સુરત

ચેમ્બર દ્વારા અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેકસ (એકઝમ્પ્ટ) તથા સીએ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગકારો સાથે ઈન્ટરેકટીવ મિટિંગ યોજાઈ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧૬ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઇન્કમ ટેકસ ઓફિસરો તથા સીએ પ્રોફેશનલો અને ઉદ્યોગકારો સાથે ઈન્ટરેકટીવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેકસ (એકઝમ્પ્ટ) એ. આર. ગોખે તથા વાર્ડ સુરતના ઇન્કમ ટેકસ ઓફિસર (એકઝમ્પ્ટ) જી. એચ. પરમાર અને સુરતના ઇન્કમ ટેકસ ઓફિસર વલ્લભ રાજન ઉપસ્થિત રહ્યાં હતાં.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ મિટિંગમાં સર્વેને આવકાર્યા હતા અને ઉદ્યોગ – ધંધાના વિકાસ હેતુ તથા તેને નડતી મુશ્કેલીઓના નિવારણ માટે વિવિધ સ્તરે રજૂઆતો કરતી ચેમ્બરની પ્રવૃત્તિઓ વિષે ઇન્કમ ટેક્‌સના અધિકારીઓને વાકેફ કર્યા હતા.

આ મિટિંગમાં ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાઓ, ૮૦ જી, શૈક્ષણીક અને મેડીકલ સેવા આપતી ૧૦ (ર૩ સી)નો લાભ લેતી સંસ્થાઓ અને રીસર્ચ કાર્ય કરનારી ૩પ (૧) વાળી સંસ્થાઓને ઇન્કમ ટેકસના રજીસ્ટ્રેશન અને અન્ય કોમ્પ્લાયન્સિસમાં પડતી તકલીફો અંગેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેકસ (એકઝમ્પ્ટ) એ. આર. ગોખેએ સંસ્થાઓને પડતી વિવિધ તકલીફોનું નિવારણ લાવવા હેતુ તેમના તરફથી પુરતો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે સંસ્થાઓ અને તેમના કન્સલ્ટન્ટ દ્વારા સંસ્થાઓના તમામ પ્રશ્નો ચેમ્બરના માધ્યમથી લેખિતમાં તેઓને મોકલી આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ અમદાવાદ એકઝમ્પશન કમિશનરના નેજા હેઠળ સંસ્થાઓના તમામ પ્રશ્નોનું નિવારણ લાવવાની તેમણે બાંયધરી આપી હતી.

આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ વસંત બચકાનીવાલા, સીએ પી. એમ. શાહ, ભરત ગાંધી અને તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા સીએ પ્રોફેશનલ્સ અને ચેમ્બરના ગૃપ ચેરમેન અનુજ જરીવાલા ઉપસ્થિત રહ્યાં હતાં. સુરત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનનાં પદાધિકારીઓ પણ આ મિટીંગમાં જોડાયા હતા.

મિટિંગમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ પ્રાસંગિક વિધિ કરી હતી. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે મિટિંગનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસીયાએ અંતે સર્વેનો આભાર માની મિટિંગનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button