ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા રંગતાળી (મહેંદી–ગરબા) વિશે વર્કશોપ યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સિટીલાઇટ રોડ સ્થિત આમંત્રા બંગલો ખાતે રંગતાળી (મહેંદી–ગરબા) વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં તાલ ગૃપ અને આર્ક ડિઝાઇન્સના કૃતિકા શાહ દ્વારા આર્કિટેકચર વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આર્કિટેકટ તરીકે તેઓએ આર્કિટેકચર ક્ષેત્રને પોતાના બિઝનેસનો ભાગ બનાવ્યો છે. આ ઉપરાંત તેઓ આર્ટ એન્ડ કલ્ચરને પ્રમોટ કરવાના હેતુથી ગરબાના કલાસિસ પણ ચલાવે છે. એટલે પેશનની સાથે સાથે તેઓ બિઝનેસ પણ કરે છે. વર્કશોપમાં તેમણે વિમેન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોને ગરબા પણ કરાવ્યા હતા.
મહેંદી કલ્ચરના નિમિષા પારેખે જણાવ્યું હતું કે, મહેંદી એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. મોટા ભાગે એન્ગેજમેન્ટ અને લગ્ન જેવા શુભ પ્રસંગોમાં મહિલાઓ હાથમાં મહેંદી મુકાવતી હોય છે પણ તેઓએ ભારતની આ પરંપરાને બિઝનેસમાં પરિવર્તિત કરી દીધી છે અને મહેંદીને આવકનું સાધન બનાવી લીધું છે. મહેંદીના બિઝનેસમાં ઝંપલાવ્યા પછી તેઓ ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ મહેંદી મુકાવવા માટે જાય છે.
ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ વર્કશોપમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ વર્કશોપની રૂપરેખા આપી બંને વકતાઓનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ સર્વેનો આભાર માની વર્કશોપનું સમાપન કર્યું હતું.