બિઝનેસસુરત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉત્પાદકો અને વેપારીઓને ફાયર ઇન્સ્યોરન્સ પોલિસીઝ અંગે સમજણ આપવા સેમિનાર યોજાયો

ક્લેઈમ મેળવવામાં અડચણરૂપ થનારી કેટલીક બાબતો વિશે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓનું ધ્યાન દોર્યું

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉત્પાદકો અને વેપારીઓને ફાયર ઇન્સ્યોરન્સ પોલિસીઝની સમજણ આપવાના હેતુથી ગુરૂવાર, તા. ૩૦ નવેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ઇન્સ્યોરન્સ સર્વેયર એન્ડ લોસ એસેસર તેમજ પ્લાન્ટ અને મશીનરીના વેલ્યુઅર મિતેશ દેસાઇએ ફાયર ઇન્સ્યોરન્સ પોલિસીઝ અંગે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને મશીનરીથી લઈને ઓફિસ અને ગોડાઉનની સુરક્ષિતતા સુધીના અનેક પાસાઓ વિશે વિચારવું પડે છે. પોલિસી લેતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે યોગ્ય માહિતી મેળવ્યા બાદ જ પોતાના ઉદ્યોગને અનુરૂપ ફાયર પોલિસી લેવી જોઈએ. હાલમાં પોલિસી બજારમાં ફાયરને લગતી અનેક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસીઓ જોવા મળે છે, ત્યારે કમનસીબે બનેલી આકસ્મિક ઘટનામાં થયેલા નુકસાનનું વળતર ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ મેળવી શકે તે માટે જુદી–જુદી ઇન્સ્યોરન્સ પોલિસી વિષે તેઓને માહિતગાર કરવાના હેતુથી સેમિનારનું આયોજન કરાયું હતું.

મિતેશ દેસાઈએ ઉદ્યોગ સાહસિકોને પોલિસીના પ્રીમિયમ પર નહીં પરંતુ પોલિસીમાં ક્લેઈમ થનાર મશીનરી, બિલ્ડીંગ, સંસાધનોની રકમ પર ધ્યાન આપવા જણાવ્યું હતું. ઇન્સ્યુરન્સ કંપનીને પોલિસી ક્લેઈમના સમયે પુરાવાઓને કેવી રીતે રજૂ કરવા જેથી ક્લેઈમ મેળવવામાં સરળતા રહે તે અંગે ઉદ્યોગકારોને સમજણ આપી હતી. તેમણે ઉદ્યોગ સાહસિકોને ફાયર પોલિસીના તમામ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં તેમણે ઉદ્યોગ સાહસિકોને ભારત ગૃહ ઉદ્યોગ, ભારત સુક્ષ્મ ઉદ્યોગ સુરક્ષા અને ભારત લઘુ ઉદ્યોગ સુરક્ષા પોલિસી વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ રિસ્ક, પેરિલ અને હજાર્ડ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું. તેમણે ઉદ્યોગ સાહસિકોને તેમના ક્ષેત્રને અનુરૂપ પોલિસી લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે પોલિસીનું ક્લેઈમ મેળવવામાં અડચણરૂપ થનારી કેટલીક બાબતો વિશે ઉદ્યોગ સાહસિકોનું ધ્યાન દોર્યું હતું. જેમાં રજીસ્ટ્રેશન નંબર, કંપનીનો એડ્રેસ, પાનકાર્ડ, આધારકાર્ડ પર એડ્રેસ, નામની સ્પેલિંગ વિગેરે બાબતોને પોલિસી લેતા પહેલાં જ ચોકસાઈથી ચેક કરી તેમાં સુધારા કરવાની સલાહ તેમણે ઉદ્યોગ સાહસિકોને આપી હતી. આવી રીતે તેમણે ઉપલબ્ધ ફાયર ઇન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત જોખમ કવરેજની માહિતી આપી હતી. યોગ્ય વીમાની રકમ નક્કી કરવા માટેની જરૂરી સાવચેતી વિષે જાણકારી આપી હતી. સાથે જ વધારાના કવર વિશે અને આગ લાગવાને કારણે ધંધામાં થતા નુકસાન માટે કવરેજની વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન નિરવ માંડલેવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, એક અંદાજ પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝમાં આજે ૮પથી ૯૦ ટકા લોકોની ફાયર ઇન્સ્યોરન્સ પોલિસી અંડર ઇન્સ્યોરન્સ પ્રમાણે લેવામાં આવે છે. આ અન્ડર ઇન્સ્યોરન્સની ટકાવારી ૧૦થી ૬૦ ટકા સુધીની હોય છે. જેને કારણે આજે ઉદ્યોગકારોને આગની ઘટનાઓમાં અન્ડર ઇન્સ્યોરન્સના ડિડકશનને કારણે મોટું આર્થિક નુકસાન કલેઇમમાં થાય છે, આથી તમામ ઉદ્યોગકારોએ પોતાના ફેકટરીના વીમાની રકમ રિવ્યુ કરી આજના ભાવ પ્રમાણે પોલિસી લેવી જોઇએ, જેથી અન્ડર ઇન્સ્યોરન્સની રકમ નહીં કપાય અને પૂરેપૂરો વીમો મળી શકે.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની ઇન્સ્યોરન્સ કમિટીના ચેરમેન એન.સી. પટેલે વકતાનો પરિચય આપ્યો હતો. જ્યારે કો–ચેરમેન બિપીન હિરપરાએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના ઇન્સ્યોરન્સ પોલિસી સંબંધિત વિવિધ સવાલોના વકતાએ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button