સરાક એટલે શ્રાવક : આજે મિશન સરક સેમિનાર, 23 આચાર્યો, 66 જૈન સમાજ અને 40 સંઘો હાજરી આપશે
ઇ.સ. 2000માં કલિકુંડ તીર્થોદ્વારક પૂજ્ય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરીજી મહારાજે કલિકુંડ (ધોળકા)થી અંદાજે 2000 કિલોમીટર દૂર સમેતશિખરજી મહાતીર્થની પદયાત્રા એટલે કે વિહાર કર્યો.
જેમાં 250 થી વધુ સાધુ, સાધ્વીજી ભગવંતો અને 1000 જેટલા શ્રાવકો હતા. સંઘની પૂર્ણાહુતિ બાદ ચાતુર્માસ શિખરજી તીર્થે કર્યુ. એ સમયે પૂજ્યશ્રીએ સરાક પરિવારો વિશે જાણકારી મેળવી. ત્યારથી આરંભીને આંશિક રીતે આ કાર્યનો પ્રારંભ થયો.
ઈ.સ. 2009માં આ કાર્યને વેગ મળે એ હેતુથી પૂજ્ય જૈનાચાર્ય રાજપરમસૂરિજી મહારાજ અને મુનિશ્રી રાજધર્મ વિજયજીને એ સરાક ગ્રામોમાં મોકલ્યા. આ સરાકપ્રજાની પ્રવૃત્તિ જોતાં ખ્યાલ આવ્યો કે આ તો જૈનત્વના રંગથી રંગાયેલી પ્રજા છે. માત્ર મહાત્માઓનો અને મંદિરોનો તેમને સંયોગ થયેલ નથી.
આ સરાકપ્રજાની શું વિશેષતા છે ? તેને જણાવતાં પૂજ્ય રાજપરમસૂરિજી મહારાજ અને પૂજ્ય રાજધર્મ વિજયજી મહારાજે બતાવ્યું કે..બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સામાં વસ્તી આ સરાક પ્રજા છે.પશ્ચિમ બંગાળમાં ‘વ’નો ઉચ્ચાર ન થતો હોવાથી શ્રાવકમામંથી ‘શ્રાક’ બન્યું અને તેમાંથી અપભ્રંશ થઇને ‘સરાક’બન્યું.
જૈનત્વના સંસ્કારોથી ઝળહળતી આ પ્રજા નોનવેજ કલ્ચરની વચ્ચે રહીને પણ શુદ્ધ શાકાહારી ભોજન કરે છે. પ્રેમ, પ્રસન્નતા, સરળતા અને સહાયકવૃત્તિ જેમની નસ-નસમાં વહે છે. પરિવાર કે પોતાના ગામ પૂરતી જ સેવા સીમિત ન કરતાં દેશ માટે પણ જેમનું અપૂર્વ યોગદાન રહ્યું છે. ડિફેન્સમાં પણ ઘણાં યુવાનો આ સરાક પ્રજાના છે.
આ સરાક પ્રજા જેમના ગોત્ર પણ આદિદેવ, ધર્મદેવ, અનંતદેવ, ગૌતમ, કાશ્યપ ઇત્યાદિ તીર્થંકર અને ગણધર ભગવંતોના નામથી છે.
આ પ્રજા શિલ્પકળામાં નિપુણ હોવાથી જે તે સમયે તેમણે અનેક મંદિરોનું નિર્માણ કર્યું હતું. આ વિસ્તારોમાં પૂર્વકાળે જૈનોની કેટલી મોટી સંખ્યા હશે તે ત્યાંથી મળતાં પ્રાચીન મૂર્તિ, શિલ્પ અને મંદિરોના અવશેષો ઉપરથી નક્કી થાય છે.
આજે ય વર્તમાનમાં એવા સ્થાનો છે કે જ્યાં 3.4 ફૂટ ખોદકામ થાય તો જૈનમૂર્તિઓ વિશાળ પ્રમાણમાં મળે છે આ જ બતાવે છે કે જૈનો અહીં વિશાળ પ્રમાણમાં હશે.
જો કે આજે પણ આ જૈનોની સંખ્યા લાખોની છે. આ સરાક પ્રજાના આર્થિક, ધાર્મિક અને સર્વક્ષેત્રીય ઉત્થાન માટે ચાલુવર્ષે સુરત મુકામે આ મિશન સરાક સેમિનારનું આયોજન તા. 18-09-2022 રવિવાર રામપાવન ભૂમિએ કરેલ છે.
જે સેમિનારમાં સુરત સ્થિત તમામ જૈનાચાર્ય ભગવંતો અને સાધ્વીજી ભગવંતો પધારશે. લગભગ 7000 જેટલા ભાવુકો આ સેમિનારમાં આવશે. સુરત સ્થિત સર્વે શ્રેષ્ઠીઓ સર્વ સંઘના પ્રમુખક, ટ્રસ્ટીગણ તેમજ સર્વ સમાજના અગ્રગણ્ય શ્રાવક વર્ગ આવશે.
રાજપરિવાર દ્વારા સંચાલિત આ મિશન સરાક સેમિનારમાં ભણશાળી એન્જીનીયરીંગ વાળા બાબુલાલજી ભણશાળી, કુમારપાળભાઇ વી શાહ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, તેમજ પર્યટનમંત્રી મંગલપ્રભાતજી લોઢા પણ પધારશે.
અમદાવાદ, મુંબઇ, કલકત્તાથી પણ અનેક ભાવુકો આવશે.
સરાક ઉત્કર્ષ અભિયાનના માધ્યમે સ્કૂલ, હોસ્પિટલ, મંદિરો, પાઠશાળા અને ઉપાશ્રયોનું નિર્માણ રાજપરિવાર દ્વારા કરવામાં આવેલ છે અને ચાલુ પણ છે. આ કાર્યને વધુ વેગ મળે તે માટે સમકિત ગ્રુપ (મુંબઇ) પણ જોડાયેલ છે સાથે રાજ પરીવાર- સરાક ઉત્કર્ષ સેમિનાર વતી તુષારભાઈ મહેતા એ સુરત નાં સૌ જૈન ભાઇ બહેનો નાં આ કાર્યક્રમ માં હાજર રહી શાસન સેવા નાં આ કાર્ય માં જોડાવાની વિનંતી કરી છે