બારડોલી: આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને આજે બારડોલી લોકસભામાં પણ વ્યારા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી લોકસભામાં વ્યારા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં બારડોલી લોકસભાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી બારડોલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી હાલ ઇન્ડિયા એલાયન્સમાં સભ્ય છે, માટે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સ સમક્ષ બારડોલીની સીટ માંગી છે. આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છે અને બારડોલી લોકસભા સીટ પર પણ એક મજબૂત ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
ત્યારબાદ ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બારડોલી લોકસભામાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કોંગ્રેસ કરતા સારું રહ્યું છે. અહીંયા આમ આદમી પાર્ટીનું સંગઠન પણ ઘણું મજબૂત છે. આજે અમે સંગઠનના સાથીઓને અને દાવેદારોને મળ્યા છીએ. અમારું માનવું છે કે જેટલા ઝડપથી ઉમેદવારનો નિર્ણય લેવામાં આવે એટલું ચૂંટણી લડવામાં આસાની રહેશે. માટે જો કોંગ્રેસ નિર્ણય લેવામાં સમય પસાર કરશે તો આમ આદમી પાર્ટી બારડોલી લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે.