300મી ઓળીના આરાધિકા સા. કલ્પબોધશ્રીજીને ‘તપોરત્ના’ બિરુદ અર્પણ કરાયું
કલામંદિર જ્વેલર્સ પરિવાર દ્વારા ઉલ્લાસથી પારણું કરાવ્યું
સુરત, જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે નોંધાય તેવો ગૌરવશાળી અવસર સુરત-વેસુ- આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના આંગણે ભવ્યતાથી ઉજવાયો હતો. શાસનપ્રભાવક પૂ. આ. અશોકસાગરસૂરીશ્વરજીના સાનિધ્યમાં સાગર સમુદાયના કોહીનૂર રત્ન સમા સા. શ્રી કલ્પબોધશ્રીજી મ.સા.ના 300મી આયંબિલની ઓળીનું ઐતિહાસિક પારણું થયું હતું.
ઉત્સવ માર્ગદર્શક પૂ.આ. સાગરચંદ્ર સાગરસૂરિજીએ તપમહિમા તથા પારણાના લાભનું મહત્વ જણાવતાં લીલાબેન મોહનલાલ સાકરિયા પરિવારના રાજુભાઈના ભાવોલ્લાસ ખૂબ વૃદ્ધિને પામ્યા હતા. સમગ્ર ઉત્સવની જગ્યા પોતે પટેલ હોવા છતાં ઉદારતાથી અર્પણ કરનાર અતુલભાઈ ગોંડલીયા પરિવારે ‘તપોરત્ના’ બિરુદ અર્પણ કરવાનો ચડાવો લીધો હતો. તથા તપની યાદમાં એ જગ્યા પર બનનારા બિલ્ડીંગને ‘કલ્પ એવન્યુ’ નામ અપાશે એવી જાહેરાત થતા સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા.
આગમોદ્ધારક તપોનગરીમાં અનેક આચાર્યો પારણા પ્રસંગે પધાર્યા હતા. શ્રી ચંદ્રકેવલીનું પૂજન તથા પ્રવર સમિતિના વરિષ્ઠ આચાર્યોના પણ અનુમોદન પત્રો આવ્યા હતા. વાજતે ગાજતે એક્સેલેંસીયા બિલ્ડીંગ જઇ સોનાના કળશ દ્વારા વહોરાવીને પારણું કરાવ્યું હતું.
તપોરત્ના સાધ્વીજીએ 300 ઓળીના તમામ ઉપવાસ ચોવિહાર (નિર્જળા) કર્યા હતા. આ પારણા સમયે છેલ્લે 3 ઉપવાસ નિર્જલા કર્યા હતા. સાધ્વીજી ભગવંતોમાં પારણા માટે 71 લાખ શ્લોકના સ્વાધ્યાયની ઉછામણી થઇ હતી. તથા સાથે 25 જેટલા સાધ્વીજીને પણ વિવિધ ઓળીના પારણા થયા હતા. બપોરે ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન થયું હતું.