400 દીવસ ની ઉગ્ર સામૂહિક વર્ષીતપ તપશ્ચર્યા નો પ્રારંભ

સુરત : શ્રી અરિહંત પાર્ક સંઘના આંગણે પૂ. આચાર્ય દેવ શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ. સા, પ્રેરક પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી મ. સાહેબ, પૂ. આચાર્ય દેવ શ્રી જયેશરત્ન સુરીશ્વરજી મહારાજની પાવન મિશ્રામાં 165 સામૂહિક વર્ષીતપ નો મંગલ પ્રારંભ કરાયો છે. ત્યારે પૂ. આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે પ્રત્યેક ધર્મમાં તપ ધર્મનું એક વિશિષ્ટ મહત્વ બતાવ્યું છે તેમાંય જૈન ધર્મમાં 8 વર્ષના નાના બાળકથી માંડીને 90 વર્ષના કાકા પણ 8-8 દિવસના ઉપવાસ રમતા રમતા કરી લે છે. આ બધી જ શક્તિ પરમાત્મા ની કૃપા સ્વરૂપ છે.
ઉપવાસ કરવાથી આત્મા શુદ્ધ તો થાય છે પણ શરીરના રોગો પણ નાશ પામે છે. થાઈરોડ હોય કે બી. પી., ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ દરેક રોગોને નાશ કરવાની શક્તિ તપ ધર્મમાં છે. આ અનુસંધાનમાં વર્ષો પહેલા પુણે માં એક સત્ય ઘટના બની હતી. એક કાકાને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી એટલે તે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે અમુક રિપોર્ટ કરાવવાની સલાહ આપી તે ભાઈએ તે બધા રિપોર્ટ કરાવીને ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે કહ્યું કે તમારું હાર્ટ પહોળું થઈ રહ્યું છે અને રિપોર્ટ જોતા સ્પષ્ટ લાગે છે કે તમારું આયુષ્ય 2 મહિના જેટલું બાકી છે. તે કાકા તો ગભરાય ગયા અને તરત જ તે રિપોર્ટ લઈને મુંબઈ પહોંચ્યા પણ પ્રત્યેક ડોક્ટરની એક જ વાત હવે ભગવાનનું નામ લો. તે કાકા નિરાશ થઈને પુણે પાછા આવ્યા અને શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા ગયા ત્યારે સામૂહિક વર્ષીતપમાં જોડાવાની ભાવના થઈ અને 400 દિવસની ઉગ્ર તપશ્ચર્યમાં જોડાઈ ગયા.
દોઢ મહિના સુધી તો સામાન્ય તકલીફ અનુભવાની પણ હવે શ્વાસની તકલીફ ગાયબ થઈ ગઈ. પહેલા કરતા સારું લાગવા લાગ્યું એટલે ફરી રિપોર્ટ કરાવીને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા તેમના હાર્ટ નોર્મલ જોઈને ડોક્ટરે કહ્યું “તમે કયા ડોક્ટરની દવા કરી.” ત્યારે પહેલા કાકાએ કહ્યું “મેં મારા ભગવાને બતાવેલી દવા કરી છે.” ત્યારબાદ તો તે કાકા એ 400 દિવસ સુધી એકાંતરે દિવસે ઉપવાસ ની અદભુત સાધના પૂરી કરી અને ત્યારબાદ ઘણા વર્ષો સુધી જીવ્યા. તપ ધર્મ રોગને દૂર કરે પણ રાગને દૂર કરીને વીતરાગ પણ બનાવે.