ગુજરાત ટેકસટાઇલ પોલિસી– ર૦૧૯ ને એમેન્ડ કરાઇ, હવે ટેકસટાઇલ એકમો રાજ્યની કોઇપણ સ્કીમમાં જરૂરિયાત પ્રમાણે લાભ લઇ શકશે
સપ્ટેમ્બર ર૦૧૮ થી જાન્યુઆરી ર૦૧૯ દરમ્યાન કાર્યરત થયેલા ટેકસટાઇલ એકમો કે જેઓએ એમએસએમઇની ર૦૧પ ની પોલિસીનો લાભ લેવા માટે અરજી આપી હોય તેઓ એમએસએમઇ ઇન્સેન્ટીવ સ્કીમ ર૦૧પ નો હવે લાભ લઇ શકશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તા. ૧૦ જાન્યુઆરી, ર૦૧૯ થી જાહેર થયેલી ‘સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફીક સેકટર ઇન ધી ટેકસટાઇલ વેલ્યુ ચેઇન’ સપ્ટેમ્બર– ર૦૧૮ થી અમલમાં હતી, જે સ્કીમ હજી પણ ચાલુ છે.
આ સ્કીમના પેરા ૮.૧૦ મુજબ કરેલી જોગવાઇ અનુસાર ટેકસટાઇલ વિવિંગ, નીટિંગ, એમ્બ્રોઇડરી, ટેકચ્યુરાઇઝીંગ વિગેરે જેવી પ્રવૃત્તિ કરતા એકમોને ગુજરાત સરકારની અન્ય કોઇ સ્કીમનો લાભ નહીં મળે તેવી જોગવાઇ હતી. આ જોગવાઇના કારણે ટેકસટાઇલ ઉદ્યોગકારો માત્ર ગુજરાત સરકારની ટેકસટાઇલ નીતિ– ર૦૧૯ માં જ અરજી કરી શકતા હતા અને માત્ર આ સ્કીમનો જ લાભ મેળવવાની જોગવાઇ હતી.
છેલ્લાં દોઢ વર્ષથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આ જોગવાઇ નાબૂદ કરી ટેકસટાઇલ ઉદ્યોગકારો ગુજરાત સરકારની કોઇપણ ઉદ્યોગ નીતિનો લાભ લઇ શકે તેવી જોગવાઇ લાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી, નાણાં મંત્રી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ, ઉદ્યોગ મંત્રી, ઉદ્યોગ સચિવ અને ઉદ્યોગ કમિશનરને સતત રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.
દરમ્યાન તા. રર/૦ર/ર૦રર ના રોજ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી ઉપરોકત સ્કીમના પેરા નં. ૮.૧૦ ને એમેન્ડ કરવામાં આવ્યું છે અને તેથી બ્લેકઆઉટ પિરિયડ (સપ્ટેમ્બર ર૦૧૮ થી જાન્યુઆરી ર૦૧૯) દરમ્યાન ટેકસટાઇલ એકમો કાર્યરત થયા હોય અને જેઓએ એમએસએમઇની ર૦૧પ ની પોલિસીનો લાભ લેવા માટે અરજી આપી હોય તેઓ એમએસએમઇ ઇન્સેન્ટીવ સ્કીમ ર૦૧પ નો હવે લાભ લઇ શકશે.
આથી હવે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ, ટેકનીકલ ટેકસટાઇલ, મેડ–અપ્સ, વિવિંગ, નીટિંગ, એમ્બ્રોઇડરી, ટેકચ્યુરાઇઝીંગ વિગેરે પ્રવૃત્તિ કરતા ટેકસટાઇલ એકમો ગુજરાત રાજ્યની કોઇપણ હયાત ઉદ્યોગ નીતિનો લાભ લઇ શકશે.
આ તબકકે ચેમ્બર દ્વારા રાજ્યના મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઉદ્યોગ સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા અને સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.કે. લાદાણીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.