શોપિંગ, ગર્ભ સંસ્કાર અને ડેટીંગની એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ સાવચેતીપૂર્વક ઉપયોગની સમજના અભાવે મહિલાઓ છેતરાય છે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા બુ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘મહિલાઓ માટે સાયબર સુરક્ષા’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સર્ટબરના નેટવર્ક પેન્ટેસ્ટર તેમજ એમેઝોન પ્રિન્સેસ ઇન સાયબર સિકયુરિટી (APC-India) ના એમડી સુમન કાલેના દ્વારા મહિલા સાહસિકો અને વિદ્યાર્થીનીઓને સાયબર સિકયુરિટીમાં કારકિર્દીની તકો, સાયબર સુરક્ષા પાછળનું મનોવિજ્ઞાન તથા એના માટેના જોખમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુમન કાલેનાએ જણાવ્યું હતું કે શોપિંગ, ગર્ભ સંસ્કાર અને ડેટીંગની એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તેનો સાવચેતીપૂર્વક ઉપયોગની સમજના અભાવે મહિલાઓ છેતરાઇ જાય છે. આ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની સાથે તેઓનો ઇ–મેઇલ આઇડી અને ત્યારબાદ તેમનો મોબાઇલ નંબર હેકર પાસે પહોંચી જાય છે. તદુપરાંત આ એપ્લીકેશન થકી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો કેમેરા અને માઇક્રોફોનનો દુરુપયોગ કરી ફોટા પાડી વીડિયો બનાવી લે છે. આથી તેમણે આવી વિવિધ એપ્લીકેશનનો સાવચેતીપૂર્વક કઇ રીતે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે સમજણ આપી હતી.
ગુનેગારો સોશિયલ મિડીયા થકી યુવતિઓને પ્રેમજાળમાં ફસાવે છે અને તેઓને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવે છે. આથી વિદ્યાર્થીનિઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે એમેઝોન પ્રિન્સેસ ઇન સાયબર સિકયુરિટી દ્વારા માહિતીસભર કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ બાબતે સ્કૂલોમાં જઇને પ્રેઝન્ટેશન રજૂ કરવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી વખતે કઇ – કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેના વિશે પણ માહિતી આપી હતી.
ચેમ્બરના માનદ્ ખજાનચી પરેશ લાઠીયાએ સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. જ્યારે ચેમ્બરની સાયબર સિકયુરિટી કમિટીના ચેરમેન નિરવ ગોટીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ચેમ્બરના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.