
સુરતઃ ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. પદગ્રહણ સમારોહ બાદ બપોરે રઃ૩૦ કલાકે યોજાયેલા આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી.
જેમાં સુરતના ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટેની જરૂરિયાતો અને તકો સમજવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.