બિઝનેસસુરત

ચેમ્બરના હોદ્દેદારોએ દુબઇ ખાતે બિઝનેસ સેટઅપ કરવા માટે સર્વિસ આપતી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મિટીંગો કરી

સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ દુબઇમાં તથા દુબઇના માધ્યમથી વિશ્વના અન્ય દેશોમાં પોતાની પ્રોડકટ વેચી શકે તે માટે પ્રયાસ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી એસોસીએશનોની મુલાકાતાર્થે દુબઇ પ્રવાસે છે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ દુબઇમાં ધંધા – વ્યવસાય વિકસાવી શકે તેના માટે ચેમ્બર પ્રમુખ પ્રયાસ કરી રહયા છે. દુબઇના માધ્યમથી સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ પોતાની પ્રોડકટ વિશ્વના અન્ય દેશોમાં વેચી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા દુબઇમાં જુદી–જુદી સુવિધાઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે, જે અંતર્ગત જુદી–જુદી કંપનીઓ તથા ઓથોરિટીઓ સાથે મુલાકાત કરી રહયા છે.

દરમ્યાન ગુરૂવાર, તા. ૩૦ નવેમ્બર, ર૦ર૩ના રોજ ચેમ્બર પ્રમુખે દુબઇ ખાતે DUQEના જનરલ મેનેજર ઘેથ અલ ડેકરની સાથે મુલાકાત કરી હતી. આ સંસ્થા DUQE ફ્રી ઝોનમાં કંપની શરૂ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડે છે. DUQE દ્વારા દુબઇમાં ૧૦૦ વર્ષ જૂનું એલીઝાબેથ– ર નામનું શીપ રિટાયર થયું ત્યારે એને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કન્વર્ટ કર્યું હતું અને ત્યાં ઉદ્યોગ સાહસિકોને બિઝનેસ કરવા હેતુ કંપનીઓ શરૂ કરવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા આપે છે. DUQE ફ્રી ઝોનમાં આવેલી કંપનીઓને હજારો વ્યવસાયિક પ્રવૃત્તિઓની એકસેસ મળે છે.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ DUQEના જનરલ મેનેજર ઘેથ અલ ડેકર સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને આ પ્રોજેકટની સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ દુબઇમાં પોતાની પ્રોડકટ વેચી શકે તે હેતુ ઓફિસ શરૂ કરવા મદદ કરવા માટે અનુરોધ કર્યો હતો. DUQEના જનરલ મેનેજર ઘેથ અલ ડેકરે પણ ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટને સહયોગ કરવા તેમજ સુરતના ઉદ્યોગકારો – વેપારીઓને દુબઇમાં કંપની તેમજ ઓફિસ શરૂ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ દુબઇના બ્લેક સ્વાન બિઝનેસ સેટઅપ સર્વિસિસના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ) આનંદ વત્સ સાથે મુલાકાત કરી હતી. બ્લેક સ્વાન બિઝનેસ સેટઅપ સર્વિસિસ પણ દુબઇમાં બિઝનેસ સેટઅપની જરૂરિયાતો માટે સર્વિસ આપે છે. તેઓ તમામ વ્યવસાય સેટઅપ જરૂરિયાતોને પૂરી કરે છે. તેઓની નિષ્ણાતોની ટીમ કંપની સ્થાપવાના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે અને કંપનીની નોંધણીથી લઈને લાયસન્સ પ્રાપ્તિ, વિઝા પ્રોસેસિંગ, કાનૂની દસ્તાવેજીકરણ, બેંક એકાઉન્ટ ખોલવા અને ઓફિસ સેટઅપ કરવા મદદ કરે છે, આથી ચેમ્બર પ્રમુખે સુરતના ઉદ્યોગકારો – વેપારીઓને દુબઇમાં બિઝનેસ સેટઅપ તેમજ ઓફિસ શરૂ કરવા માટેની જરૂરિયાતોને પૂર્ણ કરવા મદદરૂપ થવા વિનંતી કરી હતી. આનંદ વત્સે પણ સુરતના ઉદ્યોગકારોને દુબઇમાં બિઝનેસ સેટઅપ કરવા માટે મદદ કરવાની ખાતરી આપી હતી.

ચેમ્બર પ્રમુખે આનંદ વત્સને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટથી વાકેફ કરી તેની સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. આનંદ વત્સ મિશન ૮૪ પ્રોજેકટથી પ્રભાવિત થયા હતા અને તેમણે ચેમ્બર પ્રમુખ પાસેથી વિગતવાર માહિતી મેળવી આ મહત્વાકાંક્ષી પ્રોજેકટની જોડાવા માટેની તૈયારી દર્શાવી હતી.

ચેમ્બર પ્રમુખે ઉપરોકત બંને કંપનીઓના પ્રતિનિધિઓને દુબઇના વેપારીઓ સાથે સુરત ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તેમજ વિવિધ ઉદ્યોગોની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button