અદાણી ગૃપ સાથે હાઇડ્રો પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પરસ્પર હિતના ક્ષેત્રમાં સહયોગ કરવા ભૂટાન ઉત્સૂક
અદાણીના મુંદ્રા અને ખાવડાના બહુલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત વેળા ભૂટાનના રાજાએ કામકાજના વખાણ કર્યા
ભૂટાનના મહામહિમ રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની ગુજરાતની તેમની બે દિવસની મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ્સ-મુન્દ્રા અને ખાવડાની આજે મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો. અદાણી સમૂહ મુન્દ્રામાં ભારતનું સૌથી વિશાળ વ્યાપારી બંદરનું સંચાલન કરે છે, જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના ધ્યેય સાથે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરવા માટે દુનિયાનો સૌથી મહાકાય રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે.
ભારતના અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર તરીકે પ્રતિષ્ઠિત અદાણી ઉદ્યોગ સમૂહે પ્રોજેક્ટના મોટા પાયે અમલીકરણ અને વિકાસમાં અસાધારણ કૂશળતાનું પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાં અદાણી સમૂહના ઉજળા સફળ પ્રયાસોમાં મુખ્ય મુન્દ્રા પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના અત્યાધુનિક ઢબે વિકાસનો સમાવેશ થાય છે. મુંદ્રા પોર્ટે કચ્છના વેરાન પ્રદેશને દેશના અગ્રણી પોર્ટ અને એક વિશાળ ઔદ્યોગિક હબમાં પરિવર્તિત કર્યો છે. ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને નેટ ઝીરો ઉત્સર્જનને હાંસલ કરવા માટેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ અદાણી હાલમાં ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાનો સૌથી મહાકાય એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે, જે વેરાન જમીનને સ્વચ્છ અને સસ્તી ઊર્જા ઉપલબ્ધ બનાવવાના હબમાં પરિવર્તિત કરી રહ્યો છે.
ભારતનું પાડોશી રાષ્ટ્ર ભૂટાન વિશાળ કક્ષાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની કુશળતાના આધાર પર સહયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પરસ્પર હિતના મુખ્ય ક્ષેત્રોમાં હાઇડ્રોપાવર, ટ્રાન્સમિશન લાઇન, શહેરી વિકાસ જેમ કે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી, સિમેન્ટ ઉદ્યોગ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીની બાબતોમાં એકબીજાના સહયોગ વિષે આ મુલાકાત દરમિયાન વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
અદાણી ગૃપે 570 મેગાવોટ ક્ષમતાના વાંગછુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ માટે ડ્રુક ગ્રીન પાવર કંપની (ડીજીપીસી) સાથે અગાઉથી જ સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. અદાણીના પ્રોજેકટ્સની રાજાની આ મુલાકાત દરમિયાન ડીજીપીસીના અધિકારીઓ પણ જોડાયા હતા. ભૂટાનની અર્થવ્યવસ્થામાં તેના જીડીપી અને નિકાસ આવકમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ હાઇડ્રોપાવરની ભૂમિકા નિર્ણાયક હોવાથી આ પહેલ દીશાસૂચક છે ભૂતાન તેની ઉત્પાદિત વીજળીનો નોંધપાત્ર હિસ્સો ભારતમાં નિકાસ કરી ભારતની ઊર્જા જરૂરિયાતોને હળવી કરવામાં મદદ કરે છે.
ભૂટાન પાસે નોંધપાત્ર એવી લગભગ 30,000 મેગાવોટની સંભવિત ક્ષમતા છે જેમાં અંદાજે 24,000 મેગાવોટ આર્થિક રીતે શક્ય માનવામાં આવે છે.1960ના દાયકાથી ભારત દ્વારા સમર્થિત ભૂટાનના હાઇડ્રોપાવર સેક્ટરનો વિકાસ તેના આર્થિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે.
આ ક્ષેત્રમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ સરકારો સાથે તાજેતરમાં સહયોગ સાધવામાં આવ્યો છે.
અદાણી ગ્રૂપ પોતાની મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓ અને નિપૂણતાના આધારે ભારતના પાડોશી રાષ્ટ્રોને તેમના ટકાઉ વિકાસના પ્રયાસોમાં સક્રિયપણે સહયોગ આપી નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનને હાંસલ કરવાના વૈશ્વિક લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. સૌથી મોટા વિદેશી સીધા રોકાણનું પ્રતિનિધિત્વ કરતા અને શ્રીલંકાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા પાવર પ્રોજેક્ટ એવા વિન્ડ પાવર સ્ટેશન માટે શ્રીલંકાની સરકાર સાથે સીમાચિહ્નરૂપ 20-વર્ષ માટે તાજેતરમાં કરવામાં આવેલા કરારનો આ સહયોગમાં સમાવેશ થાય છે. વધુમાં અદાણી ગૃપે ઝારખંડમાં ભારતના 1600 મેગાવોટના પ્રથમ ટ્રાન્સ-નેશનલ પાવર પ્રોજેક્ટ ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશમાં વીજળીની નિકાસનો આરંભ કરીને પ્રાદેશિક ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું વધારવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.
ભૂટાનના પ્રતિનિધિમંડળ અને અદાણી ગૃપ વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ ટકાઉ વિકાસના લક્ષ્યોને આગળ વધારવા સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.