સુરત

ચેમ્બર પ્રતિનિધિ મંડળે અમેરિકામાં વેસ્ટ વર્જિનિયાની સ્ટેટ એસેમ્બલી ખાતે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેનેટ મેમ્બરો સાથે મિટીંગ કરી

સુરતના ઉદ્યોગકારો વેસ્ટ વર્જિનિયામાં ફાર્મા અને સોલાર પ્રોડકટની શોર્ટેજ પૂર્ણ કરી શકે છે : રમેશ વઘાસિયા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર અને પૂર્વ માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓ અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની સાથે મુલાકાત કરી સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવાનો પ્રયાસ કરી રહયા છે. જેના ભાગ રૂપે સોમવાર, તા. ૧પ એપ્રિલ ર૦ર૪ના રોજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે અમેરિકામાં વેસ્ટ વર્જિનિયા રાજ્યની સ્ટેટ એસેમ્બલીની મુલાકાત લીધી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે અમેરિકાના સ્ટેટ કેપિટલમાં ગવર્નર હાઉસમાં પ્રેસિડેન્ટની કોન્ફરન્સ રૂમમાં ઇન્ટરેકટીવ મિટીંગ કરી હતી. જેમાં ત્યાંના સેનેટ મેમ્બર અને મેજોરીટી લીડર શ્રી ટોમ ટકુબો, સેનેટર ગ્લેન્ડીઝેફીઝ (ચેરમેન, ઇકોનોમિક ડેવલપમેન્ટ કમિટી), પ્રેસિડેન્ટ એન્ડ લેફટનન્ટ ગવર્નર ક્રેગ પી. બ્લેર, સરકારમાંથી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના કેબિનેટ સેક્રેટરી શ્રી જેમ્સ એમ. બેલી, ઇકોનોમિક ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના કેબિનેટ સેક્રેટરી શ્રી મીચ ગાર્મિશિયલ, હાઉસ ઓફ ડેલીગેટ્સ વેસ્ટ વર્જિનિયા લેજીસ્લેચરના શ્રી કલે રીલે તથા દસ અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ આ મિટીંગમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની વિગતો આપી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા વેસ્ટ વર્જિનિયા રાજ્યની સ્ટેટ એસેમ્બલીના ગર્વમેન્ટ ઓફિશિયલ્સ બંને સાથે મળીને દ્વિપક્ષીય વેપારને વધારવા માટે શું કરી શકે છે તે અંગે વિગતવાર ચર્ચા થઇ હતી.

ચેમ્બર પ્રમુખે મિટીંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિકસેલા ઉદ્યોગ – ધંધાઓ, જીડીપી ગ્રોથ રેટ અને ડાયવર્સિફિકેશન ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીનો ચિતાર રજૂ કર્યો હતો. ઇકોનોમિક કો–ઓપરેશન વધારીને બંને પક્ષે એન્ગેજમેન્ટ સાધી ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે લાભ થાય અને બિઝનેસ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય તે અંગે સમગ્ર પિકચર રજૂ કર્યું હતું, જેને સરકારી અધિકારીઓ અને સેનેટ મેમ્બરોએ ખૂબ જ શાંતિથી અને ઉત્સુકતાથી સાંભળ્યું હતું અને ત્યારબાદ તેના ઉપર પ્રશ્નોત્તરી કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મિટીંગમાં વેસ્ટ વર્જિનિયામાં મેડીકલ ડિવાઇસિસ અને ફાર્મા પ્રોડકટની જે તંગી છે તેને પૂર્ણ કરવા માટે વિવિધ વિકલ્પો બાબતે ચર્ચા વિચારણા કરી આવનારા સમયમાં આ દિશામાં આગળ વધવાનું નકકી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને હાલ વેસ્ટ વર્જિનિયા રાજ્યમાં મેડીકલ ડિવાઇસિસ અને ફાર્મા પ્રોડકટની જે તંગી છે તેની ઉપર ચર્ચા કરી અમેરિકાના આ રાજ્યમાં ફાર્મા પ્રોડકટનું ઉત્પાદન કરી શકાય અથવા તો ભારતમાં ઉત્પાદિત થતી ફાર્મા પ્રોડકટ્સને આ રાજ્યમાં આયાત કરી શકાય તે દિશામાં મહત્વની ચર્ચા થઇ હતી.

