સત્તા મેળવવી સહેલી છે , ટકાવવી કઠિન છે , પણ પચાવવી અતિ કઠિન છે.”-પ્રફુલભાઇ શુક્લ
રાંદેર રોડની રામકથામાં સીતા રામ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરાઈ
સુરતના રાંદેર રોડ પર કોટિયાક નગરમાં ચાલી રહેલી કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલજીની કથામાં રામ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી થઈ હતી. આજની કથાની મોટી સંખ્યામાં યુવાશ્રોતાઓએ લાભ લીધો હતો. આ સિવાય રાજ્યના મંત્રી મુકેશ પટેલ પણ કથાના શ્રોતા બન્યા હતા અને વ્યાસપીઠના આશીર્વાદ લીધા હતા.
ગૌશાળાના લાભાર્થે આયોજિત રામકથાના ચોથા દિવસે રામજન્મની કથાને આગળ વધારતા કથાકાર પ્રફુલ શુકલજીએ વ્યાસપીઠ પરથી નામકરણ અને રામ વિવાહના પ્રસંગનું ભાવવાહી નિરૂપણ કર્યું હતું. નામકરણ અવસર વિશે જણાવ્યું કે હિન્દુસ્તાન જેવી વિશ્વમાં કોઈ સંસ્કૃતિ નથી. નામકરણની પણ અહીં એક શાસ્ત્રીય વિધિ છે.
વશિષ્ઠ મુનિએ ચારેય પુત્રના નામ પાડ્યા એ સમયે કથામંડપ ચારેય પુત્રના નામના જયકારથી ગુંજી ઉઠ્યો હતો. વ્યાસપીઠ પરથી અપીલ કરતા શુકલજીએ જણાવ્યું કે નામ એવા પાડો કે દેશનું ગૌરવ વધે. જેવા તેવા નામ નહિ પાડતા. નામકરણ બાદ બાળલીલાનું વર્ણન અને ત્યારપછી આવ્યો, રામવિવાહનો અવસર.
એક દિવસ વિશ્વામિત્ર ઋષિ યજ્ઞના રક્ષણ માટે રામ અને લક્ષ્મણને સાથે વનમાં લઈ જાય છે. વનમાં તાડકા વધ, અહલ્યા ઉદ્ધાર કરીને રામ લક્ષ્મણ જનકપુરીમાં પહોંચે છે. જ્યાં સીતાસ્વયંવર પ્રસંગમાં ધનુષભંગની કથા વખતે કથાકારે છંદ અને દોહા વડે આ પ્રસંગને અદભુત રીતે રજૂ કરતા કહ્યુ કે ભગવાન રામના રૂપે આખી મીથીલાને ઘેલી કરી અને પુષ્પવાટિકામાં રામ અને સીતાનું પ્રથમ મુલાકાત થઇ..
‘જય જય ગિરિવર રાજ કિશોરી’ જાનકીજી માં ભવાનીની પૂજા કરે છે અને સીતાને માં ભવાની આશીર્વાદ આપે છે કે ‘સુફલ મનોરથ હોઉં તુમ્હારે’ બીજી સવારે ધનુષભંગ પ્રસંગમાં દેશભરમાંથી રાજા મહારાજા પધાર્યા છે. ધનુષ તોડવાની કોશિષમાં બધા માત ખાઇ છે ત્યારે ભગવાન રામ ગુરુદેવ વિશ્વામિત્રના આદેશથી ઉભા થાય છે અને ભારે કડાકા સાથે ધનુષ ભંગ કરે છે અને એ સાથે જ કથામંડપ જયશ્રી સીતારામના જયકારથી ગુંજી ઉઠે છે. અને ત્યારબાદ સીતા અને રામના વિવાહ થાય છે. સીતારામ વિવાહ પ્રસંગને નાટ્યરૂપે પણ કથામાં પ્રસ્તુત કરાયો હતો.
આ પૂર્વે કથાના પ્રારંભમાં ગુજરાત રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ પધાર્યા હતા.આયોજક વિનોદ જૈન દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવજીભાઈ લેન્ડમાર્ક , મેહુલભાઈ ભાવસાર , જીજ્ઞેશભાઈ સુખડવાલા , ઘનશ્યામભાઈ સોની IRS અધિકારી , નવીનભાઈ જૈન, સૂરત બ્રહ્મસમાજ અગ્રણી લાલભાઇ દવે, કાળુભાઇ જાની, મયુરભાઈ દવે, ભાસ્કરભાઈ જાની, કૃણાલ દવે(સિધ્ધિ હિંદી વિદ્યાલય) ઉપસ્થિત રહી પોથીપૂજન અને વ્યાસપૂજન કર્યું હતું.જેમાં શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાઅને એમનો પરિવાર ભગવાન રામ ની જાન લઇ ને આવ્યો હતો. જ્યારે જીજ્ઞેશકુમાર નાથુસિંહ ઠાકોર અને એમનો પરિવાર કન્યા પક્ષે રહી મા જાનકી નું કન્યાદાન કર્યું હતું.આજે કથામાં કથાકાર શ્રી મુકેશભાઈ ઓઝા અને મનીષભાઈ ભટ્ટ ની પધરામણી થઈ હતી.અને આશીર્વચન આપ્યા હતા.
આવતીકાલ સોમવારની કથામાં અયોધ્યા કાંડની કથાનો આરંભ થશે.
★આજની કથાની રત્નકણિકા★
-જગતના ઝેર પીવે એ શિવ અને ઝેર ફેલાવે એ જીવ.
-હિન્દુસ્તાનનો આદર્શ રામ છે.
-વક્તા વિવેકી હોવો જોઈએ
-જેને રાષ્ટ્ર માટે ગૌરવ નથી એ માણસ કહેવાને લાયક નથી
-રામાયણના ભગવાન રામ પણ સંત ભરત છે
-બહારના શત્રુને મારે એ વીર અને અંદરના શત્રુને મારે એ મહાવીર
-બીજાના સુખને જોઈ ન શકે એ મંથરા