વેસુ ખાતે યશો કૃપા નગરીમાં અસારા નિવાસી કોરડિયા પરિવાર દ્વારા આયોજિત ઉપધાન તપની રંગેચંગે પૂર્ણાહૂતિ
સુરત, વેસુ વિસ્તારમાં અસારા નિવાસી કોરડીયા ભારમલભાઇ માલજીભાઈ એક પરિવાર દ્વારા આયોજિત સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવમાં ૬૫૦થી વધુ ઉપધાન તપના આરાધકોએ ૪૭ ઉપધાનની સુંદર આરાધના આજે પરીપૂર્ણ કરીને મોક્ષમાળ પહેરી હતી.
જેમાં ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા. શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. સંઘસ્થાપક ૫.પૂ.આ.ભ.શ્રી ભાગ્યેશ સૂરીશ્વરજી મ.સા. સાથે ૭૦૦થી વધારે શ્રમણ- શ્રમણી મુનિ ભગવંતોના સાંનિધ્ય અને નિશ્રા પ્રાપ્ત થઈ હતી.
ઉપધાન તપ એટલે સાંસારિક જીવનથી મુક્તિ પામી ઉચ્ચ જૈન સાધુ જીવનનો અનુભવ કરવાનો માર્ગ અને મોક્ષ માર્ગ પર ડગલું માંડવાનો એક ઉત્તમ પ્રયાસ એટલે ઉપધાન તપ. ઉપધાનતપ પરમાત્માના જૈન શાસનનું એક અમૃત અનુષ્ઠાન છે, અને દરેક શ્રાવક/ શ્રાવિકાના જીવનનું એક સ્વપ્ન, એક અભિલાષા હોય છે કે ઉપધાન તપ કરવું.
વેસુ બલર ફાર્મ ખાતે યશો કૃપા નગરીમાં ખુબ ઉલ્લાસ સાથે પરિવાર સગા-સબંધીઓ સાજન માજન સંગીતના સથવારે પુજય ગુરુદેવના આશીર્વાદની હેલી સાથે અદભૂત માહોલમાં રંગેચંગે ભાવોલ્લાસ ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.