મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલીતાણા તીર્થ જય તલેટીની પૂજા તથા જૈનાચાર્ય આગમોદ્ધારક પૂ. સાગરજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું

પાલીતાણા : કરોડ જૈનોની આસ્થાનું ધામ પાલીતાણા તીર્થમાં 18 ડીસેમ્બર બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન આનંદકારી બન્યું હતું. શત્રુંજય ગિરિરાજની જય તળેટીએ જ્યાંથી યાત્રાનો પ્રારંભ થાય છે તે સ્થળે જૈનાચાર્ય પૂ. સાગરચંદ્રસાગરસૂરિજીએ તેમને પૂજા-વિધિ કરાવી હતી. ત્યારબાદ આનંદમંદિરે બિરાજમાન પૂ. આ. અશોકસાગરસૂરિજીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.
આજ સંસ્થામાં આ. સાગરચંદ્રસાગરસૂરિજીની પ્રેરણાથી એક ભવ્ય સ્મારક નિર્માણ થયેલ છે જેમાં વીસમી સદીના બેજોડ આચાર્ય 45 આગમના ઉદ્ધારક, આગમમંદિર નિર્માતા પૂ. સાગરજી મહારાજની સ્વકાયપ્રમાણ ઉભી પ્રતિમા છે જેનું અનાવરણ મુખ્યમંત્રીશ્રીના હાથે થયું હતું. આ ગુરુદેવ દ્વારા સંસ્કૃતિમાં નવા રચાયેલા 230 ગ્રંથોનો સંપુટ આગમોદ્ધારક ઉપનિષદ ભેટ કરાયો હતો તથા આગમોદ્ધારક સૂક્તિ શતક પુસ્તકનું વિમોચન કરાયું હતું. જૈનોના અરિહંત ભગવાન શ્રી સીમંધર પ્રભુમાં આસ્થા ધરાવનાર મુખ્યમંત્રીશ્રીના આગમનથી સૌ જૈનાચાર્યોના હૈયામાં હર્ષની લાગણી ઉપજી હતી.