બિઝનેસસુરત

વિવિંગ સેકટરમાં રૂપિયા ૪૦ હજાર કરોડનું રોકાણ આવશે, ભારતમાં ૪.૩પ લાખ હાઇસ્પીડ વિવિંગ મશીનની જરૂરિયાત ઉભી થશે

આવનારો સમય વોટરજેટ, એરજેટ અને ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો છે, આથી સુરતે લીડ લઇને મોર્ડનાઇઝેશન તરફ જવું પડશે : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ટેકસટાઇલ વીક’ના ૮ મા એડીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકસટાઇલ વીકના બીજા દિવસે યોજાયેલા સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.

આ સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ તેમજ પાંડેસરા વિવર્સ કો–ઓપ. સોસાયટી લિમિટેડના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉદ્યોગકારોને ‘ન્યુ ડેવલપમેન્ટ્‌સ ઇન વોટરજેટ ફેબ્રિકસ’ વિષે માર્ગદર્શન આપ્યું હતું. પિકાનોલના એરિયા સેલ્સ મેનેજર કિશોર કુકડીયાએ ‘ન્યુ ડેવલપમેન્ટ્‌સ ઇન રેપિયર એન્ડ એરજેટ મશીન્સ’ વિષે માહિતી આપી હતી. જ્યારે ડિજીટલ પ્રિન્ટીંગ ફેબ્રિક મેન્યુફેકચરર પરિમલ વખારીયાએ ‘ડિજીટલ પ્રિન્ટીંગ ચેઇન્જીંગ ધ સિનારિયો’ વિષે ટેકસટાઇલ ઉદ્યોગકારોને જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કાપડનું એકસપોર્ટ વધારવા માટે ભવિષ્યમાં ઉદ્યોગકારોને એન્વાયરમેન્ટ સોશિયલ ગવર્નન્સમાં જવું પડશે. આવનારો સમય વોટરજેટ, એરજેટ અને ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો છે. ભારતે પાંચ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે દેશમાં ટેકસટાઇલનો રપ૦ બિલિયન યુએસ ડોલરનો બિઝનેસ ગ્રોથ કરવો હોય અને ૧પ૦ બિલિયન યુએસ ડોલરનો એકસપોર્ટ કરવો હોય ત્યારે સુરતે લીડ લઇને મોર્ડનાઇઝેશન તરફ જવું પડશે. તેમણે વધુમાં કહયું હતું કે, સુરતના યુવા ઉદ્યોગ સાહસિકોએ ફોરવર્ડ ઇન્ટીગ્રેશન કરીને ગારમેન્ટીંગમાં ઝંપલાવવું જોઇએ અને એકસપોર્ટ કરવો જોઇએ.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાએ જણાવ્યું હતું કે, સુરતના યુવા ઉદ્યોગ સાહસિકો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવું રોકાણ કરી રહયા છે. ખાસ કરીને વોટરજેટ, એરજેટ અને રેપિયર લુમ્સમાં વધારે રોકાણ કરી રહયાં છે. સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી હવે ઘણી બદલાઇ રહી છે. દસથી પંદર વર્ષ પહેલા ચેમ્બરનું એક ડેલીગેશન જ્યારે ચાઇના ગયું હતું ત્યારે આ મશીનો માત્ર ફોટામાં જોવા મળ્યા હતા. આજે આ તમામ મશીનો સુરતમાં આવી ગયા છે અને સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી આ મશીનોને રન કરવા માટે કેપેબલ બની છે.

વકતા આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૦ થી સમગ્ર એશિયામાં વિવિંગ સેકટરમાં રોકાણ વધ્યું છે. જેમાં વોટરજેટમાં ૪૮ ટકા, રેપિયરમાં ૩૧ ટકા તથા ર૧ ટકા એરજેટ લૂમ્સમાં રોકાણનો સમાવેશ થાય છે. માર્કેટમાં રૂપિયા ૧૦ હજાર કરોડના ફેબ્રિકસની તક ઉભી થઇ છે. વર્ષ ર૦૧૦ માં ગ્લોબલી મેન મેઇડ ફેબ્રિકસ ૪૧ ટકા હતું તે હવે વધીને ૪૮ ટકા થઇ ગયું છે. જ્યારે કોટન ઘટતું જાય છે. વિશ્વમાં એમએમએફનો શેર વધતો જાય છે અને એમએમએફ બનાવવા માટે વોટરજેટ સૌથી સારી ટેકનોલોજી છે, આથી મશીન સિલેકટ કરતી વખતે ઉદ્યોગકારોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કયા પ્રકારના ફેબ્રિકસ બનાવવાના છે ? તે નકકી કર્યા બાદ જ મશીન સિલેકટ કરવાની સલાહ તેમણે ઉદ્યોગકારોને આપી હતી. તેમણે રોબસ, હેવી બિટઅપ, વધારે વેઇટવાળા મશીન સિલેકટ કરવા જોઇએ તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં હજી ૪.૩પ લાખ હાઇસ્પીડ વિવિંગ મશીન જોઇએ છે. આગામી પાંચ વર્ષમાં ૧.૮૦ લાખ વોટરજેટ, ૬૦ હજાર રેપિયર અને ૬ હજાર એરજેટ મશીનની જરૂર છે. આથી આગામી દિવસોમાં વિવિંગ સેકટરમાં રૂપિયા ૪૦ હજાર કરોડનું રોકાણ આવશે. તેમણે કહયું હતું કે, પોલિએસ્ટર ટાફેટા ફેબ્રિકનો હવે ટેકિનકલ ટેકસટાઇલમાં ઉપયોગ થાય છે. મિકેનિકલી સ્ટ્રેચ યાર્ન ફેબ્રિકસ ભારત માટે નવું છે પણ વિશ્વમાં તેનો વપરાશ થાય છે. એનાથી ટુ વે સ્ટ્રેચેબલ ફેબ્રિક બને છે. કોવિડ પછી પોલિએસ્ટર બેડશિટની માંગ વધી છે. તેમણે કવર્ડ ઇલાસ્ટીક યાર્ન ફેબ્રિકસ અને ઇન્ટરલોક ટ્‌વીસ્ટેડ યાર્ન ફેબ્રિકસ વિષે માહિતી આપી હતી.

