ધર્મ દર્શનસુરત

ભગવદ્‌ ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે, વ્યકિત નિર્માણ માટેની આવશ્યકતા વિષે ૩૬૦ ડીગ્રી ડેવલપમેન્ટની વાત કરે છે : ભાગ્યેશ જ્હા

ચેમ્બર ઓફ કોમર્સ અને ભારત વિકાસ પરિષદ સુરત મેઇનના સંયુકત ઉપક્રમે ‘ભગવદ્દ ગીતા – મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા – ગીતા પંચામૃત’શ્રેણીનું આયોજન કરાયું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ થી તા. ૧૦ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ દરમ્યાન સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે વિશિષ્ટ કાર્યક્રમ ‘ભગવદ્દ ગીતા – મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા – ગીતા પંચામૃત’શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે સોમવાર, તા. ૬ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ ‘ગીતા – વ્યક્તિ નિર્માણની સંહિતા’વિષે વકતવ્ય રજૂ કરી વ્યકિતના જીવન ઘડતર તેમજ યોગ્ય જીવન શૈલી અંગે ‘ભગવદ્દ ગીતા’માં અપાયેલા માર્ગદર્શન વિષે શ્લોકો તથા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદોના વિવિધ દાખલાઓથી રસપ્રદ જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે આજના મોડર્ન મેનેજમેન્ટમાં વિઝન, મીશન, પ્લાનિંગ, લીડરશિપ અને મોટીવેશન જેવાં વિવિધ કોન્સેપ્ટ આવરી લેવાયા છે, જે બધા ગીતા ઉપદેશમાંથી પ્રેરિત થયા છે. વિશ્વભરના મેનેજમેન્ટ ગુરૂઓ દ્વારા ગીતા ઉપદેશને તેઓની મેનેજમેન્ટ થીઅરીમાં આવરી લેવાયા છે. તેમણે વધુમાં કહયું કે, ગીતા એ વસ્તુઓની પ્રકૃતિ વિષે બોલે છે. સાથે જ એ માનવતા, વાસ્તવિકતા અને એ વાસ્તવિકતામાં આપણા સ્થાન વિષે બોલે છે. ગીતા પંચામૃત શ્રેણીમાં વિવિધ વકતાઓ થકી ગીતાનું જ્ઞાન પીરસવામાં આવશે, જે ઉદ્યોગ સાહસિકો અને શહેરીજનોને યોગ્ય જીવન શૈલી જીવવા માટે લાભદાયક ઠરશે.

ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ સીએ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, કુરૂક્ષેત્રના રણ મેદાનમાં એક એવા મેનેજમેન્ટ ગ્રંથની રચના થઇ છે, જે ભૂતો ન ભવિષ્યતી છે. ભગવદ્‌ ગીતાને હાવર્ડ યુનિવર્સિટીએ પાઠય પુસ્તક તરીકે સ્વીકારી છે અને એ જ્ઞાન ગ્રંથ છે, એ જીવન શૈલીનો ગ્રંથ છે, એ મેનેજમેન્ટનો ગ્રંથ છે. તેમણે વધુમાં કહયું કે, વ્યકિતના સંસ્કાર નિર્માણ દ્વારા જ સંસ્કૃત સમાજની રચના થઇ શકે અને એ વિચારધારાના ભાગ રૂપે ભારત વિકાસ પરિષદ સુરત મેઈન સંસ્થાએ ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને‘ગીતા પંચામૃત’કાર્યક્રમનું આયોજન કર્યું છે.

ભાગ્યેશ જ્હાએ જણાવ્યું હતું કે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર છે. આ ગ્રંથનો પાઠ કરવાથી અને તેમાં જણાવેલાં સૂત્રોને જીવનમાં ઉતારવાથી વ્યકિતની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગ્રંથમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન માર્ગ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથના અઢાર અધ્યાયોમાં શ્રીકૃષ્ણના ઉપદેશ છે. આ ઉપદેશથી વ્યકિતની જીવનની બધી જ શંકાઓ દૂર થાય છે અને જીવનમાં સફળતા સાથે સુખ–શાંતિ પણ પ્રાપ્ત કરી શકાય છે.

