સ્પોર્ટ્સ

 ‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભાગરૂપે સુરતના આંગણે આયોજિત ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’નો રંગારંગ શુભારંભ

તા.૧૮ થી ૨૦ સપ્ટે. દરમિયાન સ્પોર્ટસ કાર્નિવલમાં ગામઠી રમતોત્સવ, ફૂડ સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન: સુરત શહેર પોલીસનું ‘હથિયાર પ્રદર્શન’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું

સુરતઃરવિવારઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ ‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભાગરૂપે સુરતના વેસુ કેનાલ પાથ વે પર તા.૧૮ થી ૨૦ સપ્ટે. દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’નો રંગારંગ શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટસ કાર્નિવલના પ્રથમ દિને સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત ગામઠી રમતોત્સવમાં મોટી સંખ્યામાં સુરતીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જ્યારે અહીં સુરત શહેર પોલીસનું ‘હથિયાર પ્રદર્શન’ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રમતવીરોને પ્રોત્સાહિત કરવા કાર્નિવલમાં આયોજિત વિવિધ પરંપરાગત રમતોમાં ભાગ લીધો હતો, સાથોસાથ તેમણે ફૂડ સ્ટોલમાં ઉપલબ્ધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં યોજનારા ૩૬મી નેશનલ ગેમ્સની તૈયારીઓ ફક્ત ૯૦ દિવસના સમયગાળામાં ગુજરાતના રમત ગમત અને અન્ય વિભાગોના સહકાર અને સતત પ્રયત્નોથી પૂર્ણ કરવામાં આવી છે, જે એક ઐતિહાસિક ઘટના છે. લોકોમાં ૩૬મી નેશનલ ગેમ્સને લઈને જાગૃતતા, નિરોગી શરીરનું મહત્વ તેમજ યુવાનોમાં છુપાયેલી વિવિધ કળા-કૌશલ્યને ઉજાગર કરવાના આશયથી સુરતના આંગણે ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ યોજાઈ રહ્યો છે, ત્યારે નેશનલ ગેમ્સ પૂર્વે બાળકોને ભારતીય સંસ્કૃતિથી જોડવા અને તેમનો ઉત્સાહ વધારવા શરૂ કરાયેલી પરંપરાગત ગામઠી રમતોમાં સમગ્ર ગુજરાતની તમામ નાની મોટી શાળાઓના ૫૦ લાખ બાળકોએ ભાગ લીધો છે.

 તેમણે વધુમાં કહ્યું કે, આજે સુરતમાં કાર્નિવલના પ્રારંભે ગામઠી અને પરંપરાગત રમતો થકી સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગૃત કરવા અને આપણી પ્રાચીન ધરોહરથી આજની નવી પેઢીને માહિતગાર કરવાનું સકારાત્મક પગલું છે. કાર્નિવલ માટે પસંદગી પામેલા કેનાલ પાથ વે રોડની ગુણવત્તા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની છે. ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ની સફળતા માટે સુરત મહાનગરપાલિકાની સુચારૂ  તૈયારીઓ બદલ પાલિકા તંત્ર અને રમતગમત વિભાગને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મ્યુ. કમિશનરશ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજનાર ૩૬ નેશનલ ગેમ્સના ભાગરૂપે સુરતના ‘સ્પોર્ટસ કાર્નિવલ’માં ઉમટેલા સુરતીઓમાં નેશનલ ગેમ્સને વધાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગે તેવો છે. અહીં આયોજિત ફૂડ ફેસ્ટિવલ સુરતનો આજ સુધીનો સૌથી લાંબો ફૂડ ફેસ્ટિવલ બની રહેશે.

પાનીએ વધુમાં કહ્યું કે આગામી દિવસોમાં ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર અનેક ખેલાડીઓ સુરતના મહેમાન બનશે એમ જણાવી ગુજરાતના તમામ નાગરિકોમાં સ્પોર્ટ્સ કલ્ચર પ્રત્યે અનેરા ઉત્સાહનો સંચાર કરવા બદલ ગૃહરાજ્યમંત્રીશ્રીના પ્રયાસોને બિરદાવ્યા હતા.

નોંધનીય છે કે, ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના પ્રથમ દિવસે સાત ઠીકરી, એરોબિક્સ, ઝુમ્બા,સ્કેટિંગ, બેઝિક લાઈફ સપોર્ટ વર્કશોપ, સ્ટ્રીટ આર્ટ્સ, લાઈવ સ્કેચિંગ તેમજ નેશનલ ગેમ્સની વિવિધ રમતોની રંગોળી, લંગડી, કોથળા કૂદ, દોરડા કૂદ, લાઈવ મ્યુઝિક બેન્ડ, ડાર્ટ ગેમ્સ, દોરડા ખેંચ, પાસિંગ ધ બોલ, ટીમ વર્કની રમત ‘સાથી હાથ બઢાના’, હુલા હુપ, જેવી વિવિધ ગેમ્સમાં જોડાઈ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતના નાગરિકોએ રમતોત્સવને માણ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, અધિક પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશનર સરોજ કુમારી (એડમિન અને મુખ્ય મથક), પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કોર્પોરેટરો, પદાધિકારીઓ, પાલિકાની વિવિધ સમિતિના સભ્યો,અને મોટી સંખ્યામાં રમતપ્રેમી શહેરીજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button