સુરતમાં છેલ્લા 7 દિવસમાં 4371 કેસ, ડિસેમ્બર-21ના મહિના કરતા 7 ગણા વધુ
અઠવા ઝોનમાં કુલ કેસના 40 ટકા કેસથી કોરોના હોટસ્પોટ

સુરત. ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 1350 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 1452 કેસ નોંધાયા હતા. આ સાથે એકનું મોત થયું હતું. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 5 હજારને પાર કરી 5041 પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં નવા 1350 અને જિલ્લામાં 102 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,49,594 થઈ ગઈ છે. જિલ્લામાં એક કોરોના દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2119 થયો છે. શહેરમાંથી 248 અને જિલ્લામાંથી 08 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142433 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5041 નોંધાઈ છે. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. 2021ના ડિસેમ્બર મહિનાના 31 દિવસમાં 625 કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી 2022 ના માત્ર સાત દિવસમાં 4371 કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ડિસેમ્બર મહિના કરતા 7 ગણા વધુ છે. પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના પાર્લે પોઈન્ટ વિસ્તારના સંગમ એપા.ના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.
પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 7 વ્યક્તિઓ વરાછા ઝોન-એના વરાછા વિસ્તારના વર્ષા સોસાયટીમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 4 વ્યક્તિઓ લિંબાયત ઝોનના કુંભારિયાગામ વિસ્તારના નેચરવેલીના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. એસબીઆઈ બેંક, ઘોડ દોડ રોડ શાખામાં 14 જેટલા કર્મચારીઓ પોઝિટિવ જણાતા બેંક બંધ કરાવવામાં આવેલ છે.