સુરતઃ અદાણી હજીરા પોર્ટે ક્વોલીટી સર્કલ ફોરમમાં 13 એવોર્ડસ જીતી મેદાન માર્યુ છે. ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા- સુરત ચેપ્ટર દ્વારા બારડોલીની આર.એન.જી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (RNGPIT) એન્જિનીયરીંગ કોલેજ ખાતે ક્વોલિટી કન્સેપ્ટ ઉપર પાંચમું કન્વેન્શન યોજાયું હતું. જેમાં સુરત વિસ્તારની વિવિધ કંપનીઓની 57 ટીમ દ્વારા પ્રોડક્ટ્સની ગુણવત્તા ઉપર ચર્ચા કરીને વિવિધ કેટેગરીમાં ઈનામ અપાયા હતા. જેમાં અદાણી હજીરા પોર્ટની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો જે પૈકી 12 ગોલ્ડ અને 1 ટીમ સિલ્વર મેડલ વિજેતા બની હતી.
અદાણી પોર્ટ સુરક્ષા વિભાગના વડા રૂપેશ જામ્બુડીએ ટીમને આપેલી ટ્રીક્સે તેમને વિજેતા બનાવવામાં મહત્વની રહી હતી. વધુમાં અદાણી પોર્ટ એચઆર વિભાગે પણ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. સૌના સહીયારા પ્રયત્નથી 13 પૈકી 12 ટીમ ગોલ્ડ એવોર્ડ અને એક ટીમ સીલ્વર એવોર્ડ વિજેતા જાહેર થઈ હતી. આ સ્પર્ધામાં અદાણી હજીરા પોર્ટના ડ્રાય કાર્ગો ટર્મિનલ, લીકવીડ ટર્મિનલ, કન્ટેનર ટર્મિનલ અને સીકયુરીટી વિભાગની ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સુરત હજીરા સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલા વિવિધ મહાકાય ઉદ્યોગગૃહોની કુલ 57 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ઉદ્યોગોમાં અપનાવવામાં આવેલા વિવિધ ક્વોલિટી સર્કલ અને એલાઈડ સર્કલ વિશેની કેસ સ્ટડીઝનાં પ્રેઝન્ટેશનના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. QCFI સુરત ચેપ્ટરના ચેરમેન એલ કે. ડુંગરાણીએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.