તદુપરાંત ભારતમાં ઉત્પાદિત થયેલી એપીઆઇને વેસ્ટ વર્જિનિયા રાજ્યમાં લાવીને ફોર્મ્યુલેશન કરી પ્રોડકટ બનાવી ફાર્માસ્યુટિકલનું ઉત્પાદન કરી શકાય જેવા વિકલ્પો પર ચર્ચા વિચારણા કરાઇ હતી. આ દિશામાં વધુ માહિતીની આપ – લે કરીને વેસ્ટ વર્જિનિયા રાજ્યમાં સુરત તથા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો કોલાબોરેશન કરીને કેવી રીતે બિઝનેસ ડેવલપમેન્ટ કરી શકે તેના ઉપર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ આ મિટીંગમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ અને સેનેટ મેમ્બરોને જણાવ્યું હતું કે, સુરત સોલાર ક્ષેત્રે આખા ભારતમાં સૌથી વધારે સોલાર પેનલનું ઉત્પાદન કરે છે ત્યારે સુરતમાં ઉત્પાદિત સોલાર પેનલનું સુરતથી અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં એક્ષ્પોર્ટ કરી શકાય અથવા તો વેસ્ટ વર્જિનિયામાં સુરતના ઉદ્યોગકારોના કોલાબોરેશનમાં સોલાર પેનલ મેન્યુફેકચરીંગનો પ્લાન્ટ નાંખીને અહીં જ સોલાર પેનલનું ઉત્પાદન કરવામાં આવે અને આ પ્રોડકટને આખા અમેરિકામાં વેચી શકાય તેમ છે.

આ ઉપરાંત ચેમ્બર પ્રમુખે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝેશન કો–ઓપરેટીવ લિમિટેડ (IFFCO) દ્વારા ડેવલપ કરાયેલી યુનિક પ્રોડકટ ‘નેનો યુરિયા’ વિશે જાણકારી આપી હતી. એક બોરી યુરિયા ખાતરને બદલે અડધા લીટર નૈનો યુરિયાની બોટલ ખેડૂતો માટે પૂરતી રહે છે. યુરિયાની એક બોરી કરતા આ પ્રોડકટ ભાવમાં સસ્તી છે. દરેક વર્ગના ખેડૂતો નેનો યુરિયાના ઉપયોગથી પાકોનું ઉત્પાદન વધારે છે અને તેઓની આવક પણ વધે છે. આના થકી પાકમાં પોષક તત્વોની ગુણવત્તામાં સુધારો થાય છે, જેથી લોકોને ન્યુટ્રિશનલ ખોરાક મળે છે. ભારત ઉપરાંત વિશ્વના જુદા–જુદા દેશોના ખેડૂતો પણ નેનો યુરિયાનો લાભ લઇ શકે તે માટે ભારતના  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થનાર આ યુનિક પ્રોડકટને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. વેસ્ટ વર્જિનિયા રાજ્યના ખેડૂતો પણ તેનો લાભ લઇ શકે તે માટે નૈનો યુરિયાને ભારતથી વેસ્ટ વર્જિનિયા ઇમ્પોર્ટ કરી શકાય છે તેમ ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું.

અમેરિકાના વેસ્ટ વર્જિનિયા રાજ્યનું ઓફિશિયલ ડેલીગેશન સુરત આવે અને અહીંના ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત કરી ભવિષ્યની તકો ચકાસે તે માટે ચેમ્બર પ્રમુખે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેનેટ મેમ્બરોને આમંત્રણ આપ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. એવી જ રીતે સુરતના ઉદ્યોગકારોનું એક ડેલીગેશન ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેસ્ટ વર્જિનિયા આવે અને અહીંના બિઝનેસમેનો સાથે વન ટુ વન મિટીંગ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ માટેની સંભાવનાઓ ચકાસે તે માટે ચેમ્બર પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળની સાથે અમેરિકાના મોટા ગજાના ઉદ્યોગપતિઓ શ્રી રશીદભાઇ અજીજ (Managing Director, International Insight Solutions LLC, Chicago),  સાદભાઇ અજીજ (CEO, Nuvomed) અને  નીતિન કુમાર પણ જોડાયા હતા અને જુદા–જુદા બિઝનેસની તકો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી આગળ વધવા સહમત થયા હતા.

સેનેટ મેમ્બર શ્રી ટોમ ટકુબો અને લેફટનન્ટ ગવર્નર શ્રી ક્રેગ પી. બ્લેર સહિત તેમના સેક્રેટરીએટના અધિકારીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક સુરતની ઇકોનોમિને સાંભળીને ચેમ્બર ઓફ કોમર્સના મહત્વાકાંક્ષી વિઝન SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને આવકાર્યું હતું અને આવનારા સમયમાં પણ તેને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ વેસ્ટ વર્જિનિયા રાજ્યની સ્ટેટ એસેમ્બલીના ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેનેટ મેમ્બરોને મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.

મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.

મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button