સુરત

સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને બાંગ્લાદેશ ખાતે બિઝનેસ વધારવા સ્થાનિક એસોસીએશન મદદ કરશે

SGCCI ના હોદ્દેદારોની ઢાકા ખાતે બાંગ્લાદેશના સૌથી મોટામાં મોટું એસોસીએશન BGMEA ના પ્રમુખ ફારૂક હસન તથા હોદ્દેદારો સાથે મિટીંગ મળી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ITTF ના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતે ગુરૂવાર, તા. ૧ર જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ ઢાકા ખાતે બાંગ્લાદેશના સૌથી મોટામાં મોટું એસોસીએશન BGMEA (બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસીએશન)ના પ્રમુખ ફારૂક હસન તથા એસોસીએશનના અન્ય હોદ્દેદારો સાથે મિટીંગ કરી હતી.

ચેમ્બરના ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસીએશનના પ્રમુખ ફારૂક હસન તથા અન્ય હોદ્દેદારોએ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. ખાસ કરીને સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ઢાકા ખાતે વિવિધ ફેબ્રિકસના એક્ષ્પોર્ટ માટે સ્થાનિક બાયર્સના સંપર્ક કરાવી આપશે. તદુપરાંત સુરતના ઉદ્યોગકારોને બિઝનેસ શરૂ કરવા માટે પણ તેઓ જરૂરી તમામ મદદ કરશે.

તદુપરાંત ચેમ્બર ઓફ કોમર્સના બાંગ્લાદેશ ખાતેના પ્રતિનિધિ બિન્તી જહાન પણ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તથા વેપારીઓને બાંગ્લાદેશ ખાતે બિઝનેસ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપશે.

આ મિટીંગમાં ટેક્ષ્ટાઇલની સમગ્ર વેલ્યુ ચેઇનને ડેવલપ કરવા માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સુરતના ઉદ્યોગકારો પોતાના વિવિધ ફેબ્રિકસને બાંગ્લાદેશ ખાતે સરળતાથી ડિસ્પ્લે કરી શકે તે માટે એક સેન્ટર ઉભું કરવા, ચેમ્બર ઓફ કોમર્સ પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ વેપારીઓ તથા કાપડના આયાતકારો સમક્ષ બાંગ્લાદેશના ગારમેન્ટને પ્રદર્શિત કરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી શકે છે તેનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસીએશન દ્વારા ઢાકા ખાતે મેન મેઇડ ફેબ્રિકસની જાણકારી આપવા હેતુ નોલેજ સેન્ટર ઉભું કરવામાં આવશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાંગ્લાદેશના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ માટે મોડર્ન ટેક્ષ્ટાઇલ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે તે અંગે મહત્વની ચર્ચા થઇ હતી. એકબીજાના નોલેજ શેરીંગ માટે બંને એસોસીએશન એમઓયુ કરશે તેમ મિટીંગમાં નકકી થયું હતું.

બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સને કયા – કયા પ્રકારના ફેબ્રિકસની જરૂરિયાત છે તેના સેમ્પલો પણ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. ચેમ્બર દ્વારા સુરતમાં જીએફઆરઆરસી ખાતે આ સેમ્પલોને ડિસ્પ્લે કરી સુરતના કાપડ ઉત્પાદકોને તેના વિષે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી કરીને તેઓ બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સને જોઇતા ફેબ્રિકસ બનાવી એક્ષ્પોર્ટ કરી શકે.

આ મિટીંગમાં BGMEA ના પ્રમુખ ફારૂક હસને જણાવ્યું હતું કે, હાલમાં બાંગ્લાદેશનું ગારમેન્ટ કોટન બેઇઝ છે પણ હવે એ ધીમે ધીમે મેન મેઇડ ફેબ્રિકસ તરફ ડાયવર્ટ થવા જઇ રહયું છે ત્યારે આ તકનો લાભ લેવા માટે સુરતે એગ્રેસીવ થવાની જરૂર છે. બાંગ્લાદેશના માર્કેટમાં સુરતે પ્રવેશ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એપ્રિલ– ર૦ર૩ માં સુરત ખાતે યોજાનારા ટેક્ષ્ટાઇલ એકઝીબીશનમાં મુલાકાતાર્થે બીજીએમઇએના પ્રમુખ અને વેપારીઓ સહિતના બાંગ્લાદેશ ડેલીગેશનને આમંત્રણ આપ્યું હતું, જેને બીજીએમઇએના હોદ્દેદારોએ સહર્ષ સ્વીકાર્યું હતું અને તેઓ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુલાકાત માટે ચોકકસ આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button