે એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરાયા: ડો.પ્રો.અવની ઉમટ

વડોદરા : ભારતની પ્રથમ પ્રોફેશનલ સ્કીલ યુનિવર્સિટી એવી વડોદરાની ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી ના સાતમાં દીક્ષાંત સમારોહમાં સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહનું ફેસબુક પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું.
ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. એચ. સી. ત્રિવેદીએ સ્વાગત પ્રવચન આપ્યું અને યુનિવર્સિટીનો *વાર્ષિક અહેવાલ* રજૂ કર્યો હતો. ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. અવની ઉમટ એ સ્નાતકોને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કર્યા અને મુખ્ય વ્યક્તવ્ય આપ્યું. ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ગ્રુપ હ્યુમન રિસોર્સિસ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના પ્રેસિડેન્ટ શ્રી ઋષિકેશ રાવલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત સંબોધન કર્યું હતું.
સાતમા દિક્ષાંત સમારોહમાં કુલ ૫૬ ડિગ્રીઓ (૩ બીબીએ (ફાઇનાન્સ), ૫ બીબીએ (માર્કેટિંગ), ૧૩ બી.કોમ. (ફાઇનાન્સ અને બિઝનેસ ઓપરેશન્સ), ૧ બી.એસ.સી. (હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટ), ૧૨ બીસીએ (સોફ્ટવેર ડેવલપમેન્ટ), ૧૮ બીસીએ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસીસ), ૪ બી.એસ.સી. (મેકાટ્રોનિક્સ)), ૮ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી) એનાયત કરવામાં આવી હતી.
છ વિદ્યાર્થીઓ: કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના કનોજિયા ભૂમિ હિતેશકુમાર અને પટેલ પ્રિયા નિરવકુમાર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના શાહ ભવ્યાંગી હિતેશકુમાર અને પ્રિન્સ થોમસ, મેકાટ્રોનિક્સ વિભાગના પ્રતીક સેનગુપ્તા, હેલ્થ, લાઇફ એન્ડ એપ્લાઇડ સાયન્સ વિભાગના જયસ્વાલ મહેક હરેશને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ટીએલએસયુ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, જે તેમના સંબંધિત વિદ્યાશાખામાં સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓમાં પ્રથમ પ્રયાસમાં તમામ સેમેસ્ટર પાસ કરવા બદલ એનાયત કરાયા હતા.
પ્રોવોસ્ટ પ્રો. ડૉ. અવની ઉમટ એ પોતાના વ્યક્તવ્યમાં સ્નાતકોને ભવિષ્ય માટે પરિવર્તનના પ્રેરક ગણાવ્યા હતા. તેમણે વાસ્તવિક દુનિયાના પડકારો અને વિદ્યાર્થીઓને હંમેશા હિંમત અને દૃઢ નિશ્ચય સાથે કેવી રીતે આગળ વધવુ જોઈએ તે વિશે વાત કરી હતી. તેમણે જીવનભર શિક્ષણની સુસંગતતા અને જીવનમાં ગણતરીપૂર્વકના જોખમો લેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી પરંતુ તે નિષ્ફળતા નો ઉપયોગ સફળતાના માર્ગ પર શીખવાની તક તરીકે કરવો જોઈએ જેની સાથે “ટીમવર્કની ભાવના સાથે અન્યની સફળતાની ઉજવણી અને દરરોજ અભ્યાસ કરવો જોઈએ.” તેમણે ભાર મૂક્યો કે યુનિવર્સિટીમાં સ્નાતકોએ મેળવેલી કુશળતા અને જ્ઞાન તેમના ગાઈડ તરીકે કામ કરશે, જે તેમને આગળના પડકારો અને તકોમાંથી પસાર થવા માટે માર્ગદર્શન આપશે.
ઋષિકેશ રાવલે સ્નાતકોને અભિનંદn સાથે 3 મૂલ્યવાન પાઠ વિદ્યાર્થીઓને આપ્યા હતા.
1. હેતુની સુસંગતતા
2. પ્રયત્નોની સુસંગતતા અને પ્રતિબદ્ધતા
3. પરિણામોની જવાબદારી
વધુમાં તેમણે જણાવ્યું કે જીવનમાં વૃદ્ધિ અને સફળતા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.
મેનેજમેન્ટ પ્રતિનિધિ, સુમિત કુમારે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા મેળવવા પાછળ દોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સફળતા હંમેશા શ્રેષ્ઠતાને અનુસરે છે, એમ તેમણે સ્નાતક વર્ગને અભિનંદન આપતા કહ્યું.યુનિવર્સિટીના પ્રમુખ શ્રી મનીષ સભરવાલે સ્નાતકોને શુભેચ્છાઓ અને આશીર્વાદ વ્યક્ત કર્યા હતા.
યુનિવર્સિટીની કામગીરી અને અભ્યાસ વિશે, રજિસ્ટ્રાર ડો. એચ.સી.ત્રિવેદી એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં કૌશલ્ય અને ક્ષમતાઓ પ્રાપ્ત કરવા, તેમને યોગ્ય રોજગાર માટે તૈયાર કરવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ય વાતાવરણમાં તેમની સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવાના મિશન સાથે, TLSU તેના અભ્યાસક્રમ ડિઝાઇન પદ્ધતિના ભાગ રૂપે 3E પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે શિક્ષણ, રોજગાર અને રોજગારક્ષમતા છે જેમાં સૂચના, વર્કશોપ/પ્રયોગશાળા પ્રેક્ટિસ, વેબ-આધારિત શિક્ષણ અને ‘રોજગાર માટે તૈયાર’ સ્નાતકો ઉત્પન્ન કરવાના હેતુથી નોકરી પર તાલીમનો સમાવેશ થાય છે.
TLSU એ ખાતરી આપે છે કે તેના તમામ કાર્યક્રમોનો અભ્યાસક્રમ ડિઝાઇન ઉદ્યોગને સુસંગત છે અને દરેક વિદ્યાર્થીને યુનિવર્સિટી કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલા ઓછામાં ઓછા 6 મહિના (ડિગ્રી કાર્યક્રમો માટે) અથવા 3 મહિના (ડિપ્લોમા કાર્યક્રમો માટે) “ઓન-જોબ-ટ્રેનિંગ” મળે છે. TLSU એ ભારતની પ્રથમ કૌશલ્ય યુનિવર્સિટી છે જેને NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. ભારતીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક 2024 (IIRF 2024) મુજબ, TLSU વડોદરાની રાજ્ય ખાનગી યુનિવર્સિટીઓમાં ત્રીજા ક્રમે, ગુજરાતની તમામ ખાનગી યુનિવર્સિટીઓમાં 10મા અને પશ્ચિમ ક્ષેત્રમાં 16મા ક્રમે છે.