એજ્યુકેશનસુરત

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર્ટ ફિએસ્ટા વર્કશોપ યોજાયો

મહિલા સાહસિકોને વર્કશોપમાં જૂની ડેનિમ જીન્સને પેઇન્ટ કરી વધુ આકર્ષક બનાવવાનું શીખવવામાં આવ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે  નોમાડ્‌સ કેફે, ડુમસ રોડ, સુરત ખાતે આર્ટ ફિએસ્ટા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારી રપ જેટલી મહિલા સાહસિકો અને ૩૦ થી વધુ મુલાકાતીઓને જૂની ડેનિમ જીન્સને પેઇન્ટ કરી વધુ આકર્ષક બનાવવાનું, કાચની વેસ્ટ બોટલને ફરીથી ઉપયોગમાં લેવાનું, સ્કાફ જેવા ફેબ્રિક ઉપર ઓર્ગેનિક કલરથી પેઇન્ટ કરી વધુ આકર્ષક બનાવવાનું અને જૂની કાચની બોટલને ડોટ મંડલા આર્ટ થકી ધ્યાન માટેના અગત્યના સાહિત્યમાં રૂપાંતરિત કરવાનું શીખવવામાં આવ્યું હતું.

Style your Denim વર્કશોપમાં ભાગ લેનારી મહિલા સાહસિકોને નિષ્ણાત ફેબ્રિક આર્ટિસ્ટના નિરીક્ષણ હેઠળ જૂના ડેનિમ જીન્સને વધુ સ્ટાઇલિશ ડેનિમ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્ટ્રકટર માનસી વિરાણી દ્વારા ડેનિમને કેવી રીતે રંગવું જોઇએ ? એના ઉપર વિવિધ સરળ પેટર્નથી ડિઝાઇન કેવી રીતે દોરવી ? કયા રંગોનો ઉપયોગ કરવો અને એ રંગો એની ઉપર કેવી રીતે લગાવવા ? હેન્ડ પેઈન્ટીંગ પહેલા અને પછી ડેનિમની સંભાળ કેવી રીતે રાખવી ? વિગેરે બાબતો શીખવવામાં આવી હતી. ડેનિમ પર વધુ સરળ એપ્લિકેશન માટે હળવા રંગોનો ઉપયોગ કરવાનું ઇન્સ્ટ્રકટર દ્વારા મહિલા સાહસિકોને શીખવવામાં આવ્યું હતું.

Upcycle your Glass Bottle વર્કશોપમાં ભાગ લેનારી મહિલા સાહસિકોને જૂની કાચની બોટલોને અલગ–અલગ ગ્લાસમાં રૂપાંતરિત કરવાનું શીખવવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્ટ્રકટર મનિષ વ્યાસ દ્વારા જૂની કાચની ખાલી બોટલમાંથી પીવાના ગ્લાસ કેવી રીતે બનાવવા ? તે શીખવવામાં આવ્યું હતું. સસ્ટેનેબિલિટી માટે કાચની બોટલને અપસાયકલ કરી તેને પ્લેટર, પ્લાન્ટર, જાર, મગ અને પીવાના ગ્લાસ બનાવવામાં આવે છે. તેમણે મશીનથી ગ્લાસને કટ કરીને તેને કેવી રીતે પોલીશ્ડ કરવો તેના વિષે માહિતી આપી હતી.

Create prints using natural dyes વર્કશોપમાં ભાગ લેનારી મહિલા સાહસિકોને કુદરતી રંગોનો ઉપયોગ કરીને પોતાની એક પ્રકારની બોટનિકલ પ્રિન્ટેડ સ્ટોલ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. ઇન્સ્ટ્રકટર ટ્‌વીન્કલ સુરાના દ્વારા ફૂડ સ્ક્રેપ્સ, ફૂલો અને અન્ય કુદરતી રંગની સામગ્રીને અદભૂત પ્રિન્ટમાં ફેરવવાની કળા શીખવવામાં આવી હતી. પ્રિન્ટીંગ પહેલા ફેબ્રિકને કેવી રીતે તૈયાર કરવું ? વિવિધ પ્રકારની કુદરતી રંગની સામગ્રી કેવી રીતે મેળવવી ? પ્રિન્ટ બનાવવાની વિવિધ રીતો, રંગોને કેવી રીતે ઠીક કરવા ? અને વોશકેરના ઉપયોગ વિષે શીખવવામાં આવ્યું હતું. ફેબ્રિક ઉપર રસપ્રદ રંગીન વસ્તુઓ જેવી કે ફૂલો તથા ખાદ્ય ચીજવસ્તુઓ જેમ કે ટી બેગ, ડુંગળીની છાલ અને દાડમની છાલ વિગેરેના ઓર્ગેનિક રંગોના ઉપયોગ વિષે જાણકારી આપવામાં આવી હતી.

Dot Mandala Art on waste bottle વર્કશોપમાં ભાગ લેનારી મહિલા સાહસિકોને ઇન્સ્ટ્રકટર કોમલ દેસાઇ દ્વારા જૂની કાચની બોટલને પ્લાન્ટર, ફૂલદાની, શો પીસ અને ઘણું બધું સુંદર ડોટ મંડલા આર્ટ પેઇન્ટિંગમાં ફેરવવાનું શીખવવામાં આવ્યું હતું. ઘણી બધી આધ્યાત્મિક પરંપરાઓમાં મંડલા આર્ટને ધ્યાન માટેના એક અગત્યના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઉપરોકત ચારેય પ્રકારના વર્કશોપમાં મહિલા સાહસિકો નવું શીખીને ખૂબ જ આનંદિત થઇ હતી અને તેમના દ્વારા આર્ટ કરાયેલી ચીજવસ્તુઓ પોતાની સાથે લઇ ગયા હતા. નોમાડ્‌સ કેફેના સંચાલક હિતેશભાઇને પણ આ વર્કશોપથી ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું હતું.

ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સેક્રેટરી શીખા મહેરાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ તથા સભ્ય રોશની ટેલર અને શીખા મહેરાએ ચારેય ઇન્સ્ટ્રકટરોનો પરિચય આપ્યો હતો. ઇન્સ્ટ્રકટરો દ્વારા મહિલા સાહસિકોના આર્ટને લઇને પુછવામાં આવેલા વિવિધ સવાલોના જવાબો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ વર્કશોપનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button