સુરત, 25 નવેમ્બર, 2022: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હજીરામાં અને તેમના સ્ટીલ પ્લાન્ટની નજીક આવેલા અન્ય ગામોમાં ઘરઆંગણે તબીબી સેવા પૂરી પાડવા માટે મોબાઈલ મેડિકલ યુનિટની શરૂઆત કરી છે.
આ મોબાઈલ મેડિકલ યુનિટ, AM/NS Indiaની સીએસઆર શાખા અને હેલ્પેજ ઈન્ડિયાનો સયુંકત પહેલ છે. આ યુનિટ સ્ફીગમોમેનોમીટર, સેમ્પલ કલેક્શન ડિવાઈસીસ, વેઈંગ સ્કેલ અને અન્ય સાધનોથી સજ્જ છે, જે ગ્રામવાસીઓને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી સેવા પૂરી પાડશે. વિવિધ ગામોની મુલાકાત દરમ્યાન મોબાઈલ મેડિકલ યુનિટની સાથે એક ડોક્ટર હાજર રહેશે અને ગ્રામવાસીઓને સેવા પૂરી પાડશે. દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
AM/NS Indiaના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના હેડ ડો. અનિલ મટૂ, AM/NS Indiaમાં સીએસઆર શાખાના હેડ, ડો. વિકાસ યદવેન્દુ અને CNH, હજીરાના ડો. બ્રિજેશ શુક્લએ AM/NS Indiaના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં આ મોબાઈલ મેડિકલ યુનિટને લીલીઝંડી આપી હતી.
આ પ્રસંગે ડો. મટૂએ જણાવ્યું હતું કે “આરોગ્ય એ સીએસઆર પ્રવૃત્તિઓનું મહત્વનું ક્ષેત્ર છે. મોબાઈલ યુનિટનો ઉદ્દેશ પ્રિવેન્ટીવ હેલ્થકેર સર્વિસીસ પૂરી પાડીને સ્થાનિક સમુદાયોમાં આરોગ્યને પ્રોત્સાહન આપવાનો છે. આ મુદ્દો અમારી તમામ સીએસઆર પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટસમાં કેન્દ્ર સ્થાને રહે છે. મોબાઈલ મેડિકલ યુનિટથી નજીકના ગામોમાં તબીબી સેવા આપવાની પ્રવૃત્તિને વેગ મળશે.”
આ મોબાઈલ મેડિકલ યુનિટ હજીરા વિસ્તારની આસપાસના તમામ ગામોને આવરી લેશે.