સ્થિતપ્રજ્ઞતા ઘણી મોટી સાધના છે, આથી દરેક વ્યકિતએ સ્થિતપ્રજ્ઞ રહેવું પડશે. વ્યકિતને જીવનમાં દરરોજ ડગલે ને પગલે મુશ્કેલીઓ આવે પણ એમાં એણે સ્થિર રહેવું પડશે. ભગવદ્‌ ગીતા એ એકજ ધર્મ ગ્રંથ એવો છે કે જે વ્યકિત નિર્માણ માટેની આવશ્યકતા વિષે ૩૬૦ ડીગ્રી ડેવલપમેન્ટની વાત કરે છે. જેમાં ત્રણેય કોમ્પોનન્ટ જેવાં કે ભકિત, કર્મ અને જ્ઞાનની સમજણ આપે છે. દરેક વ્યકિતમાં હું (કૃષ્ણ) છું એવું ગીતા કહે છે.

ભગવદ્‌ ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ગીતાનો મૂળમંત્ર એ છે કે આપણે દરેક સ્થિતિમાં કર્મ કરતા રહેવાનું છે. કયારેય નિષ્કામ ન રહીએ. જો કે, આપણો કર્મ ઉપર અધિકાર છે પણ એના પરિણામ ઉપર અધિકાર નથી એ સમજણ કેળવાય એટલે અડધી સમસ્યાઓનું નિવારણ આવી જાય તેમ છે. સારા કર્મની કયારેય દુર્ગતિ થતી નથી. કર્મમાં સતત સાક્ષીભાવથી કામ કરવું પડશે. જાગૃતતાથી કર્મ કરશો એટલે જીવનમાં કોઇ દિવસ નિષ્ફળતા મળશે નહીં. જે પણ કર્મ કરો છો એમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની છે.

લાઇફ ઈઝ એસ્ટ્રોલોજિકલ ધેન લોજિકલ. સંસારમાં બધું જ છે પણ સંસારી થઇને નથી જીવવું એવી તાકાત કેળવવાની છે. જીવનને શૂન્ય તરફ નહીં પણ પૂર્ણતા તરફ લઇ જવાનું છે. જીવનમાં વ્યકિતને જુદી–જુદી સમસ્યાઓના નિરાકરણ માટે એના મુળમાં જવું પડશે અને ગીતા આપણને એ શીખવાડે છે. વ્યકિત કોઇ મુશ્કેલીમાં હોય એટલે એ પોતે અર્જુનની ભૂમિકામાં હોય છે ત્યારે ભગવાન કૃષ્ણ કયાં છે? એવી લાગણી વ્યકિત પોતે અનુભવે ત્યારે એને કૃષ્ણની અનુભૂતિ થાય છે.

કોન્ટ્રાકચ્યુઅલ નહીં પણ સરેન્ડર થઇને ભગવાનની ભકિત કરવી જોઇએ. આ જગતમાં જે કઇ છે એ ઇશ્વર છે અને કૃષ્ણ એ સ્વીકૃતિનો ભગવાન છે. હું આપવા માટે આવ્યો છું આવો ભાવ જ્યારે મનમાં જન્મે ત્યારે સમજવું કે ભગવાન આપણી નજીક છે. એકવાર તમે પરિસ્થિતિને સ્વીકારતા થઇ જાઓ એટલે જગત આપણા જેવું બની જાય છે. આ જગતમાં આપણા મન જેવું કશું થાય નહીં એ બાબત દરેક વ્યકિતએ સમજવાની જરૂર છે.

તેમણે wow, how અને now વિષે સમજણ આપી હતી. દરેક વ્યકિતમાં મહાન બનવાની સંભાવનાઓ રહેલી છે. ચારેય બાજુ ઇશ્વરનું તથ્ય જોવા મળે છે એ wow છે. ભવિષ્યને બદલે વર્તમાનમાં જીવો અને એના પર ધ્યાન કેન્દ્રિત કરો એટલે power of now છે.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માન્યો હતો. ભાગ્યેશ જ્હાએ શ્રોતાઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button