સુરતઃ ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. રપ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઓવરવ્યુ ઓફ અનલોકિંગ ધ પાવર ઓફ ઈન્ડસ્ટ્રી ૪.૦ ફોર ધ બિઝનેસ’વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે જોય શાહે ‘ઈન્ડસ્ટ્રી ૪.૦ તથા એના ઓવરવ્યુ અને ઇવોલ્યુશન’અંગે, પ્રણવ લાપસીવાલાએ ‘‘ધ કોર ઓફ ઈન્ડસ્ટ્રી ૪.૦ : કોન્સેપ્ટ, કન્ટેન્ટ અને સાયબર સિકયુરિટી’વિશે, અશ્વિન સવાણીએ ‘ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સ સાથે સ્માર્ટ મેન્યુફેકચરીંગ : બુસ્ટીંગ એફિશિયન્સી અને પ્રોફિટેબિલિટી’અંગે, કુન્તેશ રાદડિયાએ ‘કોન્સેપ્ટથી રિયાલિટી સુધીઃ બિઝનેસમાં થ્રીડી પ્રિન્ટીંગ’વિશે અને વત્સલ દેસાઇએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/મશીન લર્નિંગનું પોટેન્શીયલ : ચેટજીપીટી અને બિઝનેસમાં તેની ઉપયોગિતા સંદર્ભે ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપી હતી.
જોય શાહે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રી ૧.૦, ર.૦ અને ૩.૦ માત્ર ઉદ્યોગોની સાથે સંબંધિત હતું પણ ઈન્ડસ્ટ્રી ૪.૦ એ ઈન્ડસ્ટ્રી ઉપરાંત વિવિધ લોકો, જન સમુદાય સાથે જોડાયેલું છે. તેમણે ઈન્ડસ્ટ્રી ૪.૦ના વિવિધ તત્વો જેમ કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/મશીન લર્નિંગ, આઇઆઇઓટી/સેન્સર્સ, થ્રીડી પ્રિન્ટીંગ, સાયબર સિકયુરિટી, બ્લોક ચેઇન, બિગ ડાટા એનાલિટીકસ, કનેકટીવિટી અને કલાઉડ વિશે માહિતી આપી હતી. સાથે જ તેમણે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટે ઉપયોગી પ્રોસેસ પ્લાન્ટ વિશે ઉદ્યોગકારોને માહિતગાર કર્યા હતા.
પ્રણવ લાપસીવાલાએ ઈન્ડસ્ટ્રી ૪.૦ના ડિઝાઈન પ્રિન્સિપલ ઈન્ટરપેરાબિલિટી, વર્ચ્યુલાઈઝેશન, ડિસેન્ટ્રલાઈઝેશન અને રિયલ ટાઈમ કેપેબિલિટી, સર્વિસ ઓરિએન્ટેશન વિશે માહિતી આપી હતી. ઈન્ડસ્ટ્રીના રિવોલ્યુશનમાં ઈન્ફોરમેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીના વિવિધ પ્લેટફોર્મ યાહુ, વર્લ્ડ વાઈડ વેબ, ગુગલ, એમેઝોન, યુટ્યુબ, ફેસબુક અને ટિ્વટરની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. તેમણે સાયબર–ફિઝીકલ સિસ્ટમ એક જગ્યાથી અન્ય જગ્યા પર ચાલતા કાર્યના નિરીક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું.
અશ્વિન સવાણીએ જણાવ્યું હતું કે, વારસાગત બિઝનેસમાં યુવા ઉદ્યોગકારો હવે ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો ઉપયોગ કરે છે. જેમાં ઉદ્યોગ સાહસિકો પોતાની રીતે મિકેનિકલ અને ઈલેકટ્રોનિકસ સાધનોનો ઉપયોગ કરે છે. તેમણે પીસીએલ/સ્કાડા, ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓફ થિન્ગ્સ વિશે વધુ માહિતી આપી હતી. તેમણે ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સના ઉપયોગ થકી થતા ફાયદા જેવા કે કાર્યક્ષમતામાં સુધારો, ખામીઓ ઓછી થવી, ખર્ચમાં ઘટાડો થવો, વધુ સુરક્ષિત થવું, સ્માર્ટ મશીનનો વધુ ઉપયોગ કરવો અને પ્રિવેન્ટીવ મેન્ટેનન્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કુન્તેશ રાદડિયાએ ‘કોન્સેપ્ટથી રિયાલિટી સુધીઃ બિઝનેસમાં થ્રીડી પ્રિન્ટીંગ’ વિશે માહિતી આપી હતી. તેમણે થ્રીડી પ્રિન્ટીંગ કેવી રીતે કાર્ય કરે છે તે અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હેલ્થકેર એડિટિવ મેન્યુફેકચરિંગનું માર્કેટ વર્ષ ર૦ર૧માં ૧.પર બિલિયન યુએસ ડોલર પર હતું, જે વર્ષ ર૦૩૦ સુધીમાં ૭.૭૮ બિલિયન યુએસ ડોલર પર પહોંચી જશે.
વત્સલ દેસાઈએ જણાવ્યું હતું કે, ચેટજીપીટીનો ઉપયોગ પ્રતિદિવસ વધી રહયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સંપર્કમાં ઓટો મોબાઈલ, એજ્યુકેશન, ગવર્નમેન્ટ, ગેમિંગ, ફાયનાન્સ, બિઝનેસ, હેલ્થકેર અને મેન્યુફેકચરિંગ જેવા તમામ ક્ષેત્રો છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલાઈમેન્ટ, લાર્જ લેન્ગ્વેજ મોડેલ્સ, જનરેટીવ પ્રિ–ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર્સ, રેઇન્ફોર્સમેન્ટ લર્નિંગ ફ્રોમ હયુમન ફિડબેક અને જનરેટીવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન બશીર મન્સુરીએ સ્વાગત પ્રવચન સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું અને તેમણે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર પણ માન્યો હતો. નિષ્ણાંત વકતાઓએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.