બિઝનેસસુરત

ચેમ્બર ઓફ કોમર્સ અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આઇપીઓપ્રિન્યોર્સ ર.૦ યોજાઇ

પાંચ કંપનીઓએ IPO લાવવા સંકલ્પ લીધો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૪ જૂન ર૦ર૩ ના રોજ સાંજે પઃ૩૦ કલાકે અગર એકઝોટિકા, ડીપીએસ સ્કૂલ પાસે, ડુમસ રોડ, સુરત ખાતે ‘આઇપીઓપ્રિન્યોર્સ ર.૦’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફાઉન્ડીંગ પ્રમોટર એન્ડ મેનેજિંગ ડિરેકટર અશ્વિન દેસાઇ ઉપસ્થિત રહયા હતા અને ઉદ્યોગ સાહસિકોને સંબોધન કર્યું હતું.

નિષ્ણાંત વકતાઓ તરીકે જૈનમ બ્રોકીંગ લિમિટેડના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર મિલન પરીખ, સ્ટીમ હાઉસ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર વિશાલ બુધિયા, અજમેરા ફેશન પ્રા.લિ.ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર અજય અજમેરા અને હેમ સિકયુરિટીઝ લિમિટેડના ડાયરેકટર સીએ ગૌરવ જૈન દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને આઇપીઓ મેળવવા મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના આયોજન માટે ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અશ્વિન દેસાઇએ જણાવ્યું હતું કે, એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની શરૂઆત ઝીરોથી થઇ હતી. તેમની પાસે જેટલા રૂપિયા હતા એ બધાનું રોકાણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કર્યું હતું. ભારતમાં જે કેમિકલ બનતા ન હતા તે કેમિકલ બનાવવાની શરૂઆત તેમણે કરી હતી. તેમણે કહયું હતું કે, આઇપીઓ મેળવવા માટે ઘણી મહેનત અને પ્રોસેસ કરવાની હોય છે. એના માટે કંપની ત્રણ વર્ષ જૂની હોવી જોઇએ અને બે વર્ષ તેને નફો રળેલો હોવો જોઇએ તેમજ કંપની પોઝીટીવ નેટવર્થ ધરાવતી હોવી જોઇએ. આઇપીઓ બાદ કંપનીની ઘણી બધી વસ્તુઓ બદલાઇ જાય છે. બિઝનેસમાં આગળ વધવા માટે કંપનીએ આઇપીઓ લાવવા ખરેખર જરૂરી છે. તેમણે આઇપીઓ લાવવા માટે મહત્વના ક્રાઇટેરીયા તેમજ લીસ્ટીંગના લાભો ઉદ્યોગકારોને જાણકારી આપી તેઓને અત્યારથી જ આઇપીઓ મેળવવા માટે તૈયારી કરવાની સલાહ આપી હતી.

મિલન પરીખે જણાવ્યું હતું કે, આઇપીઓ લાવવું થોડું અઘરું છે પણ અશકય નથી. એના માટે કંપનીનું નેટવર્થ પ્રોપર હોવું જોઇએ. કંપનીએ બુક ઓફ એકાઉન્ટ્‌સ વ્યવસ્થિત મેઇન્ટેન કરવી પડશે અને ઇન્કમ ટેક્ષ વ્યવસ્થિત રીતે ભરવો પડશે. આઇપીઓ માટે કંપનીએ બ્રાન્ડીંગ પર ધ્યાન આપવું પડશે. સાથે જ વ્યવસ્થિત રજૂઆત કરવી પડશે. વ્યવસ્થિત પ્રોફીટ બતાવવાને અને સંપૂર્ણ ટેક્ષ ભરવાને કારણે બેંકો લોન આપવા માટે તથા રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માટે સામેથી સંપર્ક કરતા થઇ જાય છે.

વિશાલ બુધિયાએ જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસીમાં તમામ પ્રોસેસ હાઉસને પોતાને ત્યાં સ્ટીમ પ્લાન્ટની જરૂર પડતી હતી, આથી તેમણે સ્ટીમ પ્લાન્ટ માટે યુનિક બિઝનેસ મોડલ બનાવ્યું હતું. તમામ પ્રોસેસ હાઉસને જે સ્ટીમ જોઇએ છે એ સ્ટીમ તેમણે પોતે બનાવવાનું શરૂ કર્યું અને તમામને સ્ટીમ સપ્લાય કરે છે. જેથી હવે પ્રોસેસ હાઉસને તેમના ત્યાં અલગથી સ્ટીમ પ્લાન્ટ રાખવાની જરૂરિયાત રહી નથી.

અજય અજમેરાએ જણાવ્યું હતું કે, હવે યુવાઓ ઉદ્યોગ સાહસિકતા માટે આગળ આવી રહયા છે. હાલ તેમની સાથે એક લાખથી પણ વધુ યુવા ઉદ્યોગ સાહસિકો નાના – નાના ગામડાઓમાંથી જોડાયેલા છે. એમાં ૩૦ ટકાથી પણ વધુ મહિલા સાહસિકોનો સમાવેશ થાય છે. આ બધા હવે નાના – નાના ઉદ્યોગો શરૂ કરીને બિઝનેસને આગળ વધારવા માટે મહેનત કરી રહયા છે.

સીએ ગૌરવ જૈને કંપનીને આઇપીઓ લાવવા માટે એલિજીબિલિટી ક્રાઇટેરીયા અને તેના લાભો વિષે માહિતી આપી હતી. તેમણે ઉદ્યોગકારોને become limited, get listed and grow unlimited તરીકેનું સ્લોગન સાથે બિઝનેસમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

ઉદ્યોગપતિ અશ્વિન દેસાઇ અને એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમોટર તેમજ હોલ ટાઇમ ડાયરેકટર રોહન દેસાઇ સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ દરમ્યાન તેમણે ઉદ્યોગકારોની વિવિધ મુંઝવણો દુર કરી હતી.

કાર્યક્રમમાં અજમેરા ફેશન પ્રા.લિ., જૈનમ બ્રોકીંગ લિ., મેજીક્રિટી બિલ્ડિંગ સોલ્યુશન્સ પ્રા.લિ., નવિતાસ ગ્રીન સોલ્યુશન્સ પ્રા.લિ. અને સ્ટીમ હાઉસ ઇન્ડિયા લિ. સંચાલકોએ આઇપીઓ લાવવા માટે સંકલ્પ લીધો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના પ્રમુખ મહેશ મિત્તલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે કાર્યક્રમની થીમ વિષે માહિતી આપી હતી. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના સભ્યો આશિષ પારેખ અને પ્રગ્નેશ સરૈયાને વકતાઓનો પરિચય આપ્યો હતો.

ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ સન્માન સમારોહનું સંચાલન કર્યું હતું. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન સંજય પંજાબી હાજર રહયા હતા તથા કો–ચેરમેન ડો. રાકેશ દોશીએ સમગ્ર કાર્યક્રમનું તેમજ સંવાદ અને સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમના આયોજન માટે હેમ સિકયુરિટીઝનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button