વકતા કિશોર કુકડીયાએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિવિંગ સેકટરમાં વપરાતા રેપિયર મશીન ૪૦૦ આરપીએમ સુધી જઇ શકે એવી સામાન્ય ધારણા છે, પરંતુ હવે રેપિયર મશીન ૭પ૦ આરપીએમ સુધી જઇ શકે છે. જેકાર્ડમાં નવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે જ સુપર જમ્બો જેકાર્ડમાં પણ નવું ડેવલપમેન્ટ કરાયું છે. ખાસ કરીને ગ્રીપરમાં ડેવલપમેન્ટ થયું છે. સુરતમાં નેગેટીવ ગ્રીપર ચાલે છે પણ મશીનમાં પોઝીટીવ ગ્રીપર પણ ચાલે છે. આ મશીનમાં ફિલીંગ કટરમાં જુદા–જુદા વિકલ્પ છે. મિકેનિકલ ફિલીંગ કટર સુરતમાં વધારે ચાલે છે. આનાથી સાડી, બ્લેન્કેટ વિગેરેને કટ કરવામાં કટીંગ પરફેકટ મળતું હોય છે.

એરજેટ મશીનમાં થયેલા ડેવલપમેન્ટને કારણે લોઅર પ્રેશર પર કામ કરી શકાય છે. આ મશીનમાં બિટપ મિકેનિકઝમમાં મેજર બદલાવ કરવામાં આવ્યો છે. જેને કારણે વાઇબ્રેશન ઓછી આવે છે અને પ્રેકટીકલ સ્પીડ વધી છે. ફીડરમાં પણ નવું ડેવલપમેન્ટ કરાયું છે. એકથી દોઢ ટકા વેસ્ટેજ મેઇન્ટેઇન કરી શકાય છે. એરજેટમાં ફીડરની સાથે સેપરેટ વેન્ડીંગ આપવામાં આવી છે, જે ફિલીંગ સ્ટોપ કન્ટ્રોલ કરે છે અને તેનાથી મશીનની એફિશિયન્સી વધે છે. આ મશીન ઉપર અઠવાડિયાનું કુલ કન્ઝમ્પશન જાણી શકાય છે.

વકતા પરિમલ વખારીયાએ જણાવ્યું હતું કે, ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં સ્કીલ જરૂરી નથી. એના માટે માત્ર ડિઝાઇનીંગ અને ક્રિએટીવિટીની જરૂર પડે છે. આ બંને વ્યવસ્થિત હોય એટલે એક બટન દબાવવાથી ડિજીટલ પ્રિન્ટીંગ થઇ જાય છે. બાંગ્લાદેશમાં ૧પ થી ર૦ લાખ મીટર કપડું વેચાય છે. ડિજીટલ પ્રિન્ટીંગ હવે પોતાની જગ્યા બનાવી રહયું છે. સારું ક્રિએશન છે ત્યાં ડિજીટલ પ્રિન્ટીંગવાળાને ડિઝાઇનીંગ કોસ્ટ આવતી નથી. સાઉથની સાડી, કોલકાતાની સાડી અને દુપટ્ટા વિગેરેમાં માસ્ટરી મેળવી લેવાશે તો મુશ્કેલી નહીં આવશે.

ઇન્ડસ્ટ્રીની ચેલેન્જીસ એ છે કે જોબવર્ક કરનારા હવે ડિજીટલ પ્રિન્ટીંગ મશીન નાંખી રહયા છે. તેમની સામે મુશ્કેલી એ છે કે તેઓને ડાયરેકટ માર્કેટીંગમાં જવું પડશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ નબળું પડી રહયું છે ત્યારે ડિજીટલ પ્રિન્ટીંગ આગળ વધી રહયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું અને વકતાઓનો પરિચય પણ આપ્યો હતો. ચેમ્બરના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ સેમિનારમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ભરત ગાંધી ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે પ્રાસંગિક વિધી કરી હતી. સેમિનારમાં વકતાઓએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button